Dr. Kishor Pandya
5 Books
વિજ્ઞાનલેખન અને શિક્ષણ સાથે સંકળાયેલા કિશોર પંડ્યાએ પ્રથમ વર્ગ સાથે B.Sc. અને M.Sc. પાસ કરી 1978માં Ph.D.ની પદવી પ્રાપ્ત કરી હતી. 1974થી 1980 દરમિયાન તેમને સી.એસ.આઇ.આર, ન્યૂ દિલ્હીની જુનિયર અને સિનિયર રિસર્ચ ફેલોશિપ પ્રાપ્ત થઈ હતી. તેમણે દાહોદ અને બીલીમોરા કૉલેજમાં અધ્યાપક તરીકે કામગીરી બજાવી હતી અને 2005થી 2014 સુધી મોડાસાની સાયન્સ કૉલેજમાં પ્રિન્સિપાલ તરીકે પણ સેવા આપી હતી. ડૉ. કિશોર પંડ્યા વિજ્ઞાનના જ્ઞાતા છે અને સંશોધનકાર્ય સાથે તેમના માર્ગદર્શન હેઠળ છ વિદ્યાર્થીઓએ Ph.D. અને એક વિદ્યાર્થીએ M.Phil.ની પદવી પ્રાપ્ત કરેલી છે. તેમના પુસ્તક `વિજ્ઞાનપથ'(1988)ને ગુજરાત સાહિત્ય અકાદમીનું, ‘વિજ્ઞાનરસ’(2012)ને ગુજરાતી સાહિત્ય પરિષદનું સર્વશ્રેષ્ઠ લોકભોગ્ય પુસ્તક માટેનું બી. એન. માંકડ અને ‘વિજ્ઞાનદીપ'(2015)ને સૌરાષ્ટ્ર એજ્યુકેશન ફાઉન્ડેશન દ્વારા, ‘જગદીશચંદ્ર બોઝ' (2020)પુસ્તકને ગુજરાત સાહિત્ય અકાદમી અને `વાઇરસ, કોરોના અને શ્વસનક્રિયા’ (2021) પુસ્તકને સૌરાષ્ટ્ર એજ્યુકેશન ફાઉન્ડેશન દ્વારા વિજ્ઞાનલેખન અંગેના પારિતોષિક પ્રાપ્ત થયેલાં છે. બાળવાર્તા હરીફાઈમાં ચિલ્ડ્રન યુનિવર્સિટી તરફથી ઇનામ તથા અખિલ હિન્દ મહિલા પરિષદ, સુરત તરફથી ‘સ્મિતા પારેખ બાળવાર્તા સ્પર્ધા'(2015)માં તથા પીટીટ લાઇબ્રેરી બીલીમોરા દ્વારા આયોજિત નવલિકા સ્પર્ધામાં ‘મૅચ ફિક્સિંગ’ને પ્રથમ ઇનામ પ્રાપ્ત થયાં છે. આ ઉપરાંત ‘વિજ્ઞાનતીર્થ', ‘વિજ્ઞાનરંગ’ અને ‘ખગોળયાત્રી’ એમનાં વિજ્ઞાનવિષયક પુસ્તકો છે. તો ‘રાસાયણિક શસ્ત્રો શું છે?’(1986) અને ‘શ્વસનક્રિયા અને દમની સારવાર'(2017), `કાર્બન અને તેનાં સ્વરૂપો' (2018) એમણે લખેલી પરિચય પુસ્તિકાઓ છે. ‘કબૂતર હજી જીવે છે’, ‘આભાસી દુનિયા’, ‘આઠ કૂંડાળાંનું ઘર’ નવલિકાસંગ્રહ આપનાર ડૉ. કિશોર પંડ્યા વિજ્ઞાન અને વાસ્તવ પર આધારિત કથાઓ લખવા માટે જાણીતા છે. ‘રેતમાનવ’, ‘લાલની રાણી’, `ઇન્સ્પેક્ટર અર્જુનસિંહ', ‘ચાલો સૂર્યમંડળની સફરે’, ‘શ્રેષ્ઠ વિદેશી કિશોરકથાઓ’(સંક્ષિપ્ત), ‘નીરજાની વારતા' એમણે કિશોર વયના વાચકો માટે વિજ્ઞાન અને સાહસનો સમન્વય કરીને લખેલી સુરમ્ય કથાઓ છે. તેમણે અંગ્રેજી અને હિન્દી ભાષામાંથી ગુજરાતી ભાષામાં કિશોરકથાઓ, નવલિકા, વિજ્ઞાનકથાઓ તથા કવિતાના અનુવાદ કર્યા છે.