ભારતની વિવિધ ભાષાઓમાં – સાહિત્ય, શિક્ષણ, વિજ્ઞાન, ટૅક્નૉલૉજી, કળા વગેરે વિષયોમાં પુસ્તકોનું પ્રકાશન કરતા અનેક પ્રકાશકો કાર્યરત છે. આ સૌ પ્રકાશકોનું પ્રતિનિધિત્વ કરતી સર્વોચ્ચ સંસ્થા The Federation of Indian Publishers દરેક પ્રકાશકોના આ કાર્યને ઉજાગર કરતું રહ્યું છે. આ સંસ્થા અને સભ્ય પ્રકાશકો દ્વારા ભારતમાં પ્રકાશનક્ષેત્રે વિરાટ પ્રદાન કરવામાં આવે છે.
ભારતના પ્રકાશન ઉદ્યોગને સાંસ્કૃતિક અને ઐતિહાસિક ધોરણે મૂલવવા માટે અને પ્રકાશકો દ્વારા કરવામાં આવતાં પ્રદાનનું દસ્તાવેજીકરણ કરવા માટે સમયાંતરે FIP દ્વારા મૂલ્યવાન ગ્રંથો પ્રકાશિત કરવામાં આવે છે. આ ગ્રંથોમાં ભારતની વિવિધ ભાષાઓમાં કાર્યરત ટોચના અનુભવી પ્રકાશકોને, સમયાંતરે જે-તે ભાષામાં કરાયેલાં વિવિધ પ્રદાનો અને ઘટનાઓને સમાવતા વિશિષ્ટ એવા દસ્તાવેજી દીર્ઘ લેખને મોકલવાનું આમંત્રણ આપવામાં આવે છે.
ગત વર્ષોમાં ભારતની આઝાદીના 50મા વર્ષે FIP દ્વારા 50 Years of Book Publishing in India અને 60મા વર્ષે 60 Years of Book Publishing in Indiaનું પ્રકાશન કરવામાં આવ્યું હતું. આ બંને ગ્રંથોમાં આપણી ગુજરાતી ભાષા માટેના લેખો લખવાનું આમંત્રણ, વરિષ્ઠ અને અનુભવી પ્રકાશક શ્રી જિતેન્દ્રભાઈ દેસાઈને આપવામાં આવ્યું હતું. શ્રી જિતેન્દ્રભાઈ દેસાઈ દ્વારા ગુજરાતી પ્રકાશનજગતના ઇતિહાસ, વર્તમાન અને ભવિષ્ય અંગે વિસ્તૃત લેખ દ્વારા ઉપયોગી પ્રદાન કરાયું હતું.
તાજેતરમાં FIP દ્વારા ભારતની આઝાદીના 75મા વર્ષની ઉજવણીના ભાગરૂપે 75 Years of Book Publishing in India ગ્રંથનું પ્રકાશન કરવામાં આવ્યું છે. આપણી ગુજરાતી ભાષાના પ્રકાશકો દ્વારા 75 વર્ષોમાં કરાયેલાં પ્રદાન વિશેનો લેખ લખવાનું સન્માનજનક આમંત્રણ આ વખતે આર. આર. શેઠ ઍન્ડ કંપની પ્રા. લિ.ના ડાયરેક્ટર શ્રી રત્નરાજ શેઠને આપવામાં આવેલ છે. લગભગ 500 પાનાંના આ ગ્રંથમાં ભારતની વિવિધ ભાષાઓમાં પ્રકાશનપ્રવૃત્તિનાં છેલ્લાં 75 વર્ષનો ઇતિહાસ, વર્તમાન અને ભવિષ્યની રસપ્રદ રૂપરેખા આપવામાં આવી છે. એ ઉપરાંત પ્રકાશનપ્રવૃત્તિ દ્વારા કરાયેલાં પ્રદાનના અલગઅલગ અન્ય પાસાં ઉપર પણ પ્રકાશ પાડવામાં આવ્યો છે.
75 Years of Book Publishing in India ગ્રંથમાં ગુજરાતી ભાષા દ્વારા કરવામાં આવેલાં પ્રદાન અંગેનો રસપ્રદ લેખ અહીં મૂક્યો છે.

ગુજરાતી
ભાષા, ભૂમિ, ભૂતકાળ, ભવિષ્ય
રત્નરાજ ભગતભાઈ શેઠ
ડાયરેક્ટર, આર. આર. શેઠ ઍન્ડ કંપની પ્રા. લિ.
પૃષ્ઠભૂમિ
લગભગ ઈ.સ. પૂર્વે 2000થી ગુજરાતની ભૂમિએ પોતાનું સ્થાન દુનિયાના ઇતિહાસમાં અને માનવજાતના મનમાં મેળવી લીધું છે. એવું કહેવાય છે કે ભગવાન કૃષ્ણને જ્યારે મથુરા છોડવાનું થયું, ત્યારે ભારતવર્ષના પશ્ચિમ કિનારે વસેલા દ્વારકા નગરને તેમણે પોતાના કાયમી વસવાટ તરીકે પસંદ કર્યું અને ત્યારથી ગુજરાતની ભૂમિ ક્યાંકને ક્યાંક ભારતના ઇતિહાસમાં કેન્દ્રસ્થાને રહી છે. ભારતને આઝાદી અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ તો ભારતના અંતરિક્ષ કાર્યક્રમમાં પાયાનું પ્રદાન કરનાર વિક્રમ સારાભાઈ કે ભારતમાં સફેદ ક્રાંતિ લાવનાર વર્ગીસ કુરિયન એ સૌ ઉપરાંત અનેક રત્નો ગુજરાતે આપ્યાં છે.
