કાજલ ઓઝા વૈદ્ય લોકપ્રિય ગુજરાતી સાહિત્યકાર છે. તેમનો જન્મ મુંબઇ ખાતે થયો હતો. તેમના પિતાનુ નામ દિગંત ઓઝા છે. તેઓ ફોટોગ્રાફર સંજય વૈદ્ય સાથે પરણ્યા છે.
તેઓએ તેમની સ્નાતકની ઉપાધી અંગ્રેજી અને સંસ્કૃત વિષય સાથે 1986માં ગુજરાત યુનિવર્સિટીમાંથી પ્રાપ્ત કરી હતી. તેમણે અનુસ્નાતકની ઉપાધી ઍડવર્ટાઇઝીંગ મૅનેજમૅન્ટમાં સેંટ ઝેવિયર્સ, મુંબઇ ખાતેથી મેળવી હતી. તેમણે ૭ વર્ષના ટૂંકા સમયગાળામાં ૪૫ પુસ્તકો પ્રકાશિત કર્યા છે કે જેમાં નવલકથાઓ, ટૂંકી વાર્તાઓ, અનુવાદો, નિબંધો, નાટકો અને ૪ ઑડિયો પુસ્તકોના સંગ્રહનો પણ સમાવેશ થાય છે. તેમણે એક લેખક હોવા ઉપરાંત હિન્દી અને ગુજરાતી સિનેમા તેમજ ટેલિવિઝન ક્ષેત્રે કટારલેખક, કવિ, અભિનેત્રી અને સંચાલક તરીકે પણ યોગદાન આપ્યું છે. આ ઉપરાંત તેમણે ગુજરાત યુનિવર્સિટીમાં અનુસ્નાતક કક્ષાના સ્ક્રિપ્ટ લેખન વિષયમાં મુલાકાતી શિક્ષક તરીકે કાર્ય કર્યુ છે.