
Amrut Barot
1 Book
અભ્યાસે કૉમર્સના સ્નાતક અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અમૃત બારોટને પ્રથમથી જ સાહિત્ય અને નાટ્યપ્રવૃત્તિઓમાં ઊંડો રસ હતો, જેના કારણે એમની પાસેથી અત્યાર સુધીમાં બે નવલકથાઓ, ‘વડમામી’ (2012) અને ‘ઊડીએ જાળ સમેત’ (2016) તથા એક સંસ્કૃતિ વિષયક પુસ્તક ‘પ્રાચીન મિસર અને અખેનેતન’ (2010) આપણને પ્રાપ્ત થયાં છે. એમની નવલકથા ‘વડમામી’ને ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા 2012ના વર્ષનું શ્રેષ્ઠ ગ્રામ્યકથા માટેનું દોલત ભટ્ટ પારિતોષિક તથા ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા 2012ના વર્ષનું દ્વિતીય શ્રેષ્ઠ પુસ્તકનું પારિતોષિક એનાયત થયાં હતાં. ‘નવનીત સમર્પણ’, ‘એતદ્’ તથા ‘પરબ’ જેવાં સામયિકોમાં એમની ટૂંકી વાર્તાઓ પ્રકાશિત થઈ ચૂકી છે.
આ લેખકે ઈ.સ. 1983માં પન્નાલાલ પટેલની યશોદાયી કૃતિ ‘માનવીની ભવાઈ’ને નાટ્યરૂપ આપી મુંબઈમાં મંચસ્થ કરી હતી. કાંદિવલી, મુંબઈ સ્થિત ‘સંવિત્તિ’ સંસ્થાના માધ્યમે લેખકે આદિકવિ નરસિંહ મહેતાના જીવન પર આધારિત ‘ધન્ય નરસૈંયાની જીભલડી’ અને ‘પપ્પા તમે પણ’ જેવાં દ્વિઅંકી નાટકોનું લેખન તથા દિગ્દર્શન કર્યું છે તથા અનેક સાંસ્કૃતિક કાર્યક્રમોમાં સહભાગી રહ્યા છે. મૂળ ઉત્તર ગુજરાતના હાલના અરવલ્લી જિલ્લામાં આવેલા મઉ ગામમાં જન્મેલા આ લેખક અત્યારે કાંદિવલી, મુંબઈમાં નિવાસ કરી સાહિત્યિક પ્રવૃત્તિઓ કરી રહ્યા છે.











