વ્યવસાયે લેખક-પત્રકાર પરમ દેસાઈનો વડોદરામાં 8 ઑગસ્ટ, 1997ના રોજ જન્મ. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ સુરેન્દ્રનગરમાં. સૌરાષ્ટ્રને વતન બનાવ્યા બાદ અમદાવાદને કર્મભૂમિ બનાવી. TV9 ગુજરાતી ન્યૂઝ ચૅનલમાં તેઓ ઍસોસિયેટ પ્રોડ્યુસર તરીકે કાર્યરત છે. 20 વરસની ઉંમરે લખેલું પહેલું પુસ્તક ‘સ્પેક્ટર્નનો ખજાનો’ ગુજરાતી સાહિત્યમાં હાલ ઓછી રચાતી કિશોર સાહસકથાનું હતું. ત્યારબાદ 2020માં સુરતથી પ્રસિદ્ધ થતા અખબાર ‘ગુજરાત ગાર્ડિયન’માં તેમની વિશ્વની રહસ્યમય સત્યઘટનાઓ કહેતી કૉલમ ‘રહસ્યરંગ’ પ્રકાશિત થઈ અને વખણાઈ. એ જ નામે પુસ્તક પણ પ્રગટ થયું. 2023માં લેખક મયૂર ખાવડુ સાથે મળીને અજય-અમિત કિશોર સાહસકથા શ્રેણીની ‘મિલનું ભૂત’ પુસ્તકથી શરૂઆત કરી, જેને ગુજરાત સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક મળ્યું. અતિવાંચનપ્રિય હોવાથી પોતાની પસંદગીના રચનાપ્રકારો – થ્રિલર, સાહસ, હૉરર અને હાસ્યરસનાં પુસ્તકો જ્યાંથી મળે ત્યાંથી શોધીને, ખરીદીને વાંચે છે અને આ જ રચનાપ્રકારો પર મનોરંજક સર્જન કરવા પ્રયત્નશીલ છે. ગુજરાતી, હિંદી અને અંગ્રેજી ત્રણેય ભાષાઓમાં તેમનું વાંચન વિસ્તરેલું છે.