Nimitt Oza (Dr.)
12 Books / Date of Birth:- 03-10-1981
ડૉ. નિમિત્ત ઓઝા એક એવી ‘સ્પ્લીટ પર્સનાલિટી’ છે, જેમનાં બંને પાસાંઓ સમાજ માટે આશીર્વાદરૂપ છે. ઑપરેશન થિયેટરની અંદર બેરહેમીથી સર્જીકલ નાઇફ ચલાવતા એક સંવેદનહીન સર્જન અને થિયેટરની બહાર એક આકર્ષક ભાવવિશ્વનું સર્જન કરતા એક અતિસંવેદનશીલ સર્જક. તેમના જ શબ્દોમાં કહીએ તો તેમનાં આ બે અલગ અલગ સ્વરૂપોને, તેઓ ‘બનવા’ અને ‘હોવા’ વચ્ચેનો તફાવત કહે છે. યુરોલૉજીસ્ટ તેઓ બન્યા, જ્યારે લેખક તેઓ હતા. મેડિકલ સાયન્સની ઔપચારિક શિક્ષા અને તાલીમ લઈને એક સુપર-સ્પેશિયાલિસ્ટ સર્જન ‘બનવામાં’ તેમણે જીવનનાં અમૂલ્ય વર્ષો ખર્ચી નાંખ્યાં, પણ એ દરમિયાન તેમણે જાતની અંદર રહેલા સર્જકને હંમેશાં જીવતો રાખ્યો. યુરોલૉજીસ્ટની ચામડી નીચે સુષુપ્ત અવસ્થામાં સૂતેલો એક સંભવિત સાહિત્યકાર ત્યારે બેઠો થયો, જ્યારે તેમના અંગત જીવનમાં એક ભયંકર તોફાન આવ્યું. કઈ દુર્ઘટનાને કારણે તેઓ ‘લેખન-પ્રવૃત્તિ તરફ વળ્યા?’ એનો જવાબ ‘છાપવા’ને બદલે, તેઓ રૂબરૂમાં ‘આપવા’નું પસંદ કરે છે. કારણ જે પણ હોય, એમના દ્વારા થયેલું શબ્દકર્મ આજે અનેકને પ્રેરણા, શાતા, નિરાંત અને હિંમત આપે છે, એ વાત નિર્વિવાદ છે. એમની લોકપ્રિયતાનું મુખ્ય કારણ જ એમની ‘રીલેટેબલ’ અભિવ્યક્તિ અને સરળ ભાષા છે. તેમના દ્વારા લખાયેલા દરેક પુસ્તક, દરેક લેખ કે દરેક શબ્દ સાથે આજની યુવાપેઢી ‘કનેક્ટ’ થઈ શકે છે. તેમનાં પુસ્તકો ફક્ત આપણા જ્ઞાનમાં જ નહીં, આપણી પ્રજ્ઞામાં પણ ઉમેરો કરે છે. એ ફેસબુક પર હોય કે દિવ્ય-ભાસ્કરની કૉલમમાં, એમના લખાણમાંથી લટાર માર્યા બાદ ભાગ્યે જ કોઈ વાચક ખાલી હાથે પાછો ફરે છે. એમની પાસે લાગણીઓનો અખૂટ ખજાનો, આલંકારિક ભાષા અને જગતને જોવાની એક નવી દૃષ્ટિ છે. એમની યુનિક રાઇટિંગ સ્ટાઇલ વાચકોને આકર્ષે છે. એમની વાઇરલ થયેલી અનેક સોશિયલ મીડિયા પોસ્ટ્સ ઉપરાંત અત્યંત લોકચાહના પામેલી એમની બે નવલકથાઓ ‘ક્રોમોઝોમ XY’ અને ‘પપ્પાની ગર્લફ્રૅન્ડ છે, જે બંને પુસ્તકોની કથા અને વિષયવસ્તુ મેઇન-સ્ટ્રીમથી તદ્દન અલગ, અનન્ય અને અજોડ છે. કુમાર આર્ટ્સ ફાઉન્ડેશન દ્વારા સાહિત્ય માટે એનાયત થતો, નવલકથા માટેનો દર્શક ઍવૉર્ડ તેમની પહેલી નવલકથા ‘ક્રોમોઝોમ XY’ને પ્રાપ્ત થયો છે. હાલ, તેઓ દિવ્ય-ભાસ્કર જેવા પ્રતિષ્ઠિત અખબારની કળશ પૂર્તિમાં ‘અજવાળાનો ઑટોગ્રાફ’ અને ‘રસરંગ’ પૂર્તિમાં ‘મનનો મોનોલોગ’ નામની અઠવાડિક કૉલમ લખે છે.
Social Links:-

Showing all 12 results