ભારતને 1948માં આઝાદી મળ્યા બાદ વિવિધ વિસ્તારોમાં બોલાતી ભાષાઓના આધારે વિભાજન થયું ત્યારે, 1960માં આજનું ગુજરાત અસ્તિત્વમાં આવ્યું. ગુજરાત રાજ્યની ભાષા એટલે ગુજરાતી અને પાટનગર – અમદાવાદની નજીક આવેલું રમણીય એવું ગાંધીનગર. ગુજરાતના મુખ્ય શહેરોમાં અમદાવાદ, વડોદરા, સુરત, વલસાડ, ભાવનગર, રાજકોટ અને જામનગર ગણી શકાય. ભારતના પશ્ચિમ કિનારે લગભગ 1600 કિ.મી.નો દરિયાકિનારો ધરાવનાર ગુજરાતની મુખ્ય નદીઓમાં સાબરમતી, મહી, નર્મદા, તાપી ગણાય. વિસ્તારની રીતે ભારતનાં સૌ રાજ્યોમાં પાંચમા સ્થાને અને વસ્તીની રીતે નવમા સ્થાને ગુજરાત ગણાય. ભારતમાં Indus Valley સંસ્કૃતિની સૌથી વધુ સાઇટ્સ ગુજરાતમાં જોવામાં આવે છે. દુનિયાનું સૌથી પ્રથમ બંદર ધરાવતું લોથલ અને એક સમયે સૌથી મોટું શહેર ગણાતું ધોળાવીરા ગુજરાતમાં સ્થિત છે. એશિયા ખંડમાં માત્ર એક જ જગાએ સ્થિત એશિયાટિક સિંહો ગુજરાત રાજ્યના ગીર નેશનલ પાર્કના રહેવાસી છે. મહાત્મા ગાંધીના સિદ્ધાંતોને વરેલું ગુજરાત ગાંધી મૂલ્યોથી પ્રેરાઈને આઝાદીનાં 75 વર્ષ બાદ પણ દારૂબંધીનું ગૌરવભેર પાલન કરે છે. દુનિયાનું સૌથી ઊંચું સ્ટેચ્યૂ ઑફ યુનિટી ગુજરાત ખાતે આવેલું છે. સાબરમતી આશ્રમ, સોમનાથ મંદિર, કચ્છનું રણ, મોઢેરા સૂર્યમંદિર, રાણકી વાવ જેવાં અનેક જોવાલાયક ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્થળો ગુજરાતમાં છે. અલગઅલગ વિસ્તારોમાં ખોરાક અને વસ્ત્રોની વિવિધતા ગુજરાતને અનેરી ઓળખ અપાવે છે. ઉત્સવપ્રિય એવી ગુજરાતી પ્રજા દિવાળી, હોળી, નવરાત્રિ, ઉત્તરાયણ જેવા તહેવારોને પોતાની આગવી છટા સાથે ઉજવે છે. વર્ષ દરમિયાન દુનિયાના વિવિધ ભાગોમાંથી આવતાં લાખો પક્ષીઓને ગુજરાતની ધરતી આવકારે છે, તો ગુજરાતી પ્રજા પણ પોતાના આત્મવિશ્વાસ, ધંધાકીય સૂઝને કારણે દુનિયાભરમાં ક્યાંક ને ક્યાંક પોતાનો ડંકો વગાડતી રહે છે.
ગુજરાતી ભાષા ઈ.સ. 1000ની આસપાસ અસ્તિત્વમાં આવી એમ કહી શકાય. સમયાંતરે વિકાસ પામીને લગભગ 1000 વર્ષે આજની આધુનિક અને સમૃદ્ધ ગુજરાતી ભાષાનું સર્જન થયું છે. લગભગ 6 કરોડ લોકો દ્વારા બોલાતી ગુજરાતી ભાષા ભારતમાં 6ઠ્ઠા અને વિશ્વમાં 26મા સ્થાને બિરાજે છે. ઈ.સ. 1135માં અણહિલપુર પાટણના મહારાજા સિદ્ધરાજ જયસિંહે પોતાની ભાષાપ્રીતિથી પ્રેરાઈને આચાર્ય હેમચંદ્રાચાર્ય દ્વારા વ્યાકરણગ્રંથ `સિદ્ધહેમશબ્દાનુશાસન’ની રચના કરાવી. ગુજરાતી ભાષાના આ પહેલા પુસ્તકની હાથી પર સવારી કાઢીને સન્માન કરવામાં આવ્યું હતું. ઈ.સ. 1812માં ગુજરાતી ભાષામાં છાપકામની શરૂઆત થઈ. ઈ.સ. 1815માં પારસી પાદરી ફરદુનજી મર્ઝબાન દ્વારા ફારસી પુસ્તક દાબેસ્તાન-એ-મઝહબના ગુજરાતી અનુવાદ `દાબેસ્તાન’નું પ્રકાશન કરવામાં આવ્યું. ગુજરાતી ભાષાનું આ સૌ પ્રથમ મુદ્રિત પુસ્તક ગણાય છે. પા પા પગલી ભરતા ગુજરાતી પ્રકાશન ઉદ્યોગે 19મી સદીમાં પગ મૂકતાં જ ઝડપ પકડી. જૂની ગુજરાતી ભાષાએ આધુનિક રૂપ ધારણ કર્યું અને છૂટાછવાયા એકલદોકલ પુસ્તક પ્રગટ કરનારા લોકોનું સ્થાન પ્રકાશકોએ લીધું. ગુજરાતી પ્રકાશનજગતે પરંપરાગત પદ્ધતિથી પુસ્તકો પ્રગટ કરવાનું શરૂ કર્યું. શરૂઆતમાં લેટરપ્રેસ પદ્ધતિ દ્વારા પુસ્તકો પ્રકાશિત કરવામાં આવતાં ત્યારે ગણતરીનાં જૂજ વિષયોના પુસ્તકોનું પ્રકાશન થતું. જ્યારે આજે 200 વર્ષ ઉપરાંતનો સમયગાળો જોઈ ચૂકેલું ગુજરાતી પ્રકાશનજગત અલગઅલગ 100 ઉપરાંત વિષયોનાં 5000થી વધુ નવાં પુસ્તકોનું પ્રકાશન દર વર્ષે કરે છે. પ્રિન્ટેડ પુસ્તકોની સાથે ઇબુક્સ, ઑડિયોબુક્સ જેવાં આધુનિક પ્રકાશનો કરવામાં ગુજરાતી પ્રકાશકો મોખરે છે. ખાનગી, શૈક્ષણિક, સંસ્થાગત, ધાર્મિક અને વિવિધ ટ્રસ્ટ જેવાં લગભગ મુખ્ય 50થી વધુ પ્રકાશકો કાર્યરત છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને મુંબઈ જેવાં શહેરોમાં મુખ્યત્વે પ્રકાશનપ્રવૃત્તિ થઈ રહી છે.
