Nathalal Joshi (Pu. Bhai)
2 Books
પૂ.  ભાઈ નાથાલાલ જોશી એટલે આધ્યાત્મિક જગતની એક વિરલ અને દિવ્ય ચેતના. શરૂઆતનાં વર્ષોમાં તેઓ ‘નાથાભાઈ’ તરીકે ઓળખાતા. બાદમાં, જેમ જેમ લોકો તેમની પાસેથી આધ્યાત્મિક માર્ગદર્શન મેળવવા લાગ્યા અને તેમને ગુરુરૂપે માનવા માંડ્યા, ત્યારે તેઓ વિનમ્રતાથી કહેતા: `મને ગુરુ ન માનો, હું તો તમારો ભાઈ છું.' આ ભાવનાથી જ તેઓ ‘પૂ.  ભાઈ’ તરીકે પ્રસિદ્ધ થયા. પૂ. રમાબહેન સાથે લગ્ન પછી તેઓ ‘રમાનાથ’ નામથી પણ ઓળખાયા. આમ, તેઓ મુખ્યત્વે ત્રણ સંબોધનોથી જાણીતા રહ્યા —નાથાભાઈ, પૂ.  ભાઈ અને પૂજ્ય રમાનાથ.પૂ.  ભાઈનો જન્મ 4 ઑક્ટોબર, 1920ના રોજ (વિક્રમ સંવત 1976 ભાદરવા વદ છઠની મધ્ય રાત્રિએ) જૂનાગઢમાં થયો હતો. તેમના પિતા હરજીવન અદા નવાબના ખજાનચી હતા અને અત્યંત આધ્યાત્મિક સ્વભાવ ધરાવતા હતા. માતા મણિબા પણ સતત ઈશ્વરસ્મરણમાં લીન રહેતાં. તેમના જન્મ પહેલાં જ માતા-પિતાને દિવ્ય અનુભવો થતા, જેના આધારે તેઓ માનતા કે તેમના ઘરમાં કોઈ અલૌકિક શક્તિ અવતરવાની છે.પૂ.  ભાઈએ જૂનાગઢમાં જ શાળા અને કૉલેજનો અભ્યાસ કર્યો. બાળપણથી જ પ્રખર બુદ્ધિશાળી તથા વાંચનનો શોખ ધરાવતા. કૉલેજકાળમાં અભ્યાસનાં પુસ્તકો ઉપરાંત અન્ય વિવિધ વિષયોના અસંખ્ય પુસ્તકો વાંચતા. ભારતીય દર્શન તેમજ સાક્ષાત્કારી સંતો શ્રી રમણમહર્ષિ, શ્રી અરવિંદ ઘોષ, ગાંધીજી, યોગાનંદ, જે. કૃષ્ણમૂર્તિ, વૃંદાવનના સંતો વગેરેનો ઊંડો અભ્યાસ કરેલો. તેમને જ્ઞાનેશ્વરી ગીતા, ચૈતન્ય મહાપ્રભુ અને રામકૃષ્ણ પરમહંસનાં જીવન અને દર્શન અતિ પ્રિય હતાં. આ બંને વિશેનાં પુસ્તકોનું વાંચન વારંવાર કરવાનું તેઓ અમને કહેતા. આ ઉપરાંત પાશ્ચાત્ય ફિલસૂફી તથા પાશ્ચાત્ય ચિંતકો હેગલ, નિત્શે, કાન્ટ, સાર્ત્ર, કાર્લ માર્ક્સ વગેરેનો પણ તેમણે તલસ્પર્શી અભ્યાસ કરેલો.કૉલેજકાળ દરમિયાન એક પ્રસંગે તેઓ શ્રી રામકૃષ્ણ પરમહંસનું જીવનચરિત્ર વાંચતા હતા ત્યારે તેમને દિવ્ય દર્શન થયાં, લાલ સાડીમાં જગદંબા આગળ ચાલી રહી છે અને પોતે નાનકડા બાળકની જેમ તેમનો પાલવ પકડીને પાછળ જઈ રહ્યા છે એવો અનુભવ તેમને થયો હતો.