Raman Soni
7 Books / Date of Birth:- 07-07-1946
રમણ કાન્તિલાલ સોની વિવેચક, સંપાદક અને લેખક છે. તેમનો જન્મ ઈડર તાલુકાના ચિત્રોડા ગામમાં થયો હતો. 1967માં અમદાવાદની એલ. ડી. આર્ટ્સ કૉલેજમાંથી બી.એ. 1969માં એમ.એ. 1970-71માં પેટલાદની આર્ટ્સ ઍન્ડ સાયન્સ કૉલેજમાં અધ્યાપક. 1971થી ઈડરની આર્ટ્સ-કૉમર્સ કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક અને વિભાગીય અધ્યક્ષ. 1980-84 દરમિયાન ગુજરાતી સાહિત્ય પરિષદના સાહિત્યકોશ વિભાગમાં સંપાદકની કામગીરી. ‘કવિતાનું શિક્ષણ’ કવિતાનાં આંતરબાહ્ય તત્વો વિશે સમજ આપતું પુસ્તક છે. પુસ્તિકા ‘ખબરદાર’ (1981)માં ખબરદાર વિશેનો સંક્ષિપ્ત પણ સમગ્રદર્શી અભ્યાસ તેમ જ તેમની કવિતા વિશે ફેરતપાસ કરતું સ્વતંત્ર મૂલ્યાંકન છે. મહાનિબંધ ‘ઉશનસ્-સર્જક અને વિવેચક’માં એક અભ્યાસી વિવેચક તરીકેની એમની સંનિષ્ઠ અભ્યાસશીલતા અને સૂક્ષ્મ સંવેદનપટુતાનો પરિચય મળે છે. આ ઉપરાંત ‘ગુજરાતી વ્યાકરણવિચાર’ પુસ્તક પણ પ્રગટ કર્યું છે. એમનાં સંપાદનોમાં સ્વ. ભૂપેશ અધ્વર્યુની વાર્તાઓનું ‘હનુમાન લવકુશ મિલન’ નામે સંપાદન તેમ જ ‘ગુજરાતીનો અધ્યાપક સંઘ’નાં વાર્ષિકો ‘અધીત’ -7 અને ‘અધીત’ -8નાં અન્ય સાથેનાં સંપાદનો મુખ્ય છે.