Balvant Jani
3 Books / Date of Birth:- 24-08-1951
બ્રિટિશ-ગુજરાતી ડાયસ્પોરા સાહિત્યના એકત્રીકરણ, ચયન, મૂલ્યાંકન અને પ્રકાશન પ્રકલ્પના મુખ્ય સંશોધક-સંપાદક ડૉ. બળવંત જાની (1951) છેલ્લાં તેંત્રીસ વર્ષથી ગુજરાતી ભાષા-સાહિત્ય સંશોધનક્ષેત્રે ક્રિયાશીલ છે.એમના સંશોધન અને વિવેચન વિષયક પચીસ જેટલા ગ્રંથો, સંપાદન અને પુન:સંપાદનના પચીસ જેટલા સંપાદનો, ઉપરાંત મધ્યકાલીન ગુજરાતી, લોકસાહિત્ય, વનવાસીસાહિત્ય, સંતસાહિત્ય, ચારણીસાહિત્ય અને જૈનસાહિત્ય વિષયક વીસ જેટલા પ્રકાશનો પ્રકાશિત થયા છે. તેઓ ગુજરાત રાજ્યના 'લોકગુર્જરી' વાર્ષિકના સંપાદક તરીકે તેમજ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સુખ્યાત જર્નલ 'ફોક્લોરિસ્ટિક્સ'ના સંપાદન મંડળમાં સેવાઓ આપે છે.એમણે તૈયાર કરેલા ભારતીય શિક્ષણ પદ્ધતિ, ઈતિહાસ અને અન્ય પ્રવાહોને સ્પર્શતા ચૌદ જેટલા ગ્રંથોની 'રાષ્ટ્રીય શિક્ષણ સંકલ્પના ગ્રંથશ્રેણી' , 'બૃહદ કાવ્યદોહન'ના ભાગોનું નવેસરથી આધુનિક અભિગમથી પુન:સંપાદન તેમજ ભાલણની સમગ્ર કાવ્યકૃતિઓનું સંપાદન ખૂબ જ વખણાયા છે. પેરિસની સોરોબાન યુનિવર્સિટીમાં મુલાકાતી અધ્યાપક તરીકે તથા વિદેશની વિવિધ યુનિવર્સિટીઓમાં નિમંત્રિત વ્યાખ્યાતારૂપે અનેક પ્રવાસો કર્યા છે.તેજસ્વી અધ્યાપન કારકિર્દી ઉપરાંત તેમણે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ તરીકે, એન. સી. ટી. ઈ. પશ્ચિમ ક્ષેત્રના ચેરમેન તરીકે તથા યુ.જી.સી. અને 'નેક' જેવી સંસ્થાઓના માધ્યમથી શિક્ષણક્ષેત્રે બહુમૂલ્ય પ્રદાન કર્યું છે. ભારતના સુખ્યાત 'ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર'ના ગુજરાતી ભાષા-સમિતિના તેઓ સંયોજક રહી ચૂક્યા છે. વર્તમાનમાં તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગુજરાતી ભાષા-સાહિત્ય ભવનના પ્રાધ્યાપક અને અધ્યક્ષ છે. આર્ટસ ફેકલ્ટીના ડીન છે અને ગુજરાત સરકારની ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટીચર્સ એજ્યુકેશન (IITE)ની ટાસ્કફોર્સ કમિટિના અને CIIL મૈસૂરની ગ્રાંટ કમિટિના પણ સભ્ય છે.