Sitanshu Yashaschandra
9 Books / Date of Birth:- 18-08-1991
સિતાંશુ યશશ્ચન્દ્ર મહેતા ગુજરાતી કવિ, નાટ્યલેખક, અનુવાદક અને શિક્ષણશાસ્ત્રી છે. તેમનાં કાવ્ય સંગ્રહ ‘જટાયુ’ માટે તેમને 1987નો ‘સાહિત્ય અકાદમી પુરસ્કાર (દિલ્હી) પ્રાપ્ત થયો હતો. 2006માં તેમને ભારત સરકાર તરફથી ભારતનો ચોથો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ‘પદ્મશ્રી’ એનાયત કરવામાં આવ્યો હતો. 1972થી તેમણે મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય ખાતે ગુજરાતીનું અધ્યાપન શરૂ કર્યું હતું. તેઓ સારબોન યુનિવર્સિટી, લોયોલા મેરમાઉન્ટ યુનિવર્સિટી અને જાદવપુર યુનિવર્સિટીમાં મુલાકાતી અધ્યાપક હતા. યુનિવર્સિટી ગ્રાંટ કમિશનમાં તેઓ નિવૃત્ત અધ્યાપક અને રાષ્ટ્રીય વ્યાખ્યાતા રહી ચૂકેલા છે. સાહિત્ય અકાદમી દ્વારા પ્રસિદ્ધ ભારતીય સાહિત્યના વિશ્વકોશના તેઓ પ્રમુખ સંપાદક હતા. તેમને તુલનાત્મક સાહિત્યના વિષયમાં સંશોધન માટે ફૂલબ્રાઇટ શિષ્યવૃત્તિ અને ફોર્ડ વેસ્ટ યુરોપિયન ફેલોશીપ મળેલી. આ જ વિષયમાં તેમણે અમેરિકાની ઇન્ડયાના યુનિવર્સિટી અને મુંબઈ યુનિવર્સિટી ખાતે કાર્ય કરેલું. સૌરાષ્ટ યુનિવર્સિટીમાં તેઓ ઉપ-કુલપતિ રહેલા. તેમણે મુખ્યત્વે ગુજરાતીમાં લખ્યું છે, પરંતુ તેમનાં પુસ્તકો હિંદી અને અન્ય ભાષાઓમાં અનુવાદિત થયેલા છે. તેમણે કેટલીક કવિતાઓ, નાટકો અને વિવેચનને અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદિત કરેલા છે. ‘પરાવાસ્તવવાદ’ અને ‘અતિવાસ્તવવાદ’ તેમની મુખ્ય શૈલી ગણાય છે. તેમણે 1993ની હિંદી ફિલ્મ ‘માયા મેમસાબ’ની અભિનયવાર્તા લખી હતી જે ગુસ્તાવ ફ્લોબર્ટની મેડમ બોવરી પર આધારિત હતી. 1987માં તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક, 1997માં તેમના પુસ્તક ‘કહો મકનજી ક્યાં ચાલ્યા’ માટે ‘નર્મદ સુવર્ણચંદ્રક, રાષ્ટ્રીય કબીર સન્માન, ઇન્ડિયન નેશન થિએટર ગુજરાત સમાચાર પુરસ્કાર, ગુજરાત રાજ્ય સરકાર કવિતા પુરસ્કાર અને 2017માં ‘વખાર’ કાવ્યસંગ્રહ માટે કે. કે. બિરલા ફાઉન્ડેશન દ્વારા ‘સરસ્વતી સન્માન’ જેવા પુરસ્કારો પ્રાપ્ત થયા છે.