ડૉ. અનિલ ગાંધીનો જન્મ માઢા (સોલાપુર)માં થયો. એમણે 1963માં એમ.બી.બી.એસ. કર્યા પછી પાંચ વર્ષ ફૅમિલી ફિઝિશિયન તરીકે પૂનામાં પ્રૅક્ટિસ કરી. આ એમના જીવનનો સુવર્ણકાળ ગણાય. 1971માં એમણે પૂનાના બી. જે. મેડિકલ કૉલેજ અને સસૂન હૉસ્પિટલમાંથી એમ.એસ. કર્યું.
આ જ સમય દરમિયાન તેઓ પૂના જિલ્લાના ગ્રામીણ દર્દીઓ પર ઉપચાર કરવા, એમને દવાથી માંડી ઑપરેશન સુધીની સુવિધા ઉપલબ્ધ કરાવી આપવા વીસ વર્ષો સુધી અનેક ગામડાંઓમાં ગયા. 1970માં ગાંધી હૉસ્પિટલ ચાલુ થઈ ત્યારથી આજ સુધી એમણે હજારો ઑપરેશન્સ કર્યાં અને એક `કુશળ સર્જન' તરીકેની ઓળખ પ્રસ્થાપિત કરી.
1974માં એમણે સેન્ટ માક્ષાસ હૉસ્પિટલ, લંડનથી કૉલોરેકટલ સર્જરીમાં સ્પેશલાઇઝેશન કર્યું. ત્યાર પછી 1984 સુધી અનેક દેશોમાં પોતાના શોધનિબંધો રજૂ કર્યા.
તેઓ બી. જે. મેડિકલ કૉલેજ, ટિળક આયુર્વેદ મહાવિદ્યાલય, ભારતી વિદ્યાપીઠ અને ધોંડુમામા સાઠે હોમિયોપથી કૉલેજ ખાતે માનદ્ પ્રાધ્યાપક તરીકે પણ કાર્યરત હતા.
સાથે સાથે સામાજિક કાર્ય કરવાની તીવ્ર ઇચ્છા ધરાવતા હોઈ એમણે લોનાવાલા નજીક પાંગળોલી નામે આદિવાસી વિસ્તારમાં આરોગ્ય, શિક્ષણ અને વિકાસકાર્ય શરૂ કર્યું. પૂર્વ સીમા વિકાસ પ્રતિષ્ઠાનના `રાષ્ટ્રીય એકાત્મતા અભિયાન'માં પણ તેમણે ઊંડો રસ લઈ ખૂબ મોટો સહયોગ આપ્યો.
માણસે સ્વાવલંબી, સ્વયંપૂર્ણ અને ખાસ કરીને પ્રામાણિકતાથી નૈતિક મૂલ્યોને જીવનમાં સ્થાન આપીને, સુખી જીવન કેવી રીતે જીવવું એ આ ડૉક્ટરની આત્મકથામાંથી જાણવા મળે છે. જુવાન પેઢી માટે માર્ગદર્શક એવી, સુંદર આદર્શ નિર્માણ કરનારી, એક કુશળ સર્જનની આ એક પ્રામાણિક આત્મકથા છે.