ઈ.સ. 1943માં પૂ.  ભાઈનાં લગ્ન ગોંડલ નિવાસી પૂજ્ય રમાબહેન સાથે થયાં. લોકો તેમને પ્રેમપૂર્વક ‘બેન’ તરીકે સંબોધતા. પૂ.  ભાઈની જ અલૌકિક અભિન્ન શક્તિ છતાં સ્વભાવે અત્યંત મૃદુ અને શાંત એવા પૂજ્ય રમાબહેન આજીવન પોતાની દિવ્યતા છુપાવીને એક સામાન્ય ગૃહિણીની જેમ પતિ માટે ‘तत्सुखे सुखित्वं’ના સંપૂર્ણ શરણાગત ભાવથી પૂ.  ભાઈની સેવા અને સહયોગમાં રહ્યાં.લગ્નના થોડા દિવસો પછી પૂ.  ભાઈને શરીરમાં વાયુની અસહ્ય પીડા શરૂ થઈ, જે એટલી ભયંકર હતી કે ખાઈ શકાય નહીં, સૂઈ શકાય નહીં. રાતોની રાતો પૂજ્ય બેન ઉજાગરા કરીને પૂ.  ભાઈની સેવામાં રહેતાં. અનેક ડૉક્ટરોની સારવાર છતાં આ અસહ્ય બીમારીનો કોઈ ઇલાજ મળ્યો નહીં. પૂ.  ભાઈને સાજા કરી દેવા પરિવારજનો `મા'ને સતત પ્રાર્થના કરતાં.વાયુની આ અસહ્ય પીડા આશરે અઢી વર્ષ સુધી ચાલી. અને એક દિવસ એક અલૌકિક, અભૂતપૂર્વ અને કલ્યાણકારી ઘટના બની! વિક્રમ સંવત 2002 પોષ સુદ પાંચમ(08 જાન્યુઆરી, 1946) ના દિવસે બપોરે 12.30થી 1 વાગ્યાના સમય દરમિયાન પૂ.  ભાઈ જૂનાગઢમાં પોતાના ઘરના ઉપરના ઓરડામાં હીંચકા ઉપર બેઠા હતા ત્યારે એક દિવ્ય નાદ સાથે ત્રણ વાર તાળી પાડીને પૂ.  ભાઈએ ઘોષણા કરી : `અંબી જન્મી, અજોડ, UNPARALLELED, SUPREME POWER OF THE WORLD.'તે દિવ્ય નાદનો ગુંજારવ એટલો અદ્વિતીય અને અપ્રતિમ હતો કે તે નાદના પ્રભાવથી મેડા ઉપર રાખેલા ખૂમચાની થપ્પીમાંથી એક ખૂમચો નીચે પડીને પૂ.  ભાઈની સામેની દીવાલ પાસે જાણે વંદનમુદ્રામાં ઊભો રહી ગયો હોય તેમ સ્થિર થઈ ગયો. તે ક્ષણે પૂ.  ભાઈની હથેળીઓ ગુલાબી બની ગઈ અને સમગ્ર ઓરડો દિવ્ય સુગંધથી મઘમઘી રહ્યો. આ ઘટના એટલે જાણે પૃથ્વી પર મા જગદંબાના પ્રાગટ્યની દિવ્ય ઘોષણા! ત્યારથી દર વર્ષે પોષ સુદ પાંચમ `મા'ના પ્રાગટ્ય દિવસ તરીકે શ્રદ્ધાભાવે ઊજવવામાં આવે છે.આ પ્રસંગ વિશે સ્પષ્ટતા કરતાં પૂ.  ભાઈ કહેતા : `1946માં મા પ્રગટ થઈ તેનો અર્થ એવો નથી કે મા ત્યારે જ આવી. મા તો પહેલેથી સદાય હતી જ, પરંતુ દુનિયા સમક્ષ તેનું પ્રાગટ્ય પોષ સુદ પાંચમે થયું. બાકી મા અને હું અલગ નથી — બંને એક જ છીએ.' પછીના સમયમાં પૂ.  