Varsha Adalja
37 Books / Date of Birth:- 10-04-1940
વર્ષા અડાલજાનો જન્મ ગુજરાતનાં લબ્ધપ્રતિષ્ઠ લેખક ગુણવંતરાય આચાર્યને ત્યાં મુંબઈમાં થયો. શૈશવથી જ સાહિત્ય અને રંગભૂમિમાં રસરૂચિ ગળથૂથીમાં મળ્યા અને અનેક ક્લાસિક નાટકોમાં પ્રમુખ ભૂમિકાઓ કરી. 1966થી લેખન કારકિર્દીની શરૂઆત ફેશન કૉલમિસ્ટ તરીકે કરી. પહેલી નવલકથા પેરીમેસનની અસર તળે રહસ્યકથા લખી અને તરત મૌલિક કથાલેખનની શરૂઆત કરી. બીજી જ નવલકથા `તિમિરના પડછાયા' પરથી ગુજરાતી ફિલ્મ અને નાટક તૈયાર થયું, જેનાં દેશ-પરદેશમાં ઘણાં શો થયા.   તેમને અસંખ્ય પારિતોષિકો અને સન્માન પ્રાપ્ત થયાં છે. ‘લાઈબ્રેરી ઑફ કૉંગ્રેસ’ અમેરિકાની વિશ્વની અત્યંત સમૃદ્ધ, વિશાળ લાઇબ્રેરી છે. ભારતની પ્રમુખ ભાષાઓનાં સર્જકોનાં સ્વરમાં તેમની કૃતિઓનાં રેકોર્ડિંગ્સ સાઉથ એશિયન લિટરેચર પ્રોજેક્ટમાં આર્કવાઇઝમાં સાચવવામાં આવ્યા છે, ગુજરાતી ભાષામાં આ માટે વર્ષા અડાલજાની પસંદગી થઈ હતી. આજે તેમનું રેકોર્ડિંગ્સ ફોટા સાથે વૉશિંગ્ટન DCની લાઇબ્રેરીમાં છે.   2009માં લંડન ઇન્ટરનેશનલ બુકફેરમાં ભારતની જુદી જુદી ભાષાના ડેલિગેશનમાં તેમની પસંદગી થઈ હતી, લિટરલી ઍકૅડમી ઑફ નોર્થ અમેરિકાના આમંત્રણથી, કવિવર ટાગોરની જન્મજયંતિ નિમિત્તે તેમને વિશેષ અતિથિ તરીકે આમંત્રણ મળ્યું હતું.   વર્ષ 2012માં ગુજરાતી સાહિત્ય પરિષદનાં પ્રમુખ તરીકે વર્ષા અડાલજાની વરણી થઈ. દિલ્હી સાહિત્ય અકાદમીની જનરલ કાઉન્સિલ પર તેમની નિયુક્તિ થઈ હતી. વર્ષો સુધી ઑલ ઇન્ડિયા રેડિયો - મુંબઈ પર લેખક-અભિનેત્રી તરીકે અને રેડિયો એનાઉન્સર તરીકે કામ કર્યું હતું. જન્મભૂમિ જૂથનાં ‘સુધા’ અને ટાઇમ્સ ગ્રુપના ગુજરાતી ‘ફેમિના’ના તંત્રી તરીકે તેઓ કાર્યરત હતાં. પ્રતિષ્ઠિત સંસ્થા Sparrow : Sound and Picture Archives For Research On Women તરફથી 2018માં ‘સ્પેરો લીટરલી ઍવૉર્ડ’ પ્રદાન કરવામાં આવ્યો હતો.

Showing 1–25 of 37 results