Mariz
2 Books / Date of Birth:- 22-02-1917 / Date of Death:- 19-10-1983
મરીઝ ‍(અબ્બાસ વાસી) જાણીતા ગુજરાતી ગઝલકાર હતા. તેમણે લખેલી ઉમદા ગઝલોને કારણે તેમને ગુજરાતના ગાલીબ તરીકે ઓળખવામાં આવે છેતેમનો જન્મ દક્ષિણ ગુજરાતના સુરત શહેરમાં અબ્દુલ અલી વાસીના ઘરમાં થયો હતો. પિતા વ્યવસાયે શિક્ષક હતા. તેમણે તેમની માતાની છત્રછાયા ખૂબ નાની ઉંમરમાં જ ગુમાવી હતી. તેમને બાળપણમાં શિક્ષણમાં રસ પડતો નહિ અને શાળાએ જવાને બદલે તેઓ સુરત રેલ્વે સ્ટેશને આવતી-જતી રેલગાડીઓના એન્જીન જોવામાં સમય પસાર કરતા. વ્યવસાયે શિક્ષક એવા પિતાથી શિક્ષણ પ્રત્યેની તેમની આ નિરસતા સહન ન થતા, તેમને મુંબઈ પૈસા કમાવવા મોકલી દીધા હતા. તેઓએ મુંબઈમાં રબર ફેક્ટરીમાં કામ કરવાની શરૂઆત કરી હતી. તેમણે શાયરીની શરૂઆત ૧૪ વર્ષની ઉંમરે પોતાની મોટી બહેનની દીકરીના પ્રથમ જન્મદિન નિમિત્તે ગઝલ લખીને કરી હતી. તેમના મિત્ર અમિન આઝાદને તેઓ પોતાના ઉસ્તાદ (ગુરુ) ગણાવતા હતા. ૧૯૮૩ની ૧૩મી ઓક્ટોબરે ઘરની બહાર જ રસ્તો ઓળંગવા જતા પૂરપાટ દોડી આવતી રીક્ષાની અડફેટે આવતા તેમને ગંભીર ઈજા થઈ હતી. આ અકસ્માત જ તેમના મૃત્યુનું કારણ બન્યો. ૧૯ ઓક્ટોબરના રોજ તેમના મલ્ટીપલ ફ્રેક્ચરોની શસ્ત્રક્રિયા કરવામાં આવી, જે સફળ રહી હતી પરંતુ તુરંત જ તેમને હૃદયરોગનો હુમલો થયો જેમાં તેમનું અવસાન થયું હતું.મુંબઈમાં આવીને તેમણે રબરના બુટ બનાવતી ફેક્ટરી યુનિવર્સલ રબર વર્ક્સમાં નોકરીની શરૂઆત કરી. ટૂંકા વેતનમાં પણ તેમણે વાંચનનો શોખ ન છોડ્યો અને પોતાની આવકનો મોટો હિસ્સો ફક્ત પુસ્તકો પાછળ જ ખર્ચતા. આગળ જતા તેમણે 'વતન' અને 'માતૃભૂમિ'માં પત્રકાર તરીકે પણ કામ કર્યું અને આઝાન, ખુશ્બુ અને ઉમીદ જેવા સામયિકોનું પ્રકાશન કરવાનું પણ કામ કર્યું, પરંતુ આર્થિક ભીંસને કારણે તેમાં બરકત ન આવી. ૧૯૬૦માં દાઉદી વોરા કોમના મુખપત્ર 'ઈન્સાફ'નું તંત્રીપદ સ્વીકાર્યું. ૧૯૩૬માં આકાશવાણી મુંબઈ પરથી પ્રસારીત મુશાયરામાં ભાગ લીધો હતો.૧૯૭૧ અને ૧૯૮૧ માં મુંબઈમાં બે જુદાજુદા પ્રસંગે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.કપરી આર્થિક સ્થિતિથી તંગ થઈને ૧૬ વર્ષની ઉમ્મરથી જ દારૂની લતમાં ફસાયા હતા. પાછલા જીવનમાં પાંચ-દસ રૂપિયામાં લખેલી ગઝલો દારૂ પીવા માટે વેચતા હતા. પછી દારૂની અસરને કારણે મુશાયરાઓમાં બરાબર રજૂઆત પણ ન કરી શકતા. ધર્મ-નિરપેક્ષ હોવા છતાં, પૈસા માટે મુસ્લીમ ધર્મગુરુઓ માટે ‘ઇન્સાફ’ દૈનિકમાં સુધારા વિરોધી લેખો લખતા.૧૯૬૫માં એક ધનવાન વ્યક્તિએ રાતોરાત પ્રસિદ્ધિ પ્રાપ્ત કરવાના આશયથી મરીઝ પાસેથી તેમની ગઝલોનો સંગ્રહ સારી એવી કિંમતે ખરીદી લીધો હતો અને સપ્ટેમ્બર ૧૯૬૬માં દર્દ નામે ૧૨૫ પાનાંના પૂસ્તક રૂપે તે પ્રગટ પણ કર્યો. પરંતુ સાહિત્યજગતમાં આ વાત ખુલ્લી પડી ગઈ અને સાહિત્યકારો તથા મરીઝના ચાહકોએ હોહા મચાવી દેતા તે પુસ્તક તાત્કાલિક વેચાણમાંથી પાછું ખેંચી લેવામાં આવ્યું હતું.એમણે થોડીક નઝમો અને મોટી સંખ્યામાં ગઝલો લખી છે, જેમાંની અનેક બીજાઓને વહેંચેલી-વેચેલી એમ કહેવાય છે. પરિણામે થોડીક જ એમના નામે ગ્રંથસ્થ છે. એમનો પ્રથમ ગઝલસંગ્રહ ‘આગમન’ (૧૯૭૫) અને બીજો ‘નકશા’ (મરણોત્તર, ૧૯૮૪) છે. આ ઉપરાંત અન્ય સાથે એમની રચનાઓ ‘દિશા’ (૧૯૮૦)માં સંપાદિત થયેલી છે

Showing all 2 results