ભાઈ અનેકવાર સમજાવતા કે તેમને થયેલી વાયુની પીડા કોઈ સામાન્ય શારીરિક રોગ નહોતો, પરંતુ એક ઊંડી આધ્યાત્મિક પ્રક્રિયાનો ભાગ હતો. આ સ્થિતિ ત્યારબાદ પણ તેમના જીવનમાં સહજ રીતે રહેલી.પૂ.  ભાઈ અભ્યાસ કરીને બૅરિસ્ટર થવા ઇચ્છતા હતા, પરંતુ જૂનાગઢની બહાઉદ્દીન કૉલેજ ખાતે M.A.ની પરીક્ષાનું ફૉર્મ ભરતા સમયે આ દિવ્ય શક્તિએ ત્રણ વખત તેમનો હાથ પાછો ખેંચી લીધો અને ફૉર્મ ન ભરવા દીધું, એ ઘટનાને તેમણે `મા'નો આદેશ માનીને M.A.ની પરીક્ષા દેવાનું મુલતવી રાખ્યું  અને `મા'ની જ દિવ્ય ઇચ્છાથી તેઓ નોકરી પણ ન કરી શક્યા.આ અગમ્ય શક્તિ તેમના જીવનમાં કાર્યરત થઈ તેનો બૌદ્ધિક રીતે તાગ મેળવવા તેમણે અનેક પ્રયત્નો કર્યા, અનેક ડૉક્ટરોને તથા આધ્યાત્મિક વિભૂતિઓને મળ્યા. પોતાને થતા અનુભવો ભ્રાંતિજન્ય નથી એ જાણવા-સમજવા તેઓ પૂરા પ્રયત્નશીલ હતા, પણ તેમની અનુભૂતિઓ બુદ્ધિના સીમાડાઓથી ઘણી ઉપરની અને સૂક્ષ્મ જગતના પારંગતોને પણ અચંબિત કરી દે તેવી હતી.પૂ.  ભાઈએ શ્રી મકરંદ દવેને સરસ સમજાવેલું : ‘મારા સત્યપરીક્ષણનો આખરી પાયો તો અનુભવ જ છે, પણ એ અનુભવને નિર્મમ તર્ક અને શાસ્ત્રસંમતિની સહાય વિના હું સ્વીકારતો નથી. સત્યનિર્ણય માટે ત્રણ માપદંડ (સંન્યાસીના જાણે ત્રિદંડ) પર આધાર રાખવાનું કહ્યું હતું. એ છે શ્રુતિ, યુક્તિ અને અનુભૂતિ. માત્ર શ્રુતિ પર આધાર રાખે તો માણસ ઘણી વાર અંધશ્રદ્ધાળુ અને એકાંગી બની જાય છે, માત્ર તર્ક પર આધાર રાખે તો એ કશા નિર્ણય પર આવી શકતો નથી અને સંશયવાદી બની જાય છે. એવી જ રીતે એકલો અનુભવ માણસને આત્મવંચના કે ભ્રમણામાં ફસાવી મારે. માણસ પોતાની જાતને કેટકેટલી રીતે છેતરી શકે છે એની કોઈ સીમા નથી. એટલે ઝનૂની ન બનવું હોય, સંશયવાદી ન થવું હોય કે ભ્રમદાસ ન રહેવું હોય તો શ્રુતિ, યુક્તિ અને અનુભૂતિને સાથે જ રાખવાં પડશે.આ સમયગાળા દરમિયાન કાનનગઢના સાક્ષાત્કારી સંત શ્રી પાપા સ્વામી રામદાસ જૂનાગઢમાં પધારેલા ત્યારે પૂ.  