ગુજરાતી પ્રકાશનપ્રવૃત્તિના વિકાસ, તંદુરસ્ત હરીફાઈના ઇરાદા અને પુસ્તકવિક્રેતાઓને પ્રોત્સાહન આપવા માટે ઈ.સ. 1973માં `ગુજરાતી સાહિત્ય પ્રકાશક અને વિક્રેતા મંડળ’ની સ્થાપના કરવામાં આવી. જેનો વિલય કરીને ઈ.સ. 2005માં `ગુજરાત પ્રકાશક મંડળ’નામની સંસ્થા અસ્તિત્વમાં આવી અને ઈ.સ. 2018થી `ગુજરાતી પ્રકાશક મંડળ’ના નામે રજિસ્ટર્ડ સંસ્થા કાર્યરત છે. 130 ઉપરાંત સભ્યો ધરાવતી આ સંસ્થા આજે ગુજરાતી ભાષાના પ્રકાશનઉદ્યોગને હકારાત્મક દિશા આપવાની સાથે તેવી વિકાસયાત્રામાં વિવિધ રીતે પ્રદાન કરી રહી છે.

ગુજરાતી ભાષાના જન્મથી 1947 સુધી
ભારતની આઝાદી પછીનાં 75 વર્ષની પ્રકાશનયાત્રા વિશે જાણતાં પહેલાં એ પહેલાંની તવારીખ પણ સમજવી જોઈએ. ગુજરાતી ભાષામાં ઈ.સ. 1135માં પ્રકાશિત થયેલાં હસ્તલિખિત પુસ્તક `સિદ્ધહેમશબ્દાનુશાસન’ને પ્રથમ પુસ્તક ગણીએ તો અણહિલપુર પાટણના મહારાજા સિદ્ધરાજ જયસિંહને પ્રથમ પ્રકાશક ગણી શકાય અને એ રીતે ગુજરાતી ભાષામાં પ્રકાશનપ્રવૃત્તિનું આયુષ્ય લગભગ 900 વર્ષ ગણાય. હસ્તલિખિત પ્રથમ પુસ્તક ઈ.સ. 1135માં પ્રકાશિત થયાનાં 680 વર્ષ બાદ ઈ.સ. 1815માં સૌપ્રથમ ગુજરાતી મુદ્રિત પુસ્તક `દાબેસ્તાન’નું પ્રકાશન ફરદુનજી મર્ઝબાન દ્વારા ‘ગુજરાતી છાપોખાનો’નામના પોતાના મુંબઈ ખાતેના પ્રેસમાં છાપીને કરવામાં આવ્યું હતું. મુદ્રિત ગુજરાતી પુસ્તકના પ્રથમ પ્રકાશક સવાયા ગુજરાતી એવા પારસી સદ્ગૃહસ્થ ફરદુનજી મર્ઝબાન ગણાય. મુદ્રિત પુસ્તકોની આ 200 વર્ષ ઉપરાંતની યાત્રામાં ગુજરાતી પ્રકાશન પ્રવૃત્તિ ઊજળો અને ગૌરવપ્રદ ઇતિહાસ ધરાવે છે.
ઈ.સ. 1150થી ઈ.સ. 1450 સુધીનો સમજ જૂની ગુજરાતી ભાષાનો છે. આ સમયગાળાના મોટાભાગનું જૈનસાહિત્ય હસ્તપ્રતરૂપે ક્યાંક ને ક્યાંક સચવાયેલું છે. ઈ.સ. 1450થી ઈ.સ. 1850 સુધીના મધ્યયુગમાં પણ વિપુલ પ્રમાણમાં પુસ્તકો તૈયાર કરવામાં આવ્યાં. નરસિંહ મહેતા, અખો, મીરાં, પ્રેમાનંદ વગેરે જેવાં ભક્તકવિઓ દ્વારા પદ, છપ્પા, આખ્યાન, કથા જેવા વિવિધ વિષયોનાં પુસ્તકો લખવામાં આવ્યા. આ સમયગાળાના પુસ્તકો હસ્તલિખિત હોવાને કારણે મોટાભાગનાં પુસ્તકો અંગત અથવા મર્યાદિત સંખ્યાના લોકોના ઉપયોગમાં આવતા રહ્યાં. જોકે, સમાજના વિસ્તૃત વર્ગ માટેના ઉપયોગી હસ્તલિખિત પુસ્તકોની વધુ નકલો કરીને પુસ્તકો તૈયાર કરાયાનું પણ નોંધાયું છે.
મુંબઈમાં ‘સોસાયટી ફોર પ્રમોટિંગ ધ એજ્યુકેશન ઑફ ધ પૂઅર વિધિન ધ ગવર્નમૅન્ટ ઑફ બાૅમ્બે’ની સ્થાપના ઈ.સ. 1815માં કરવામાં આવી. આ સંસ્થા ‘બાૅમ્બે એજ્યુકેશન સોસાયટી’ના નામે વધુ જાણીતી બની. ઈ.સ. 1820માં સુરતમાં પ્રથમ પ્રેસ ‘લંડન મિશનરી સોસાયટી’ના પાદરીઓ રેવરન્ડ જેમ્સ સ્કીનર અને વિલિયમ ફાઇવી દ્વારા શરૂ કરવામાં આવ્યું. આ બંને દ્વારા બાઇબલના નવા કરારના ગુજરાતી અનુવાદનું પુસ્તક ઈ.સ. 1821માં પ્રકાશિત થયું. આ પુસ્તક ગુજરાત પ્રદેશમાં છપાયેલું પહેલું પુસ્તક ગણાય. ભારતની આઝાદીનાં વર્ષોમાં આજનું ગુજરાત એ મહારાષ્ટ્ર રાજ્યનો ભાગ હોવાને કારણે શરૂઆતનાં વર્ષોમાં ગુજરાતી પ્રકાશનનું મુખ્ય કેન્દ્ર મુંબઈ બન્યું. ફરદુનજી મર્ઝબાન દ્વારા જ ઈ.સ. 1822માં ‘શ્રી મુમબઈનાં શમાચાર’નામના છાપાની સ્થાપના કરવામાં આવી જે આજે પણ પ્રકાશિત થઈ રહ્યું છે. આ છાપું મુંબઈ કે ભારતનું જ નહીં પણ સમગ્ર એશિયાનું જૂનામાં જૂનું છાપું છે. ઈ.સ. 1830માં ‘મુંબઈના ચાબુક’ અને ઈ.