17 Books / Date of Birth:-
30-12-1887 / Date of Death:-
08-02-1971
કનૈયાલાલ માણેકલાલ મુનશી જેઓ ક. મા. મુનશી તરીકે પણ જાણીતા હતા, ભારતીય સ્વતંત્રતાસેનાની, રાજકારણી, ગુજરાતી લેખક અને શિક્ષણશાસ્ત્રી હતા. તેઓ વ્યવસાયે વકીલ હતા.
1915-20 દરમિયાન તેઓ હોમરુલ લીગના મંત્રી રહ્યા હતા. તેમની સુદિર્ઘ રાજકીય કારકિર્દી દરમ્યાન તેઓ 1925માં મુંબઈ ધારાસભામાં ચૂંટાયા. 1930માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા અને ત્યાર પછી 1930-32 દરમિયાન સ્વતંત્રતાની ચળવળમાં જેલવાસ ભોગવ્યો. 1937-39 દરમિયાન મુંબઈ રાજ્યના ગૃહપ્રધાન રહ્યા. 1948માં તેમણે સોમનાથ મંદિરના જીર્ણોદ્ધાર અને પછી હૈદરાબાદના ભારતમાં વિલિનીકરણમાં અગત્યની ભૂમિકા ભજવી હતી.1948માં તેઓ રાષ્ટ્રની બંધારણ સભાના સભ્ય બન્યા અને એ પછી કેન્દ્રીય પ્રધાનમંડળમાં ખેતીવાડી ખાતાના પ્રધાન રહ્યા. 1952-57 દરમિયાન ઉત્તર પ્રદેશના રાજ્યપાલના હોદ્દા પર રહ્યા હતા. 1958-59 દરમિયાન કોંગ્રેસ પક્ષ સાથે મતભેદો થતા પક્ષમાંથી રાજીનામું આપ્યું અને 1959માં તેઓ રાજાજી સાથે સ્વતંત્ર પક્ષમાં જોડાયા. 1960માં સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ લીધી.
સાહિત્યની સેવાના પ્રારંભ રૂપે તેમણે 1912માં ભાર્ગવ અને 1922માં ગુજરાત માસિકનો પ્રારંભ કર્યો. 1926માં ગુજરાતી સાહિત્ય પરિષદના બંધારણમાં તેમણે અગત્યનો ભાગ ભજવ્યો હતો. તેમણે 1938માં ભારતીય વિદ્યા ભવનની સ્થાપના કરી અને 1937,1949 અને 1955માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે રહ્યા. 1959માં તેમણે સમર્પણ માસિકનો પ્રારંભ કર્યો. 1988માં તેમના માનમાં ભારતના ટપાલ વિભાગ તરફથી ટપાલ ટિકિટ બહાર પડાઈ હતી