ગુજરાતી ભાષાના ધ મોસ્ટ પ્રોલિફિક રાઇટર સૌરભ શાહે ‘મુંબઈ સમાચાર'ની ડેઇલી કૉલમ ‘ગુડ મોર્નિંગ’થી અને ‘સંદેશ’ની બે સાપ્તાહિક કૉલમો ‘તડકભડક’ અને ‘લાઉડમાઉથ’થી લાખો ગુજરાતી વાચકોને પોતાની કલમના એડિક્ટ બનાવી દીધા છે.
પોતે કૉલેજ ડ્રોપઆઉટ છે. પહેલાં કૉમર્સ કૉલેજમાં અને પછી આર્ટ્સ કૉલેજમાં અધૂરુંઅધુરું ભણ્યા હોવાથી પોતાને ડબલ અન્ડરગ્રેજ્યુએટ કહેવડાવે છે. અઢાર વર્ષની ઉંમરે ગુજરાતી સાહિત્ય અને પત્રકારત્વમાં ઍક્ટિવ થઈ ગયા. પચ્ચીસ વર્ષની ઉંમરે પહેલી નવલકથા ‘વેરવૈભવ’ હરકિસન મહેતાના હાથ નીચે ‘ચિત્રલેખા’માં લખી. એમની પુરસ્કૃત નવલકથા ‘મહારાજ’ એ વાચકો-સર્જકો-વિવેચકોને હલાવી નાખ્યા છે.
સૌરભ શાહની ભાષા ગુજરાતી પત્રકારત્વ-સાહિત્યમાં ઘુસી ગયેલા છિછરાપણાથી તેમજ બનાવટી ધીરગંભીરપણાથી ખૂબ દૂર એવી લાઇટ અને લાઇવલી છે. ક્યારેક શૉર્ટ અને સ્વીટ પોએટિક ટ્રીટમેન્ટ તો ક્યારેક તેજાબમાં બોળીને લખાતી, વિચારોની સ્પષ્ટતા તથા દૂરંદેશીપણું પ્રગટ કરતી અભિવ્યક્તિ તથા ક્યારેક શાર્પ સેન્સ ઑફ હ્યુમર સૌરભ શાહની કલમની આઇડેન્ટિટી છે. લખવા ઉપરાંત તેઓ પોતાના ઘરમાં થતી જાતે બનાવેલી પાણીપુરી-ભેળપુરી-સેવપુરીની પાર્ટીઓ માટે પણ ફૅમસ છે. ખાવાનું બનાવવું અને જમાડવું એમની પૅશન છે.
અનુવાદો સૌરભ શાહ પોતાની મોજ અને પોતાના શોખ માટે કરે છે. એમણે મારિયો પૂઝોની લેજેન્ડરી નવલકથા ‘ગૉડફાધર'નું ઑફિશ્યલ ટ્રાન્સલેશન કર્યું છે. નરેન્દ્ર મોદી, આર. ડી. બર્મન અને ઍન્ટિક્વિટીના ચાર કડક પેગના જબરા શોખીન સૌરભ શાહ મુંબઈ પોતાની ગર્લફ્રૅન્ડ જોડે લિવ ઇન રિલેશનશીપમાં રહે છે.