સ. 1832માં ‘જામે જમશેદ’ નામનાં અખબારો મુંબઈથી શરૂ થયાં હતાં. વાચકોને પુસ્તકો સુલભ થાય એ માટે ઈ.સ. 1830માં જાણીતા સમાજસુધારક દુર્ગારામ મહેતાજીએ સુરત ખાતે પુસ્તક પ્રસારક મંડળીની સ્થાપના કરી. ઈ.સ. 1840માં સૌપ્રથમ ગુજરાતી ડાયરી `નિત્યનોંધ’ દુર્ગારામ મહેતા દ્વારા લખાઈ. ઈ.સ. 1845માં આધુનિક ગુજરાતી કવિતા દલપતરામ દ્વારા `બાપાની પિંપરુ’ રચાઈ. ઈ.સ. 1848માં અંગ્રેજ અફસર એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ જે `ફાર્બસસાહેબ’ના નામે જાણીતા છે, તેમણે પોતાની ગુજરાતી ભાષાપ્રીતિથી પ્રેરાઈને ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી’ની સથાપના કરી. દેશને આઝાદી મળી એ અરસામાં તે `ગુજરાત વિદ્યાસભા’ તરીકે ઓળખાઈ. પ્રથમ ગુજરાતી નિબંધ `મંડળી મળવાથી થતા લાભ’ ઈ.સ. 1851માં નર્મદાશંકર દવે દ્વારા લખાયો. ઈ.સ. 1857માં નર્મદાશંકર લાલશંકર દવે લિખિત કવિતાના નિયમો દર્શાવતું ગુજરાતી ભાષાનું પ્રથમ પુસ્તક `પિંગળપ્રવેશ’ પ્રકાશિત થયું. ઈ.સ. 1857માં જ ગુજરાતી ભાષાનું સૌપ્રથમ માસિક ‘સ્ત્રીબોધ’ શરૂ થયેલ. ધારાવાહિક નવલકથાનો આરંભ કરવાનો યશ પણ આ માસિકને ફાળે જ છે. કેખુશરુ કાબરાજીની રૂપાંતરિત નવલકથા ‘ભોલોદોલો’ આ સામયિકમાં ઈ.સ. 1871થી ઈ.સ. 1873 દરમિયાન પ્રકાશિત થઈ. ઈ.સ. 1861માં પારસી લેખક ડોસાભાઈ ફરાંમજી કરાકા લિખિત `ગરેટ બરીટન ખાતેની મુસાફરી’ નામે પ્રથમ પ્રવાસવર્ણન પ્રકાશિત થયું. ફાર્બસસાહેબ દ્વારા જ ઈ.સ. 1865માં મુંબઈ ખાતે `ગુજરાતી સભા’નો આરંભ કરાયો અને એ જ વર્ષે તેમનું અવસાન થતાં સંસ્થાનું નામ બદલીને `ફાર્બસ ગુજરાતી સભા’ કરાયું. આ બધી સંસ્થાઓ દ્વારા ગુજરાતી ભાષા, સાહિત્ય, ઇતિહાસ, સંસ્કૃતિના ક્ષેત્રે પ્રદાન આપવામાં આવ્યું અને પુસ્તકોનું પ્રકાશન પણ કરવામાં આવતું રહ્યું. ઈ.સ. 1866માં સૌપ્રથમ ગુજરાતી નવલકથા `કરણઘેલો’ નંદશંકર મહેતા દ્વારા, સૌપ્રથમ સામાજિક નવલકથા `સાસુવહુની લઢાઈ’ મહિમતરામ રૂપરામ નીલકંઠ દ્વારા અને સૌપ્રથમ આત્મકથા `મારી હકીકત’ નર્મદાશંકર દવે દ્વારા લખાઈ. આ સમયગાળા દરમિયાન પ્રકાશિત થતાં મોટાભાગનાં પુસ્તકો વ્યક્તિગત ધોરણે અથવા પ્રેસ દ્વારા પ્રકાશિત કરાયાનું નોંધાયું છે. જોકે અમુક ખાનગી અને સંસ્થાકિય પ્રકાશકો દ્વારા પણ મૂલ્યવાન પ્રદાન કરવામાં આવ્યાનું નોંધાયું છે.
અમદાવાદ ખાતે ઈ.સ. 1870માં મહાદેવ રામચંદ્ર જાગુષ્ટે નામક વ્યવસાયિક પ્રકાશકની સ્થાપના થઈ. ધાર્મિક અને સાંસ્કૃતિક પુસ્તકોનું પ્રકાશન કરતી આ સંસ્થા આજે લગભગ 150 વર્ષ બાદ પણ પ્રકાશનપ્રવૃત્તિમાં સક્રિય છે. મુંબઈમાં ઇચ્છારામ સૂર્યરામ દેસાઈ ઈ.સ. 1883માં ગુજરાતી પ્રિન્ટિંગ પ્રેસની સ્થાપના થઈ. તેમના દ્વારા લિખિત `હિન્દ અને બ્રિટાનીયા’ પહેલી રાજકીય નવલકથા હતી અને તેની ઉપર રાજદ્રોહનો આરોપ મૂકવામાં આવ્યો હોવાથી ખાસ્સી ચર્ચાસ્પદ બની હતી. મુંબઈમાં જ ઈ.સ. 1888માં ગુજરાતી મહાનવલ `સરસ્વતીચંદ્ર’ પ્રકાશિત કરનાર પ્રકાશક એન. એમ. ત્રિપાઠી એન્ડ કંપનીની સ્થાપના થઈ. વિવિધ અનેક પુસ્તકો પ્રકાશિત કરનાર આ સંસ્થાએ 100 વર્ષ ઉપરાંત કાર્યરત રહ્યા બાદ પોતાની પ્રવૃત્તિ સંકેલી લીધી છે. ૧૯મી સદીના અંતભાગમાં રતનજી ફરામજી શેઠનાએ જ્ઞાનપ્રસારક મંડળી દ્વારા ગુજરાતી ભાષાનો સર્વપ્રથમ જ્ઞાનકોશ પ્રકાશિત કર્યો. `જ્ઞાનચક્ર’ નામની યોજના હેઠળ આ કોશના કુલ 9 ભાગ પ્રકાશિત કરાયા.