ભાઈ તેમને મળવા ગયેલા અને વાતવાતમાં પૂ.  ભાઈએ તેમને કહ્યું, `તમને વસિષ્ઠ ગુફામાં શ્રીરામનો સાક્ષાત્કાર થયેલો.' રામદાસજીને આશ્ચર્ય થયું કે કોઈને સાક્ષાત્કાર થયેલો હોય તો તે બાબત માત્ર બે જણ જાણે – એક તો જેને સાક્ષાત્કાર થયેલો હોય તે અને બીજો જેનો સાક્ષાત્કાર થયેલો હોય તે. આથી તેમને પૂ.  ભાઈ માટે અનહદ માન થયું.જગદંબાના પ્રાગટ્ય પછી `મા'ના આદેશથી ઈ.સ. 1947માં પૂ.  ભાઈ અને પૂજ્ય બેન કાયમી ગોંડલ ખાતે સ્થાયી થયા. શરૂઆતમાં ભાડાના મકાનમાં અને ત્યારબાદ ઈ.સ. 1962થી રેલવે સ્ટેશન પાસે ‘શ્રુતિ' નિવાસે રહેવા લાગ્યાં. પૂ.  ભાઈની અલૌકિક આધ્યાત્મિક શક્તિ વિશે સાંભળીને અનેક સાધકો, સંગીતકારો, લેખકો, કલાકારો, કથાકારો, વિજ્ઞાનીઓ, ચિત્રકારો, સંતો, પત્રકારો, તંત્રીઓ, પ્રોફેસરો, રાજકારણીઓ, અધિકારીઓ-પદાધિકારીઓ તેમણે મળવા આવવા લાગ્યા. પૂ.  ભાઈ મળવા આવનાર દરેકને તેમની સાથેની મુલાકાત અને વાતચીત જાહેરમાં પ્રગટ ન કરવા વિશે ખાસ કહેતા. આથી વરસો સુધી આ દિવ્ય શક્તિ ગોંડલ ગામમાં પણ અજાણી રહી!પૂ.  ભાઈ સૌને કહેતા, `આપણું ધ્યેય ચમત્કાર નથી, પણ પરમાત્મા છે. પરમાત્માને પામવા માટે વ્યાકુળતા થવી જોઈએ. તેને પામ્યા સિવાય ચેન ન પડવું જોઈએ. જેને ઈશ્વર પ્રાપ્તિની ઝંખના છે તે દરેક દુનિયાના કોઈપણ ખૂણામાંથી ખેંચાઈને અહીં આવશે. Divine proximity is rarity. અહીં આવનાર દરેકનું કલ્યાણ નિશ્ચિત છે, નિશ્ચિત છે, નિશ્ચિત છે.'હું મુંબઈ છોડીને 1990થી ગોંડલમાં સ્થાયી થઈને રહું છું. સમય સાથે પૂ.  ભાઈની આ વાત વધારે ને વધારે સમજાય છે. પૂ.  ભાઈની અહૈતુક કૃપા પ્રાપ્ત કરીને અનેક લોકો ધન્ય બન્યા છે. પૂ.  ભાઈ પાસે શાંતિ અને સમાધાન પામવા આવનાર દરેક વ્યક્તિને પૂ.  ભાઈ પોતાના સુહૃદ, સખા, બંધુ, માતા, પિતા – સર્વસ્વ લાગવા માંડતા. જુદા જુદા લોકોએ પૂ.  ભાઈ સાથે થયેલા સંવાદોને ડાયરીમાં નોંધેલા છે, જે 30થી વધુ પુસ્તકો સ્વરૂપે પ્રકાશિત થયેલાં છે.પૂ.  ભાઈની વાણીનાં બે સ્વરૂપો હતાં. પૂ.  