Kishor Vyas
7 Books
લેખક કિશોર વ્યાસનો જન્મ 1952માં કચ્છના સુમરી રોહા જેવા નાનકડા ગામમાં થયો હતો. હા, એ, એ જ રોહા, કે, કવિ કલાપી જ્યાંના જમાઈ હતા. કચ્છ રાજ્ય પછીની કચ્છની સૌથી મોટી જાગીરનું રોહા એ મુખ્ય મથક હતું અને લેખકના પરદાદા એ મોટી જાગીરના કારભારી હતા. કુંવરી રમાબા સાથે તેમના અંગત કારભારી તરીકે લાઠી ગયેલા કારભારી જીવરામ વ્યાસને, તેમની સેવાઓથી ખુશ થઈને રોહામાં કલાપીએ એક દરબારી પ્રતિભા પાથરતું એક વિશાળ ઘર બંધાવી આપ્યું હતું અને એ ઘરમાં લેખક કિશોર વ્યાસનો જન્મ થયો છે. પિતાજી શિક્ષક હતા અને શિક્ષક તરીકે જ નિવૃત્ત થયા હતા. તેમની વારંવાર બદલીઓ થયા કરતી અને લેખકને કચ્છનાં ગામેગામનાં લોકોનાં જીવનની ઓળખ થતી રહેતી. નાનપણથી જ અભ્યાસુ વૃત્તિ અને ઉત્સુકતા ધરાવતા લેખકે માધ્યમિક શાળાના અભ્યાસ દરમિયાન લેખનકાર્ય શરૂ કરી દીધું હતું. શાળાના વાર્ષિક અંક અને ભીંતપત્ર પર તેમની વાર્તાઓ અને કવિતાઓ સમાવિષ્ટ થતી હતી. કૉલેજમાં પ્રવેશ પછી લેખનપ્રવૃત્તિએ વેગ પકડ્યો હતો અને કૉલેજમાં યોજાતી નવલિકા સ્પર્ધાઓ અને પાદપૂર્તિ સ્પર્ધાઓમાં તેમની નવલિકાઓ અને કાવ્ય-ગઝલો પ્રથમ ક્રમે સ્થાન લેતાં હતાં, જેના માટે ગુજરાત યુનિવર્સિટીના તત્કાલીન ઉપકુલપતિ અને મૂર્ધન્ય સાહિત્યકાર ઉમાશંકર જોશીના હસ્તે ‘મેડલ’ પણ મળ્યો હતો. કચ્છના રહેઠાણ દરમિયાન આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી નિયમિત રીતે તેમની ટૂંકી વાર્તાઓ પ્રસારિત થતી રહેતી. મુંબઈ સ્થાયી થયા પછી, આકાશવાણીનાં અને દૂરદર્શનનાં મુંબઈ કેન્દ્રો પર તેમનાં વાર્તાઓ-કવિતાઓ સહિત વિવિધ સાહિત્યનું અને વાર્તાલાપોનું પ્રસારણ થતું રહેતું. ગુજરાતી પત્રકાર તરીકેની કારકિર્દી પસંદ કરનારા લેખક કિશોર વ્યાસે એ ક્ષેત્રમાં પણ તેમની અલગ ઓળખ ઊભી કરી અને વિવિધ વિષયો પર કૉલમો પ્રસિદ્ધ થતી રહી હતી. તેમણે મુંબઈમાં મુશાયરાઓનું પણ સંચાલન કર્યું છે. તેમનું પહેલું પુસ્તક ‘કચ્છનામા’ 1996માં પ્રકાશિત થયું અને ત્યાર પછી 2014માં તેમનો વાર્તાસંગ્રહ ‘તર્પણ’ લોકાર્પિત થયો છે. 2015માં તેમની પ્રથમ નવલકથા ‘યાદી ઝરે છે આપની’ જે કવિ કલાપીના જન્મથી મૃત્યુ સુધીને આવરી લેતી ઘટનાઓ સાથે લખાયેલી નવલકથા છે તે પ્રકાશિત થઈ. 2016માં બીજી નવલકથા ‘સુરસિંહ તમારી શોભના’ સહિત એકસાથે સાત પુસ્તકોનો સંપુટ બહાર પડ્યો. શોભનાના (મોંઘી) જન્મથી માંડી મૃત્યુ સુધીની હૃદયદ્રાવક ઘટનાઓને વણી લીધેલી નવલકથા એટલે ‘સુરસિંહ તમારી શોભના’. કચ્છ શક્તિથી માંડી વિવિધ ઍવૉર્ડ્સ મેળવનારા લેખક કિશોર વ્યાસને તાજેતરમાં ગુજરાતનો પ્રતિષ્ઠિત ‘ડૉ. જયંત ખત્રી સાહિત્ય ઍવૉર્ડ’ પણ મળ્યો છે. લેખક સરળ અને સર્જનાત્મક અભિગમ અપનાવીને વધુમાં વધુ લોકો સુધી પોતાનું સાહિત્ય પહોંચે તે માટે સક્રિય છે. તેથી જ એકસાથે ચાર નવલકથાઓ સહિત અગિયાર પુસ્તકોનો સંપુટ ગુજરાતી સાહિત્યના ચરણે ધરી રહ્યા છે.

Showing all 7 results