વીસમી સદીના પૂર્વાધમાં ગુજરાતી પ્રકાશનપ્રવૃત્તિએ પોતાની ગતિ પકડી. વાચકોને પુસ્તકો સુલભ કિંમતે મળી રહે એ શુભહેતુથી ભિક્ષુ અખંડાનદજી દ્વારા સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલયની સ્થાપના ઈ.સ. 1907માં કરવામાં આવી. ઈ.સ. 1915માં બૅરિસ્ટર મોહનદાસ કરમચંદ ગાંધીનું ભારતમાં આગમન થયું. ભારતની તત્કાલીન પરિસ્થિતિ પામીને ભારતને આઝાદી અપાવવાના નિર્ધાર સાથે `મહાત્મા’ ગાંધીએ પોતાની પ્રવૃત્તિઓને ક્રાંતિકારી ચળવળમાં ફેરવી ત્યારે, પોતાની વાતો સમગ્ર દેશમાં પહોંચાડવાના હેતુ માટે ઈ.સ. 1919માં નવજીવન સાપ્તાહિકનું પ્રકાશન શરૂ કર્યું. સમય જતાં ઈ.સ. 1929માં પુસ્તક પ્રકાશનપ્રવૃત્તિને સમાવીને નવજીવન ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી. ગાંધીસાહિત્ય અને અન્ય અનેક ઉપયોગી પુસ્તકોના પ્રકાશન કરનાર આ સંસ્થા આજે પણ પોતાનું મૂલ્યવાન યોગદાન આપી રહી છે. આ ગાંધીયુગનો પ્રભાવ એ સમયે ગુજરાત ઉપર ઘણો જ પડ્યો અને પુસ્તક પ્રગટ કરવાનું કાર્ય માત્ર `છાપકામ’થી આગળ વધીને `પ્રકાશક’ જેવું માન પામ્યો. સુવ્યવસ્થિત અને સુગઠિત પ્રકાશનપ્રવૃત્તિની શરૂઆત આ સમયગાળાથી શરૂ થઈ એમ કહી શકાય.
ઈ.સ. 1901માં સાહિત્યપ્રીતિથી પ્રેરાઈને નારણલાલ મોતીલાલ શાહે અમદાવાદમાં `નારણલાલ મોતીલાલ બુકસેલર્સ’ની શરૂઆત કરી જે આજે જયંત બુક ડીપો તરીકે કાર્યરત છે. ગુજરાતી સાહિત્ય પ્રવૃત્તિને ઉત્તેજન આપવાના આશયથી રણજિતરામ વાવાભાઈ મહેતાના પ્રયત્નોથી ઈ.સ. 1905માં ગુજરાતી સાહિત્ય પરિષદની સ્થાપના થઈ. ગુજરાતી સાહિત્ય પ્રવૃત્તિ ઉપરાંત અનેક સાક્ષરોના પુસ્તકોનું પ્રકાશન એ પણ આ સંસ્થાનું મહત્ત્વનું યોગદાન છે. ગાંધીજી દ્વારા જ પોતાના કેળવણીના વિચારોના અમલીકરણ માટે ઈ.સ. 1920માં ‘ગૂજરાત વિદ્યાપીઠ’ની સ્થાપના થઈ. રાષ્ટ્રીય રંગે રંગાયેલા ઈશ્વરલાલ મૂળચંદ વીમાવાળાએ ઈ.સ. 1921માં શુદ્ધ અને રાષ્ટ્રીય સાહિત્ય ઉપલબ્ધ કરાવવા માટે ‘ગાંડીવ સાહિત્ય મંદિર’નો પ્રારંભ કર્યો. ગુજરાતી ભાષાને બકોર પટેલની ભેટ આ પ્રકાશનગૃહ તરફથી મળી. ઈ.સ. 1924માં મોતીભાઈ અમીન દ્વારા ગુજરાત રાજ્યમાં પુસ્તકાલય પ્રવૃત્તિને યોગ્ય દિશા મળી રહે અને સરકાર સાથે વહીવટી આદાનપ્રદાન કરી શકાય એ માટેની સેતુરૂપ સંસ્થાના વિચાર સાથે ગુજરાત પુસ્તકાલય સહાસક સહકારી મંડળી લિ.ની સ્થાપના કરવામાં આવી. ગાંધીજી સાથે સ્વાતંત્ર્યસંગ્રામમાં જોડાયેલાં અને ગાંધીજીની પ્રેરણાથી ભૂરાલાલ રણછોડદાસ શેઠ દ્વારા ઈ.સ. 1926માં ‘આર. આર. શેઠની કંપની’ની સ્થાપના કરાઈ. એ જ અરસામાં ઈ.સ. 1927માં ગાંધીસાહિત્યની ફેરી કરતાં શંભુભાઈ જગશીભાઈ શાહ અને ગોવિંદભાઈ જગશીભાઈ શાહ દ્વારા ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયની સ્થાપના કરાઈ. સ્થાપનાની એક સદીના આરે ઊભેલી આ બંને સંસ્થાઓ દ્વારા ગુજરાતી પુસ્તક, પ્રકાશન અને વિતરણ ક્ષેત્રે વિરાટ પ્રદાન કરાયું છે. ગુજરાતી ભાષાના અનેક ઉત્તમ લેખકોનાં પુસ્તકો દ્વારા ગુજરાતી પ્રજાને વાંચતી કરવાનો શ્રેય આ સંસ્થાઓને જાય છે.
ઈ.સ. 1928માં સુરત ખાતે જયંતીલાલ વિઠ્ઠલદાસ મહેતાએ ‘શ્રી હરિહર પુસ્તકાલય’ દ્વારા પ્રકાશનક્ષેત્રે પદાર્પણ કર્યું. ધાર્મિક પુસ્તકોનું પ્રકાશન આ સંસ્થાની વિશિષ્ટતા રહી. મુંબઈ ખાતે ઈ.સ. 1929માં નંદલાલ મોહનલાલ મહેતા દ્વારા એન.એમ. ઠક્કરની કંપનીની શરૂઆત કરવામાં આવી. નવા વિષયોનાં પુસ્તકો પ્રકાશિત કરવા ઉપરાંત નંદલાલભાઈએ `અનુભવાનંદજી’ના નામે અમુક ઉપયોગી પુસ્તકોનું લેખન પણ કર્યું. ઈ.સ. 1930માં સાહિત્યપ્રેમથી પ્રેરાઈને જમનાદાસ રેવાશંકર દોશીએ અમદાવાદમાં ‘નવયુગ પુસ્તક ભંડાર’નો પ્રારંભ કર્યો. સંજોગોવશાત્ તેમણે ત્યારબાદ પોતાની પ્રવૃત્તિ રાજકોટ ખાતે ફેરવી. રાષ્ટ્રીય ભાવનાથી પ્રેરિત થઈને ઈશ્વરલાલ દવે ઈ.સ. 1936માં ભારતી સાહિત્ય સંઘની સ્થાપના કરી. તેમની સાથે જોડાયેલાં મોહનલાલ મહેતા, જમુભાઈ રવાણી, ચીમનભાઈ મહાજન અને જયંત પરમાર દ્વારા સમયાંતરે અનુક્રમે અભિનવ ભારતી પ્રકાશન, રવાણી પ્રકાશનગૃહ, મહાજન બુક ડીપો અને દીપા પ્રકાશનનો પ્રારંભ કરાયો. અનેક લેખકોના પ્રકાશન અને પ્રચારમાં ભારતી સાહિત્ય સંઘે એ સમયે ઉપયોગી પ્રદાન કરેલ હતું. સ્વાતંત્ર્યસંગ્રામ સમયે કરવામાં આવતી નાગરિક ઘડતરની વિવિધ પ્રવૃત્તિઓ અંતર્ગત પુસ્તકાલય અને વાંચનાલયની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા નવનીતલાલ મદ્રાસીએ ઈ.સ. 1943માં ‘આદર્શ પુસ્તક ભંડાર’નો આરંભ કર્યો.
