હિરેન દેસાઈએ વડોદરાની ‘ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી’માંથી ગુજરાતી ભાષા, સાહિત્યનો અભ્યાસ કર્યો છે. બી.એ. તથા એમ.એ.માં સુવર્ણચંદ્રકથી સન્માનિત થયા છે અને હાલ રિસર્ચસ્કૉલર તરીકે સંશોધન કરી રહ્યા છે. એમની ટૂંકી વાર્તાઓ ‘પરબ’, ‘એતદ્’, ‘બુદ્ધિપ્રકાશ’, ‘નવનીત સમર્પણ’, ‘શબ્દરવ’, ‘શબ્દસર’, ‘વારેવા’ તથા ‘મમતા’ જેવાં અનેક પ્રકૃષ્ટ સાહિત્યિક સામયિકોમાં પ્રકાશિત થતી રહી છે. એમની પ્રથમ કિશોર સાહસકથા ‘ધ રેડ ક્રૉસ’ વર્ષ 2021માં અને નવલકથા ‘રંભાસુર’ વર્ષ 2023માં આર. આર. શેઠ પ્રકાશનગૃહ દ્વારા પ્રકાશિત થયેલી. સાહિત્યની સાથોસાથ ઇતિહાસ અને તત્ત્વજ્ઞાન જેવા વિષયોમાં પણ એઓ વિશેષ રસ ધરાવે છે. એમણે કલા, સાહિત્યના અનેક કાર્યક્રમોનું સફળ સંચાલન કર્યું છે. શ્રી આર.પી. અનડા કૉલેજ ઑફ એજ્યુકેશન, બોરસદમાં તેઓ ‘સાહિત્ય, નાટ્ય અને મીડિયા’ વિષય ઉપર અવારનવાર વ્યાખ્યાનો આપતા રહ્યા છે.