Medha Pandya Bhatt
1 Book
ઓગણીસ વર્ષથી પત્રકારત્વ સાથે જોડાયેલા મેધા પંડ્યા ભટ્ટ એક પત્રકાર તરીકે તો ખરાં જ પણ સાથે સાથે લેખિકા તરીકે પણ નામના મેળવી રહ્યાં છે. સાથે જ ગુજરાતમાં તેમણે બોલ્ડ કન્ટેન્ટ રાઇટર તરીકેની પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. પત્રકાર તરીકે પોતાના કરિયરની શરૂઆત 2004થી કરી હતી. વલસાડની જે.પી. શ્રોફ આર્ટ્સ કૉલેજમાં બેચલર ડિગ્રી મેળવ્યા બાદ સુરતની વીર નર્મદ યુનિવર્સિટીમાંથી જર્નલિઝમની ડિગ્રી મેળવી. કૅમ્પસ ઇન્ટરવ્યૂમાં જ ગુજરાતના જાણીતા અખબાર ‘દિવ્ય ભાસ્કર’માં રિપોર્ટર તરીકે પસંદગી પામ્યાં. 2004થી 2007 સુધી સુરતના નવસારી જિલ્લામાં ફરજ બજાવી. તે દરમિયાન તેમણે અનેક ઇન્વેસ્ટિગેશન સ્ટોરીઝ કરી હતી, જે આજે પણ ફક્ત તેમનાં નામે જ બોલે છે. લગ્ન બાદ અમદાવાદ ટ્રાન્સફર લઈને 2007થી લઈને 2011 સુધીમાં ‘દિવ્ય ભાસ્કર’ અમદાવાદમાં મેઇન એડિશનમાં, ‘સિટી ભાસ્કર’માં અને મૅગેઝિન વિભાગમાં વિવિધ મૅગેઝિનમાં સબ એડિટર તરીકે કાર્યભાર સંભાળ્યો. 2011-12માં દિલ્હી પ્રેસમાં જોડાયાં અને તેના અનેક મૅગેઝિન જેવાં કે ‘ગૃહશોભા’ ગુજરાતી અને હિન્દી, ‘સરસ સલિલ’ ગુજરાતી અને હિન્દી તેમજ અન્યમાં પોતાની ઇન્વેસ્ટિગેશન અને ઇન્ટરવ્યૂની સ્ટોરીઝ કરીને નેશનલ લેવલે એક જ મૅગેઝિનમાં એકસાથે ત્રણ વાર નામ (બાયલાઇન) સાથેની સ્ટોરીઝ છપાયાનો ઇતિહાસ રચ્યો હતો. 2012માં કેટલાંક સામાજિક કારણસર તેમણે નોકરી છોડવાનો નિર્ણય કર્યો પણ જેનો જીવ પત્રકારિતાનો હોય તે તેના વ્યવસાયથી દૂર ક્યારેય જઈ ન શકે. મિત્રો સાથેની વાતચીત અને લેખનની આગવી શૈલીનાં કારણે તેમને તરત જ સૌરાષ્ટ્રના લોકપ્રિય સમાચારપત્ર ‘ફૂલછાબ’માં એકસાથે બે કૉલમ શરૂ કરવાની પરવાનગી મળી. સાથે જ સુરતના ‘ગુજરાત ગાર્ડિયન’માં એકસાથે ત્રણ કૉલમ શરૂ કરવાની પરવાનગી મળી. જેમાં તેમની ઉત્તરોત્તર પ્રગતિ થતી ગઈ. આજે પોતાની ફ્રીલાન્સની કરિયરમાં તેઓ છેલ્લાં દસ વર્ષથી બંને ન્યૂઝપેપર સાથે પોતાની કૉલમ દ્વારા સંકળાયેલાં છે. 2012માં ફ્રીલાન્સ તરીકે કાર્ય કરવાની શરૂઆત કર્યા બાદ તેમણે ફિલ્મી પત્રકાર તરીકે પોતાની કલમ કસી અને આ ક્ષેત્રમાં પોતાની ઓળખ ઊભી કરી. પોતાની દસ વર્ષની ફ્રીલાન્સ પત્રકારની મુસાફરીમાં 2500થી પણ વધારે હિન્દી ફિલ્મો, ટીવી, થિયેટરના કલાકારો, સાઉથની ફિલ્મોના કલાકારો અને ગુજરાતી ફિલ્મો, ટીવી અને થિયેટરના કલાકારોને તેઓ વ્યક્તિગત મળ્યા છે અને તેમના ઇન્ટરવ્યૂ કર્યા છે, જે અનેક પ્રિન્ટમીડિયામાં છપાયા છે. તેમણે દસ વર્ષના ફ્રીલાન્સ પત્રકારત્વની સફરમાં ગુજરાતના અનેક ન્યૂઝપેપર અને મૅગેઝિનમાં જુદા જુદા વિષયોની કૉલમ લખી. તેમની એક સમયે મહિનામાં 30 કૉલમ આવતી તેવી ઘટના પણ બની છે. આ સખત અને સફળ મહેનતનાં કારણે દસ વર્ષની સફર દરમિયાન તેમણે 50થી પણ વધારે રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરના ઍવૉર્ડ્સ મેળવ્યા છે, જેની સફર આજે પણ ચાલી જ રહી છે. ગુજરાતમાં તેઓ એકમાત્ર એવા પત્રકાર છે, જે ફ્રીલાન્સ પત્રકાર તરીકે સફળ થયા છે અને તેમની વિવિધ વિષયો પર કૉલમો પ્રકાશિત થઈ છે અને આજે પણ થઈ રહી છે. તેમની ‘ફૂલછાબ’માં આવતી કૉલમ ‘સંબંધ’ પરથી ‘સરવાળે સંબંધ’ નામનું પુસ્તક 2018માં પ્રકાશિત થયું અને તેને વાચકોએ ખૂબ પસંદ કર્યું, જેને પણ સારી સફળતા મળી. ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી તેને શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિકનો 2018નો ઍવૉર્ડ મળ્યો છે. હાલમાં ગુજરાતના જાણીતા અખબાર ‘દિવ્ય ભાસ્કર’ના મૅગેઝિન ‘મધુરિમા’માં ‘સેક્સ સેન્સ’ નામની પોતાના બોલ્ડ કન્ટેન્ટની કૉલમને લઈને તેઓ લોકપ્રિય છે. ગુજરાતમાં એકમાત્ર બોલ્ડ કન્ટેન્ટ ફિમેલ રાઇટર તરીકે તેઓ ઓળખાઈ રહ્યાં છે. મેધા હંમેશાં કંઈક નવા વિષયની સાથે વાચકો સાથે જોડાઈ રહેવાનું પસંદ કરે છે. તેઓ આવનારા સમયમાં પોતાની લેખનશૈલીમાં નવા વિચારો અને કાર્યશૈલીમાં નવીનતા લાવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.

Showing the single result