આઝાદીથી વર્તમાન અને ભવિષ્ય
ઈ.સ. 1947ની 15મી આૅગસ્ટ, શુક્રવારના રોજ 200 ઉપરાંત વર્ષોના અંગ્રેજ શાસનમાંથી મુક્ત થયા અને ભારતને આઝાદી મળી. લાંબી અને કારમી ગુલામી બાદ સ્વતંત્રતાનું ઊગેલું નવું પ્રભાત, નવી આશાઓ, પડકારો, અપેક્ષાઓ લઈને આવ્યું હતું. દુનિયાના મોટાભાગના દેશો કરતાં ભારત દેશની સાંસ્કૃતિક પરિસ્થિતિઓ અલગ અને વિશિષ્ટ છે. મોટાભાગના દેશોમાં એકથી વધીને વધુમાં વધુ ત્રણ-ચાર ભાષાઓનું ચલણ હોય છે, જ્યારે ભારત દેશના લગભગ દરેક રાજ્ય પાસે પોતાની આગવી ભાષા, સંસ્કૃતિ, પહેરવેશ, ખોરાક અને પસંદગી છે. વિવિધતામાં એકતાની ભાવના દર્શાવતી આ ભૂમિકા ભારતને એક આગવી ઓળખ આપે છે.
ભારતની સામાજિક વ્યવસ્થા આ વિશિષ્ટતાની સાથે પ્રકાશનજગત માટે અમુક મર્યાદાઓને પણ લઈને આવી. દુનિયાના અન્ય દેશોમાં એકાદ-બે ભાષાઓ મુખ્યત્વે ચલણમાં હોવાને કારણે જે-તે દેશની પ્રજા એ જ ભાષાઓનાં પુસ્તકો વાંચે છે, જ્યારે ભારતનાં રાજ્યોમાં અલગઅલગ ભાષાઓનું ચલણ હોવાને કારણે મુખ્ય દરેક ભાષામાં પ્રકાશનપ્રવૃત્તિ થાય છે. આ વ્યવસ્થાનો મુખ્ય પડકાર એ છે કે 125 કરોડની વસ્તી ધરાવતા દેશમાં અલગઅલગ ભાષાઓના ચલણને કારણે જે-તે ભાષામાં છપાતાં પુસ્તકોની નકલોની સંખ્યા મર્યાદિત રહે છે અને મર્યાદિત નકલો હોવાને કારણે ઊભી થતી આનુષંગિક મુશ્કેલીઓનો સામનો દરેક ભાષાના પ્રકાશકોને કરવાનો થાય છે.
જો કે સ્વાતંત્ર્યપ્રાપ્તિ પ્રકાશનક્ષેત્ર માટે એક નવું જોમ અને ઉત્સાહ લઈને આવી એવું કહી શકાય. આઝાદી બાદના ઊભા થયેલા વિવિધ પડકારોમાં એક મહત્ત્વનો પડકાર કેળવણી, સાક્ષરતા અને શિક્ષણનો પણ હતો. સ્વાતંત્ર્યસંગ્રામની આંધીને કારણે લોકોના મનમાં રાષ્ટ્રભાવનાનો વિકાસ થયો હતો અને રાષ્ટ્રભાવનાના પ્રસાર તથા લોકજાગૃતિ માટે વાંચન દ્વારા વિચારની સ્વીકૃતિ થઈ ચૂકી હતી. આઝાદી પછી લોકોની વાંચન અને જ્ઞાનની ભૂખ ઊઘડી ચૂકી હતી, તો બીજી બાજુ અનેક સાહસિકો પ્રકાશનપ્રવૃત્તિમાં ઝંપલાવવા માટે થનગનતા હતા.
ગુજરાતી પ્રકાશન પ્રવૃત્તિના મુખ્ય કેન્દ્રો અમદાવાદ, મુંબઈ, સુરત, વડોદરા અને રાજકોટ જેવાં મોટાં શહેરો રહ્યાં તો ભાવનગર, નડિયાદ, આણંદ જેવાં નાનાં શહેરોમાં પ્રવૃત્તિનો વિકાસ પણ થયો. તારાચંદ રવાણી દ્વારા સ્થાપિત ‘રવાણી પ્રકાશન ગૃહ’ પ્રતિષ્ઠિત ગણાતું. વિશ્વસાહિત્યના અનેક ઊત્તમ અનુવાદો તેમની સંસ્થા દ્વારા પ્રકાશિત થયા. બાલગોવિંદ કુબેરદાસની કંપનીની સ્થાપના ભાઈદાસભાઈ પરીખ દ્વારા કરાઈ. સાહિત્ય અને શિક્ષણનાં અનેક પુસ્તકોનું પ્રકાશન તેમના દ્વારા થયું. ગુજરાત રાજ્યમાં લાઇબ્રેરી વ્યવસ્થાના વિકાસ અને વાચકોની અપેક્ષાઓ વધતાં વિવિધ પ્રકાશકોએ પુસ્તકોનું પ્રકાશનકાર્ય હાથ ધર્યું. નજીકના સમયગાળામાં ભીખાભાઈ ઠક્કર દ્વારા ‘કુમકુમ પ્રકાશન’, જયંતિ દલાલ દ્વારા ‘રેખા પ્રકાશન સહકારી મંડળી લિ.’, ધનરાજભાઈ કોઠારી દ્વારા ‘લક્ષ્મી પુસ્તક ભંડાર’ અને શિવજીભાઈ આશર દ્વારા ‘વોરા ઍન્ડ કંપની’એ પદાર્પણ કર્યું. લાઇબ્રેરી માટે ઉપયોગી પુસ્તકો ઉપરાંત જાણીતા સાહિત્યકારોનાં ઘણાં પુસ્તકોનું પ્રકાશન આ સંસ્થાઓ દ્વારા કરાયું. ગુજરાતી ભાષામાં નવાં ઘણાં લેખકોનાં પુસ્તકો પ્રકાશિત કરવાનું શ્રેય આ સંસ્થાઓને જાય છે.
