એઇલીનનો જન્મ ઇજિપ્તમાં થયો હતો. ઇજિપ્તના ઍલેક્ઝાન્ડ્રિયા બંદર ખાતે એઇલીનના આઇરિશ પિતા આલ્બર્ટ બાર્કબેઝ બૅંકના ડિરેક્ટર હતા. તેમની માતા મ્યુરિલ અંગ્રેજ હતી. છ વર્ષની ઉંમરે તેઓ ઇજિપ્ત છોડી આયરલૅન્ડની શાળામાં દાખલ થયાં હતા. પછીથી તેમને ઇંગ્લૅન્ડની બૉર્ડિંગ સ્કૂલમાં મૂકવામાં આવેલાં. ત્યાં તેઓ સુખી ન હતાં અને એક ઠોઠ વિદ્યાર્થિની તરીકે ઓળખાતાં.
તેમની કોઈ ખાસ ઉલ્લેખનીય ધાર્મિક પાર્શ્વભૂમિકા નથી. તેમના પિતા ચર્ચમાં જતા નહીં. આઇરિશ ફોઈ સાથે એઇલીન ચર્ચમાં જતાં થયાં હતાં. તેમને બાઇબલનું વાંચન ગમતું અને બાઇબલ વાંચ્યા પછી તેમનામાં આધ્યાત્મિક ઝંખનાઓ જાગતી, છતાં ચર્ચ તેમને ખાસ આકર્ષી શક્યું નહીં. ધાર્મિક સંસ્કાર ગ્રહણ કરવાનો તેમણે ઇનકાર કર્યો હતો.