ભાઈ વ્યવહારિક કાર્યો માટે સામાન્ય ટોનમાં બોલતા, જે વૈખરી વાણી. આ ઉપરાંત સ્થળ-કાળથી પરની ઘટનાઓ વર્ણવવા માટે અથવા અલૌકિક રહસ્યો પ્રગટ કરવા માટે ઊંચા ટોનમાં બોલતા તે પરાવાણી અથવા `મા'ની વાણી. પૂ.  ભાઈ પરાવાણી બોલતા ત્યારે બહારથી કોઈ દેવી-દેવતા તેમનામાં પ્રવેશ કરીને નહોતા બોલતા. કોઈ આવેશ-પ્રવેશ ન હતો. બંને પ્રકારના ટોન પૂ.  ભાઈના જ હતા – `મા'ના જ હતા. પૂ.  ભાઈ અને `મા' અલગ અસ્તિત્વ ન હતાં. બંને એક જ હતાં.પૂ.  ભાઈ એકવાર બંગાળીમાં બોલેલા :આમિ રામ, આમિ કૃષ્ણ, આમિ ચૈતન્ય, આમિ રામકૃષ્ણચૈતન્ય મહાપ્રભુની જેમ પૂ.  ભાઈએ ઈશ્વરના નામસ્મરણનો મહિમા સંવર્ધિત કર્યો છે. તેઓ ભગવદ્ પ્રાપ્તિ માટે નામસ્મરણને તરણોપાય ગણાવતા. પૂ.  ભાઈ અદ્ભુત સત્સંગ કરાવતા. તેમની વાણી જાણે ઉપનિષદોની વાણી! જે વાણીનો ગુંજારવ શ્રોતાઓને ઊર્ધ્વભાવમાં ડુબાડી દેતો. એ વાણી યુગો સુધી સાંભળ્યા જ કરીએ એવો ભાવ સૌના મનમાં થતો. ઇન્ટ્યૂશનથી આવતી વાણીને પૂ.  ભાઈએ ગદ્ય-પદ્ય રૂપે પ્રેરણા-પ્રાર્થના રૂપે લખી છે. જે ‘અમૃતમ્' નામના 9 ખંડોમાં પ્રકાશિત છે. ‘અમૃતમ્'માં લખાયેલી અને પૂ.  ભાઈના શ્રીમુખેથી બોલાયેલી આ પરાવાણીનો ઊંડો પ્રભાવ અસંખ્ય લોકોનાં જીવનમાં પડ્યો છે.પૂ. ભાઈનાં દર્શન પ્રાપ્ત કરેલાં જિજ્ઞાસુઓને એવી હૈયાધારણા થઈ છે કે `હારેલાનો હરિ છે.' નિરાધાર બનેલાને લાગે છે કે તેમનાં પગલાં દબાવતી જગદંબા તેમની સાથે જ છે. એ ખરેખર પોતાની મા છે એવી અતૂટ અને અખંડ શ્રદ્ધા જાગ્રત થઈ છે. ‘દરેક મનુષ્ય પૂર્ણતાની પ્રાપ્તિનો પૂરતો અધિકારી છે.’ એમ કહીને જાતિ અને જ્ઞાતિના ભેદભાવો, અધિકારિતા અને અનધિકારિતાના ભેદભાવો અને લઘુતાગ્રંથિના ભાવમાંથી પૂ.  ભાઈ મુક્તિ અપાવે છે‌. જગત એ દુ:ખાલય નથી, પણ ચિર વસંત ભરેલું સુખાલય છે એવી પ્રતીતિ તેમણે કરાવી છે. સાધનામાં થાકેલા અને નિરાશ થયેલાને કહેતા, ‘તમે જગદંબાનું સંતાન છો, રાજરાજેશ્વરીનાં સંતાન છો, તેને તમારામાં રસ છે, તે તમને પરમ ધ્યેયે પહોંચાડ્યાં વિના જંપશે નહીં.’પૂ.  