1લી મે 1960ના રોજ મહારાષ્ટ્ર રાજ્યમાંથી ગુજરાત રાજ્યને છૂટું પાડવામાં આવ્યું અને રાજ્યની મુખ્ય ભાષા ગુજરાતી બની. આ સમયગાળા બાદ ગુજરાતી પ્રકાશનપ્રવૃત્તિને એક નવું જોમ, એક નવી ઓળખ અને આગવું માન મળ્યું.
ગુજરાતી ભાષામાં પ્રકાશિત થતાં પુસ્તકોમાં નવાં લેખકોનો પ્રવેશ થયો અને તેની સાથેસાથે નવાં નવાં વિષયોમાં પુસ્તકોનું પ્રકાશન પણ થવા માંડ્યું. નગેન્દ્ર વિજય દ્વારા ‘હર્ષલ પ્રકાશન’ હેઠળ વિજ્ઞાનવિષયક ઉત્તમ પુસ્તકોનું પ્રકાશન કરવામાં આવ્યું. જ્ઞાનવિજ્ઞાનનાં આ પુસ્તકોએ ગુજરાતી ભાષાની એક આખી પેઢીને પ્રેરણા અને જ્ઞાન આપ્યાં.
ઈ.સ. 1950માં ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયમાં જોડાયેલાં ધનજીભાઈ શાહે અનુભવ લઈને ઈ.સ. 1961માં મુંબઈ ખાતે ‘નવભારત સાહિત્ય મંદિર’ની સ્થાપના કરી અને સમયાંતરે સંસ્થાનું કાર્ય અમદાવાદ ખાતે પણ વિસ્તર્યું. ગુજરાતી ભાષાનાં અનેક પુસ્તકોનું પ્રકાશન કરીને આ સંસ્થા દ્વારા પ્રદાન કરવામાં આવ્યું છે. તેમની ભગિની સંસ્થા ‘બુકશેલ્ફ’ને ગુજરાત રાજ્યમાં પુસ્તકોનો સૌપ્રથમ ઍર કન્ડિશન શોરૂમ શરૂ કરવાનું શ્રેય જાય છે. જોકે, ગુજરાતી ભાષાનાં પુસ્તકોનો સૌથી પ્રથમ ઍર કન્ડિશન્ડ શોરૂમ શરૂ કરવાનું શ્રેય આર. આર. શેઠની કંપની પ્રા. લિ.ને જાય છે. ઈ.સ. 1982માં આ શોરૂમની શરૂઆત મુંબઈ ખાતે કરવામાં આવી હતી.
ઈ.સ. 1962માં નાનુભાઈ નાયક દ્વારા સાહિત્ય સંગમ અને ઈ.સ. 1969માં વનરાજ માલવીએ ગ્રંથલોકની સ્થાપના કરી. સાહિત્ય સંગમ દ્વારા સાહિત્યિક અને ધાર્મિક પુસ્તકોનું પ્રકાશન કરવામાં આવ્યું. ધાર્મિક પુસ્તકો પ્રકાશિત કરવામાં આ સંસ્થાનું મહત્ત્વનું પ્રદાન રહ્યું છે. ગ્રંથલોકની વિશિષ્ટતા વ્યક્તિત્વવિકાસનાં પ્રેરણાત્મક પુસ્તકોની રહી. ગુજરાતી ભાષામાં જ્યારે ડેલ કાર્નેગીનાં પુસ્તકો પ્રકાશિત થયાં નહોતાં, એ સમયમાં આ સંસ્થા દ્વારા પ્રકાશિત થયેલાં પુસ્તકોએ વાંચકોનો ખૂબ જ આકર્ષ્યા હતા. ગુજરાતની એક આખી પેઢી માટે મૌલિક ગુજરાતી ભાષામાં લખાયેલાં પ્રેરણાત્મક પુસ્તકો પ્રગટ કરવાનો યશ આ સંસ્થાને આપી શકાય. ઈ.સ. 1968માં ભાવનગર ખાતે સ્થપાયેલા ‘લોકમિલાપ ટ્રસ્ટ’ દ્વારા પુસ્તકોનાં પ્રચાર, પ્રસાર અને પ્રકાશનમાં અનેક નોંધપાત્ર પ્રયોગો કરવામાં આવ્યાં.
ઈ.સ. 1971માં ગોપાલભાઈ માંકડિયા દ્વારા ‘પ્રવીણ પુસ્તક ભંડાર’ની શરૂઆત કરવામાં આવી. મૂલ્યવાન અને અપ્રાપ્ય ગ્રંથોનું પુન:પ્રકાશિત કરાવાનું વિરાટ કામ આ સંસ્થા દ્વારા થયું. વર્ષોથી અપ્રાપ્ય એવા ભગવદ્ગોમંડળનું પ્રકાશન આ સંસ્થાએ કર્યું. આવાં અનેક પુસ્તકોને વાચકો સુધી પહોંચાડવામાં આ સંસ્થાએ સેતુરૂપ ભૂમિકા ભજવી છે.
ઈ.સ. 1979 બાબુભાઈ વોરા દ્વારા સ્થાપિત અંકુર પ્રકાશને બાળસાહિત્યના પ્રકાશનને પ્રાધાન્ય આપ્યું. ઈ.સ. 1980માં બાબુભાઈ શાહ દ્વારા ‘પાર્શ્વ પ્રકાશન’ અને ઈ.સ. 1982માં વસુમતીબહેન અમીન દ્વારા ‘વસુંધરા પ્રકાશન’નો આરંભ થયો. સાહિત્યપ્રેમથી પ્રેરાઈને મહિલા દ્વારા શરૂ થયેલું આ પ્રથમ પ્રકાશનગૃહ બન્યું. કવિ અને સાહિત્યકાર મનહર મોદી દ્વારા ઈ.સ. 1986માં ‘રન્નાદે પ્રકાશન’ દ્વારા સાહિત્યનાં પુસ્તકોનું પ્રકાશનકાર્ય શરૂ કરાયું.
