IIM કોલકાતામાં ભણેલા અમીષ ત્રિપાઠી બેન્કની શાનદાર જોબ છોડીને આનંદપ્રાપ્તિ માટે લેખક બન્યા. તેમના પ્રથમ પુસ્તક 'મેલુહાના અમર્ત્ય' (શિવકથન નવલકથાત્રયીનું પ્રથમ પુસ્તક)ની સફળતા પછી તેમણે આર્થિક સેવા ક્ષેત્રની પોતાની ચૌદ વર્ષ જૂની નોકરી છોડીને માત્ર લેખન પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું. તેમને ઇતિહાસ, પુરાણ અને તત્વજ્ઞાનનો શોખ છે અને વિશ્વના તમામ ધર્મોમાં તેમને સૌન્દર્યબોધ અને અર્થપ્રાપ્તિ થાય છે. અમિષનાં પુસ્તકોની 50 લાખથી વધારે નકલો વેચાઈ છે અને તેમના પુસ્તકોનો 19 જેટલી ભાષાઓમાં અનુવાદ પણ થયો છે.