Amrutlal Vegad
7 Books / Date of Birth:- 02-10-1928 / Date of Death:- 06-06-2018
અમૃતલાલ વેગડ ગુજરાતી અને હિંદી ભાષાના લેખક અને ચિત્રકાર હતા. તેઓ જબલપુર, મધ્ય પ્રદેશમાં રહેતા હતા. તેમના પિતા માધાપર, કચ્છના વતની હતા અને જબલપુરમાં આવીને વસ્યા હતા. તેઓ અન્ય મિસ્ત્રી સમુદાય સાથે બંગાળ નાગપુર રેલ્વે લાઇનના ગોંદિયા-જબલપુર ભાગમાં રેલ્વે કોન્ટ્રાક્ટર તરીકેનું કામ કરતા 1906માં ત્યાં સ્થાયી થયા હતા.તેમનો અભ્યાસ વિશ્વ ભારતી યુનિવર્સિટી, શાંતિનિકેતન ખાતે થયો હતો અને નંદલાલ બોઝ જેવા શિક્ષકોના હાથ નીચે 1948-53 દરમિયાન તેમણે તાલીમ મેળવી હતી. નંદલાલ બોઝ પાસે તેઓ પ્રકૃત્તિ અને તેની સુંદરતાનો આદર કરવાનું શીખ્યા. તેઓ પાણીના રંગો વડે ચિત્રકામ શીખ્યા હતા પરંતુ તૈલી રંગો (ઓઇલ કલર) વડે પણ ચિત્રો દોરતા હતા. જબલપુરમાં પાછા ફર્યા બાદ, તેઓ ત્યાં ઇન્સ્ટિટ્યુટ ઑફ ફાઇન આર્ટ્સમાં શિક્ષક તરીકે જોડાયા. શાંતિનિકેતનમાં અભ્યાસ દરમિયાન 1968માં લખેલો નિબંધ ‘ઇન્ટ્રોડ્યુશિંગ અહિંસા ટુ ધ બેટલફિલ્ડ’ લોકપ્રિય ગાંધી-ગંગા પુસ્તકનો ભાગ બન્યો હતો.તેમને ‘સૌંદર્યની નદી નર્મદા’ પુસ્તક માટે 2004નો ‘સાહિત્ય અકાદમી પુરસ્કાર’ મળ્યો હતો. તેમના વિવિધ સર્જન માટે ‘મધ્યપ્રદેશ રાજ્ય સાહિત્ય પુરસ્કાર’ અને ‘રાષ્ટ્રપતિ પુરસ્કાર’ મળ્યા હતા. હિંદી માટે તેમને ‘મહાપંડિત રાહુલ સાંકૃત્યાયન’ પુરસ્કાર પણ પ્રાપ્ત થયો હતો. તેમણે પર્યાવરણ ચળવળકાર તરીકે પણ કાર્ય કરેલું જેમાં તેમણે મધ્યપ્રદેશમાં નર્મદા અને અન્ય નદીઓમાં થતાં પ્રદૂષણ વિરુદ્ધ અભિયાન ચલાવ્યું હતું. તેઓ નર્મદા સમગ્રના પ્રમુખ રહ્યા હતા, જે નદીઓનાં પ્રદૂષણ વિરુદ્ધ અને નદી કિનારા નજીક જાહેર શૌચાલયોના બાંધકામો માટે કાર્ય કરે છે, જેથી નદી કિનારા અને નદીઓમાં પ્રદૂષણનું પ્રમાણ ઓછું કરી શકાય.