Mukesh Joshi (Dr.)
1 Book
ડૉ. મુકેશ ભૂપતરાય જોષી વ્યવસાયે સિવિલ ઍન્જિનિયર હોવા છતાં માતૃભાષામાં વાંચન અને લેખનનો ઊંડો રસ ધરાવે છે. તેઓએ જળ વ્યવસ્થાપન ક્ષેત્રે દેશની અગ્રગણ્ય શૈક્ષણિક સંસ્થા ‘ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૅક્નૉલૉજી’, મુંબઈ ખાતેથી પીએચ.ડી. પદવી પ્રાપ્ત કરેલ છે અને જુદા જુદા તાંત્રિક વિષયો ઉપર તેમના 80થી વધુ સંશોધન પત્રો રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રકાશિત થયા છે. જળવ્યવસ્થાપન ક્ષેત્રે તેમના નોંધપાત્ર પ્રદાનને ધ્યાને લઈ સેન્ટ્રલ બૉર્ડ ઑફ ઇરિગેશન ઍન્ડ પાવર દ્વારા તેમને વર્ષ 2000માં ‘યંગ ઍન્જિનિયર ઍવૉર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યા હતા. રાજ્ય સરકારની સેવામાં ઇજનેરી સંવર્ગમાં ડૉ. જોષી છેલ્લા 30 કરતાં વધુ વર્ષોથી કાર્યરત છે અને હાલમાં સરદાર સરોવર નર્મદા નિગમ, ગાંધીનગરમાં જનરલ મૅનેજર (ટૅક્નિકલ ઍન્ડ કો.ઓર્ડિનેશન) તરીકે ફરજ બજાવી રહ્યા છે. વધુમાં, તેઓ દેશની વિવિધ અગ્રણી શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. બાળપણથી ગુજરાતી સાહિત્ય અને તેમાંય ખાસ કરીને ગઝલ ક્ષેત્રે ઊંડો રસ ધરાવતા ડૉ. મુકેશ જોષીની રચનાઓ સમયાંતરે વિવિધ પ્રિન્ટ તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયામાં પ્રકાશિત થયેલ છે, જેને વાચકોએ ભાવુક બનીને ઉમળકાભેર આવકારી છે. ગુજરાતી સાહિત્યના ભાવકોને સાંકળતા વોટ્સએપ ગ્રુપ ‘ગમે - તે - ગઝલ’ના તેઓ એડમિનિસ્ટ્રેટર છે. વર્ષ 1970થી ગાંધીનગરમાં સ્થાયી થયેલ ડૉ. મુકેશ જોષી શહેરની વિવિધ શૈક્ષણિક, સાહિત્યિક તેમજ સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા રહ્યા છે. ઈશ્વર ઉપર અપાર શ્રદ્ધા ધરાવતા ડૉ. જોષી તેમના મિલનસાર સ્વભાવને કારણે જીવનને ખૂબ જ બારીકાઈથી માણી શક્યા છે, જે તેમની રચનાઓમાં પ્રતિબિંબિત થાય છે.

Showing the single result