ભાઈના જીવનમાં પૂજ્ય રમાબહેનનું સ્થાન અત્યંત અનન્ય અને અભિન્ન હતું. તેઓ માત્ર જીવનસાથી નહોતાં, પરંતુ એક દિવ્ય શક્તિરૂપે પૂ.  ભાઈની સમગ્ર આધ્યાત્મિક લીલામાં પૂર્ણ સહભાગી હતાં. પોતાનું દિવ્યત્વ સંપૂર્ણ રીતે આવરી રાખીને તેઓ જીવનભર પડદા પાછળ રહી, અદ્વિતીય સમર્પણભાવથી પૂ.  ભાઈને સહકાર આપતાં રહ્યાં. પૂ.  ભાઈને વરસો સુધી રહેલી અલૌકિક વાયુની અસહ્ય પીડા દરમિયાન પૂજ્ય બહેને પોતાની શારીરિક વ્યથાની સંપૂર્ણ અવગણના કરીને અવિરત પરિશ્રમ કર્યો, પરમ નિષ્ઠા અને નિઃસ્વાર્થ ભાવથી તેમની સેવા કરી. તેમની આ સેવા માત્ર કર્તવ્ય નહોતી, પરંતુ પૂર્ણ શરણાગતિ અને પ્રેમની જીવંત અભિવ્યક્તિ હતી.ઈ.સ. 1994માં પૂજ્ય બહેન સ્વધામ પધાર્યાં બાદ, પૂ.  ભાઈ ઘણીવાર તેમની આ નિઃશબ્દ સેવાનું સ્મરણ કરતાં ભાવવિભોર બની જતા. તેમની આંખો અશ્રુભીની થઈ જતી અને તેઓ ગહન ભાવથી કહેતા : `આર્યનારીનો આનાથી ઉત્તમ આદર્શ બીજો કયો હોઈ શકે?' અને `તે મારી અભિન્ન શક્તિ જ છે.’એક પ્રસંગે સાહિત્યકાર શ્રી કમલ વોરાએ પૂ.  ભાઈ અને પૂજ્ય બહેનના ફોટાઓ પર આશીર્વચન લખાવવા માટે ફોટા પૂ.  ભાઈ સમક્ષ ધર્યાં ત્યારે એ અનેક ફોટાઓમાંથી તેમણે પૂજ્ય બહેનનો ફોટો શોધી કાઢ્યો, તેને વંદન કરીને કહ્યું : `હું આને વંદન કરું છું. મારી સેવા કરવામાં તેણે પોતાની જાતને ખર્ચી નાખી.’પૂજ્ય બહેન હંમેશાં લોકસંપર્કથી દૂર રહેતા. તેઓએ પોતાના દિવ્યત્વનો ક્યારેય પ્રચાર થવા દીધો નહોતો. છતાં, તેમની કૃપાથી થોડા વિરલ ભક્તોને તેમનું સાંનિધ્ય પ્રાપ્ત થયું હતું અને તેઓ ભાવપૂર્વક પૂજ્ય બહેનના અલૌકિક અનુભવોની વાતો કરતા.પૂ.  ભાઈએ ઈ.સ. 2013માં, 93 વર્ષની વયે દેહત્યાગ કર્યો, પરંતુ તેમના દેહાવસાન પછી પણ અસંખ્ય લોકો આજે તેમની ચેતનાની જીવંત હાજરી અને કૃપાનો ઊંડો અનુભવ કરી રહ્યા છે. પૂ.  ભાઈ ઘણીવાર કહેતા : ‘હું આ દેહમાં નહીં હોઉં ત્યારે વધુ સક્રિય રીતે કાર્ય કરી શકીશ.’ અને સમય જતાં અનેક સાધકો તથા ભક્તોના અનુભવોમાં આ વાણી જીવંત સત્યરૂપે પ્રતિબિંબિત થતી દેખાય છે. 

Showing all 2 results