આ ઍન્જીનીયર લોકો કમાલ હોય છે નહીં? કોઈપણ ફિલ્ડમાં જાય ત્યાં કમાલ કરી બતાડે! ગુજરાતી ભાષા પ્રત્યેના લગાવને કારણે એક મિકેનિકલ ઍન્જીનીયર લેખનમાં ઉતર્યો અને વાચકોના પ્રેમભર્યા ઉમળકાનો સાક્ષી પણ બન્યો! તિર્થંક રાણા એટલે કે હું મારી વાત કરું તો મને જીવનમાંથી રોજ કંઈક નવું શીખવા મળે છે. આ શીખેલું-સમજેલું લોકો સુધી પહોંચાડવાનો, એમને એક નવી દિશા તરફ વિચાર કરવા પ્રેરિત કરવાનો પ્રયાસ એટલે પાછલા બે વર્ષથી ફૂલછાબની પંચામૃત પૂર્તિમાં ચાલતી મારી કૉલમ ‘સ્ટ્રીટ લાઈટ’. હું એક મૌલિક લેખક છું અને સીધું સટ લખવું એ મારી શૈલી છે. કોઈપણ વાતને અલંકારીત કરીને લખવું મને ક્યારેય આવડ્યું નથી એનું કારણ કદાચ એ છે કે એવા અલંકારીત લખાણો હું પોતે ક્યારેય વાંચી નથી શક્યો. આંખના પલકારે ભાગતા લેખો, વાર્તાઓ મને અતિશય પ્રિય છે અને એવો જ પ્રયાસ અમે પ્રતિ અઠવાડિયે ‘સ્ટ્રીટ લાઈટ’ કૉલમમાં કરું છું. અહીં એક વાત નોંધાવીશ કે આ કૉલમ મારા એકલાની નથી, હું તો માત્ર લખું છું, એને મઠારવાનું કામ મારી પત્ની પ્રેક્ષા કરે છે. એ શક્તિ જ છે જેને લીધે પાછલા બે વર્ષથી લાગ-લગાટ મારી કૉલમ છપાઈ છે, વંચાઈ છે અને વખણાઈ પણ છે.