સંધ્યા ભટ્ટ 1987થી અંગ્રેજી સાહિત્યનું અધ્યાપન કરે છે. એમ.ટી.બી. આર્ટ્સ કૉલેજ, સુરત તથા અંગ્રેજી વિભાગ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ. સુરતમાં ભણેલા લેખિકા બારડોલીની પી.આર.બી. આર્ટ્સ ઍન્ડ પી.જી.આર. કૉમર્સ કૉલેજમાં કાર્યરત છે. 2006માં ‘સ્પર્શ આકાશનો’, 2017માં ‘શૂન્યમાં આકાર’ અને 2020માં ‘સમય તો થયો’ (સૉનેટસંગ્રહ) એમ ત્રણ કાવ્યસંગ્રહો પ્રકાશિત થયા છે. ‘નિષ્કર્ષ’, ‘વિવિધા’ અને ‘આસ્વાદન’ શીર્ષકથી આસ્વાદલેખોનાં પુસ્તકો પ્રગટ થયાં છે. તેમના સ્વર્ગસ્થ પુત્રના જીવનની કથા ‘હું હતો ત્યારે’ શીર્ષકથી લખી છે જેને ગુજરાતી સાહિત્ય અકાદમીનું 2019નું પારિતોષિક તેમ જ કુમાર આર્ટ્સ ફાઉન્ડેશનનું કિશનસિંહ ચાવડા પારિતોષિક મળ્યાં છે. ગુજરાતી સાહિત્ય પરિષદ અને એની સરૈયા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમમાં યોજાયેલી નિબંધ સ્પર્ધામાં તથા ગની દહીંવાલા ગઝલસ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે વિજેતા બનેલા.
મોહન પરમારની વાર્તા અને કેફિયતના અંગ્રેજીમાં અનુવાદ કર્યા છે જે અંગ્રેજી સામયિક અને સંપાદનમાં પ્રકાશિત થયાં છે. જયભિખ્ખુ પર અંગ્રેજીમાં લખેલ મોનોગ્રાફ દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશાધીન છે અને તેની ગુજરાતી આવૃત્તિ જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટ,અમદાવાદે પ્રકાશિત કરી છે. તેમની એક ગઝલ ‘શબ્દ પેલે પારને તું જોઈ લે’ને પાર્શ્વગાયિકા સાધના સરગમે સ્વર આપ્યો છે, જેનું સ્વરાંકન પંડિત પરેશ નાયકે કર્યું છે.