Ramesh Parekh
5 Books / Date of Birth:- 27-11-1940 / Date of Death:- 17-05-2006
રમેશ પારેખ આધુનિક ગુજરાતી કવિતાના સૌથી લોકપ્રિય કવિ હતા. તેમનો જન્મ અમરેલીમાં થયો હતો. તેમની પ્રથમ વાર્તા ‘પ્રિતની દુનિયા’ ચાંદની સામાયિકમાં શાળામાં હતા ત્યારે પ્રગટ થઇ હતી. તેમને ચિત્રકળામાં રસ હતો અને તેઓ સર જે.જે. સ્કૂલ ઑફ આર્ટસમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા હતા પરંતુ નાણાકીય ભીડને કારણે તેમ કરી ન શક્યા. 1960માં તેઓ અમરેલી જિલ્લા પંચાયત કચેરીમાં જોડાયા. 1962 સુધી તેમણે વાર્તાઓ લખવાનું ચાલુ રાખ્યું અને સંગીત ક્લબની સ્થાપના કરી. 1967માં તેમણે કવિતા લખવાની શરૂઆત કરી. 1968માં તેમની મુલાકાત અનિલ જોશી સાથે થઇ અને તેમણે વધુ કવિતાઓ લખવાની પ્રેરણા આપી. 1988માં તેઓ સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયા અને સમગ્ર જીવન સાહિત્યિક કારકિર્દી પર કેન્દ્રિત કર્યું. ‘સોનલ’ અને ‘મીરાંબાઇ’ને સંબોધીને લખાયેલ તેમની કવિતાઓ અને ગીતો સૌથી વધુ જાણીતા છે. ‘કાલ સાચવજે પગલા’ (૨૦૦૯) તેમના મિત્ર નિતિન વડગામા વડે સંપાદિત અને પ્રકાશિત મરણોત્તર કાવ્યસંગ્રહ છે. તેમણે ત્રિ-અંકી નાટકો પણ લખ્યા છે, બાળ સાહિત્યમાં તેમણે નોંધપાત્ર પ્રદાન કર્યું છે. 1970માં તેમને કુમાર સુવર્ણચંદ્રક, 1983માં ધનજી કાનજી સુવર્ણચંદ્રક, 1986માં રણજિતરામ સુવર્ણચંદ્રક અને 1989માં કલા ગૌરવ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. ‘ખડિંગ’ પુસ્તક માટે તેમને 1978માં નર્મદ સુવર્ણચંદ્રક અને 1978-79નો ઉમા-સ્નેહરશ્મિ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. ‘મીરા સામે પાર’ માટે તેમને ગિજુભાઇ બધેકા સુવર્ણચંદ્રક અને શ્રી અરવિંદ સુવર્ણચંદ્રક, રાજ્ય ક્ક્ષાનો ગુજરાતી સાહિત્ય અકાદમી પુરસ્કાર (૧૯૭૯) મળ્યો હતો. તેમના કાવ્યસંગ્રહ ‘વિતાન સુદ બીજ’ માટે 1994માં તેમને ‘દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર’ મળ્યો હતો. આ જ પુસ્તક માટે તેમને રાજકુમાર ભુવલ્કા પુરસ્કાર પણ મળ્યો હતો. તેમના સમગ્ર સર્જન માટે તેમને 1988માં સંસ્કાર પુરસ્કાર અને અમરેલી જિલ્લા પંચાયત કચેરી તરફથી કલા ગૌરવ સુવર્ણચંદ્રક મળ્યો હતો. 2004માં તેમને ‘નરસિંહ મહેતા પુરસ્કાર’ એનાયત થયો હતો. 1982-83માં ‘નસીબની બલિહારી’ ચલચિત્ર અને 1993-94માં ‘માનવીની ભવાઈ’ ચલચિત્ર માટે તેમને શ્રેષ્ઠ ગીતરચનાકારનો પુરસ્કાર ગુજરાત સ્ટેટ ફિલ્મ એવોર્ડ મળ્યો હતો.