મિતુલ ઠાકરનો જન્મ ગુજરાતના અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના છેવાડાના ગામ સમઢીયાળા-1 મુકામે 1980માં થયો હતો. બાળપણથી વાંચનનો શોખ ધરાવતા મિતુલ ઠાકરે 1996માં એસ.એસ.સી.ની પ્રિલિમિનરી પરીક્ષામાં લખેલ ફાટેલા ચપ્પલની આત્મકથાના લેખનને જે.પી. પારેખ હાઈસ્કૂલ, મહુવાના શિક્ષક શ્રી નરેન્દ્રભાઈ વૈષ્ણવ દ્વારા બિરદાવી તેમનામાં ધરબાયેલ લેખક જીવનો સાક્ષાત્કાર કરાવવામાં આવ્યો.
ધોળકા મુકામે આર્ટ ટીચર ડિપ્લોમાના બે વર્ષ (1997-1999) દરમિયાન મિતુલનું લેખન અને વાંચન સાવ વિસરાઈ ચૂક્યું હતું તે 1999માં વલ્લભ વિદ્યાનગર મુકામે સંતરામ કૉલેજ ઑફ ફાઇન આર્ટ્સમાં ઍપ્લાઇડ આર્ટ કરવા આવ્યા બાદ અહીંના વાતાવરણમાં પોષણ પામ્યું. અભ્યાસ દરમિયાન કવિતાઓ અને વાર્તાઓ ક્લાસમાં અને ક્યારેક એન્યુઅલ ફંકશનમાં પણ રજૂ કરીને મિતુલએ પોતાનામાં રહેલા લેખકને જીવતો રાખ્યો.
2004થી એલિકોન એન્જિનિયરિંગ કંપનીમાં ક્રિએટીવ ડિઝાઇનર તરીકે જોડાયા પછી 2015 સુધીમાં ગ્રાફિક ફિલ્ડમાં બહોળો અનુભવ લીધો અને તે દરમિયાન લેખન દ્વારા અક્ષરનાદ વેબસાઇટ ઉપર પોતાની કવિતાઓ, વાર્તાઓ, માઇક્રોફિક્શન વાર્તાઓ વગેરે કૃતિઓને સમાજ સામે પીરસતા રહ્યા છે.
વર્તમાન સમયમાં તેઓ આણંદ ખાતે પોતાની પત્ની તૃપ્તિ, પુત્ર દધિચી સાથે રહે છે અને પોતાની ક્રિએટીવ ફર્મ મેડ પબ્લિસિટીનું સંચાલન કરી આ ક્રિએટીવ ફિલ્ડમાં વિશેષત: ફૂડ પેકેજ ડિઝાઇનમાં આગવું કાર્ય કરી રહ્યા છે.