
Narendrasinh Rana
1 Book
નાનપણથી જ વાંચનનું ઘેલું લાગતા, નરેન્દ્રસિંહ રાણા અઠંગ વાચક થઈ ગયેલા. જેમ ઉંમર વધી તેમ વાંચન દ્વારા ગ્રહણ થતી વાતો, વિચારોમાં પરિવર્તન પામીને લેખન તરફ દોરી ગઈ. આમ તો વિજ્ઞાનમાં અનુસ્નાતક અને વ્યવસાય પણ પાછો લૅબોરેટરીનો એટલે સાહિત્ય સાથે બાર ગાઉનું છેટું. તેમ છતાં કલમ સક્રિય રહી. વાર્તાઓ લખાઈ. એમની વિવિધ વાર્તાઓ – સ્મિતા પારેખ વાર્તા સ્પર્ધા, મમતા વાર્તા સ્પર્ધા, જયંત ખત્રી વાર્તા સ્પર્ધા – જેવી સ્પર્ધાઓમાં પોંખાઈ પણ ખરી. ‘મમતા’, ‘એતદ્’, ‘પરબ’, ‘નવચેતન’ અને ‘વારેવા’ જેવાં સાહિત્યિક સામયિકોમાં વાર્તાઓ પ્રકાશિત થતી રહી. ક્યારેક વળી ‘જનકલ્યાણ’, ‘અભિયાન’ અને ‘ચિત્રલેખા’ જેવાં લોકપ્રિય સામયિકોમાં પણ એમની વાર્તાઓ નજરે ચડતી. વાર્તાઓ સિવાય બે નવલકથા પણ લખી. ધીરે ધીમે લેખનનું ક્ષિતિજ વિસ્તરતું ચાલ્યું અને નિબંધ, હાસ્યવાર્તાઓ અને હાસ્યલેખ સુધી વિસ્તર્યું.
બીજી ભાષાઓના સાહિત્યવાંચનના કારણે અનુવાદ તરફ પણ ઢળ્યા અને ઘણા અનુવાદ પણ કર્યા. ફિલ્મો જોવાના શોખના કારણે પટકથાલેખન પણ થયું. જેના પરથી YouTube જેવા માધ્યમ પર એક નાનકડી સિરીઝ પણ બની.
શબ્દો સાથેના ગાઢ થતા જતા સંબંધના કારણે સાહિત્યના અલગ અલગ આયામોનું ખેડાણ હજુ પણ ચાલુ જ છે. ‘વારેવા’ સામયિકમાં સહસંપાદકની જવાબદારી પણ સ્વીકારી છે. શબ્દના સથવારે થતી યાત્રા હજુ શરૂ જ થઈ છે.











