Jyoti Unadkat
5 Books
સત્યાવીસ વર્ષથી પત્રકારત્વ અને લેખન સાથે સંકળાયેલાં છે. મૂળ માણાવદર ગામ, છેલ્લાં તેર વર્ષથી અમદાવાદ સ્થાયી થયાં છે. કેમેસ્ટ્રી અને માઇક્રોબાયૉલૉજી સાથે ગ્રૅજ્યુએશન અને માસ્ટર ઇન જર્નલિઝમ ઍન્ડ માસ કૉમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો છે. 1996માં રાજકોટથી પત્રકારત્વની કરિયરની શરૂઆત `ચિત્રલેખા' મૅગેઝિન સાપ્તાહિક સાથે શરૂ કરી. સતત ચૌદ વર્ષ સુધી `ચિત્રલેખા'ની રાજકોટ, વડોદરા, સુરત તેમજ અમદાવાદ ઑફિસમાં પત્રકાર અને કટારલેખક તરીકે કામ કર્યું. અભિયાન મૅગેઝિન, સંદેશ ડિજિટલ તથા ગુજરાત ફર્સ્ટ વૅબસાઇટના એડિટર રહી ચૂક્યાં છે. ખબરછે ડોટ કોમ, કોકટેલ ઝિંદગી, કલકત્તા હલચલ માટે ફ્રીલાન્સ રાઇટિંગ કર્યું છે. ચિત્રલેખામાં વાચા નામની કૉલમ લખતાં. એકમેકનાં મન સુધી, તારે મન મારે મન જેવી તેમની કૉલમ પારિવારિક અને સ્ત્રીઓની સંવેદનાને સ્પર્શે તેવી રહી છે. આ કૉલમનાં બે પુસ્તકો વાચા અને તારે મન મારે મન નામથી પ્રસિદ્ધ થઈ ચૂક્યાં છે. કલમનો કૌશિક શીર્ષક સાથે તેમનું સંપાદન પણ પ્રકાશિત થયું છે. ક્રિએટીવ ફિલ્ડના જાણીતી હસ્તીઓનાં જીવનસાથી સાથેની મુલાકાતની તેમની કૉલમ સર્જકનાં સાથીદાર એક અલગ ઓળખ બની છે. ગોધરાકાંડ, અક્ષરધામ આતંકવાદી હુમલો, કચ્છનો ધરતીકંપ.... જેવા અનેક પડકારજનક રિપોર્ટિંગ તેમની ઓળખ છે. ગોધરામાં સાબરમતી ટ્રેન પર હુમલો થયો એ પછીના તેમના ગોધરા વિશેનું રિપોર્ટિંગ તેમની ખાસ ઓળખ બન્યું છે. સૌથી વધુ વખત ગોધરા જઈને તેમણે સચોટ રિપોર્ટિંગ કરીને એક જુદી ઓળખ મેળવી છે. તેઓ ન્યૂઝ ચૅનલ પર પોલિટિકલ ડિબેટમાં નિયમિત આવતાં રહે છે. તેમને નારદ ઍવૉર્ડ અને ઉદ્ગમ ટ્રસ્ટ તરફથી ઍવૉર્ડ એનાયત થયા છે. ગુજરાત મીડિયા ઍવૉર્ડ સંસ્થા તરફથી તેમને સ્પેશિયલ જ્યુરી ઍવૉર્ડ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે એનાયત કરાયો હતો. અમેરિકન કૉન્સ્યુલેટ તરફથી તેમને International Visitors Leadership Program (IVLP) તરફથી અમેરિકાની વિઝિટ માટે નિમંત્રિત કરાયાં હતાં. આખા ભારતમાંથી 2017ની સાલમાં આ પ્રોગ્રામમાં સામેલ થનારાં એ એકમાત્ર મહિલા પત્રકાર હતાં, જેમાં તેમણે અમેરિકાનાં પાંચ સ્ટેટની મુલાકાત લીધી હતી. રિપોર્ટિંગ માટે તેમણે અનેક દેશોનો પ્રવાસ ખેડ્યો છે. મલેશિયા, તાન્ઝાનિયા, ઝામ્બિયા, થાઇલૅન્ડ, હોંગકોંગ, દુબઈ, કેન્યા વગેરે દેશોમાં જઈને તેમણે રિપોર્ટિંગ કર્યું છે. તેમના જીવનસાથી કૃષ્ણકાંત ઉનડકટ ગુજરાતી ભાષાના બહુ જ જાણીતા અને લોકપ્રિય કટારલેખક છે.
Social Links:-