મહેસાણા ખાતે ‘દર્શિતા પ્રકાશન’, અમદાવાદના ‘અરૂણોદય પ્રકાશન’, વડોદરાના ‘યજ્ઞ પ્રકાશન’, સાહિત્યકાર શિરીષ પંચાલના ‘સંવાદ પ્રકાશન’, માય ડિયર જયુના ‘લટૂર પ્રકાશન’, અમદાવાદના ‘ડિવાઇન પબ્લિકેશન’, ઓશો સાહિત્યના ‘ઉપનિષદ ચૅરિટેબલ ટ્રસ્ટ’, પન્નાલાલ પટેલનાં પુત્ર ભરત અને પુત્રવધૂ દૃષ્ટિ પટેલ દ્વારા સ્થાપિત ‘સંજીવની’ દ્વારા સાહિત્યમાં ઉપયોગી પુસ્તકોનું નોંધપાત્ર પ્રકાશન કરવામાં આવે છે.
પુસ્તકોનાં પ્રકાશન, પ્રચાર અને પ્રસાર માટે અનેક પ્રકાશકોએ પ્રવૃત્તિમાં ઝંપલાવ્યું અને સારાં પ્રકાશનો દ્વારા ઉપયોગી પ્રદાન કર્યું. સમયાંતરે કોઈક અંગત કારણોસર આ સંસ્થાઓએ પોતાની પ્રવૃત્તિ સંકેલી લીધી, પણ ઇતિહાસમાં તેમનું નામ અંકિત થઈ ગયું છે. આ સંસ્થાઓમાં ‘શ્રદ્ધા પ્રકાશન’, ‘અલકા પબ્લિકેશન’, ‘સોમૈયા પબ્લિકેશન’, ‘રૂપમ પ્રકાશન મંદિર’, ‘શયદા પ્રકાશન’, ‘શ્રી પ્રકાશન’, ‘અભિનવ ભારતી પ્રકાશન’, ‘પ્રદીપ પ્રકાશન’, ‘સુમન પ્રકાશન’, ‘ઇમેજ પબ્લિકેશન પ્રા. લિ.’, ‘આર. અંબાણીની કંપની’, ‘બૉમ્બે ટ્રેડિંગ સ્ટોર’, ‘બુટાલા પ્રકાશન’, ‘રાષ્ટ્રભાષા પુસ્તક મંદિર’ જેવી સંસ્થાઓનો સમાવેશ કરી શકાય.
ગુજરાતી ભાષાના ત્રણ વિરાટ લેખકો – ઉમાશંકર જોશી (ગંગોત્રી ટ્રસ્ટ), પન્નાલાલ પટેલ (સાધના પ્રકાશન) અને રઘુવીર ચૌધરી (રંગદ્વારા પ્રકાશન) દ્વારા પ્રકાશન સંસ્થાની સ્થાપના કરીને ભાષા અને પ્રકાશનપ્રવૃત્તિમાં યોગદાન આપવામાં આવ્યું.
ભારતની આઝાદી બાદ શૈક્ષણિક ક્ષેત્રે પણ પ્રકાશકોનું પ્રદાન નોંધપાત્ર રહ્યું છે. સરકાર દ્વારા જાહેર કરાતી વિવિધ નીતિઓને અનુલક્ષીને અનેક પ્રકાશકો દ્વારા એ દિશામાં પ્રકાશનો કરવામાં આવ્યાં. સરકારી વિભાગો, શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા પણ શિક્ષણવિષયક પુસ્તકોનું પ્રકાશન થયું. ખાનગી પ્રકાશકો દ્વારા પ્રકાશિત પુસ્તકોએ પણ વિદ્યાર્થીઓને યોગ્ય સહાયતા કરી. શૈક્ષણિક પ્રકાશકોમાં મુખ્યત્વે ‘બી.એસ. શાહ ઍન્ડ કંપની’, ‘અનડા પ્રકાશન’, ‘નવનીત પબ્લિકેશન’, ‘સી. જમનાદાસની કંપની’, ‘પોપ્યુલર પ્રકાશન’ ઉપરાંત અનેક પ્રકાશકોએ યથાયોગ્ય પ્રદાન કર્યું.
નેશનલ બુક ટ્રસ્ટ, ગુજરાત વિદ્યાપીઠ, સાહિત્ય અકાદમી, પબ્લિકેશન ડિવિઝન, ગુજરાતી સાહિત્ય પરિષદ, ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ, યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ જેવી સરકારી, અર્ધસરકારી કે સંસ્થાઓ દ્વારા પણ યોગ્ય અને ઉપયોગી પુસ્તકોનું પ્રકાશન કરવામાં આવે છે.
ગુજરાતી પ્રજા પુસ્તકોની વધુ નજીક આવે, બાળકોમાં વાંચનને આદત કેળવી શકાય એ માટે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ઈ.સ. 2010માં `વાંચે ગુજરાત’ યોજના જાહેર કરવામાં આવી. આ યોજનાએ ગુજરાતી પુસ્તકો અને પ્રકાશનની પ્રવૃત્તિને એક નવું જ જોમ, પ્રેરણા, ગતિ અને દિશા આપી. ગુજરાત રાજ્યમાં અને ગુજરાતી ભાષામાં વાંચે ગુજરાત દ્વારા વાંચનની પ્રવૃત્તિને ઘણો જ વેગ મળ્યો. ગુજરાતી ભાષાનાં લેખકો લિખિત પુસ્તકોની સાથેસાથે ભારતની અન્ય ભાષાઓ અને વિશ્વમાં પ્રકાશિત બેસ્ટસેલર પુસ્તકોના ગુજરાતી અનુવાદોનું પ્રકાશન કરવાની પ્રવૃત્તિને ઘણો જ વેગ મળ્યો.
પુસ્તકોના પ્રકાશનની સાથે પ્રકાશકોએ આવનારા સમયને પણ પારખીને યોગ્ય દિશામાં પગલાં લીધાં. દુનિયા આખીમાં ડિજિટલ પ્રકાશનનાં પગરણ થતાં જ ગુજરાતી પ્રકાશકોએ પણ ઇબુક્સ ક્ષેત્રે સમયસર પુસ્તકોના પ્રકાશનને દિશા આપી. 30 એપ્રિલ, 2013૩ના રોજ એક સમારંભમાં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા સૌપ્રથમ ગુજરાતી ઇબુક – કિશોર મકવાણા લિખિત ‘યુગપુરુષ વિવેકાનંદ’નું લોકાર્પણ ગુજરાતી વાચકો સમક્ષ કરવામાં આવ્યું. ગુજરાતી ભાષામાં સૌપ્રથમ ઇબુકનું પ્રકાશન આર. આર. શેઠની કંપની પ્રા. લિ. દ્વારા કરવામાં આવ્યું. ત્યારબાદ અન્ય ગુજરાતી પ્રકાશકો દ્વારા પણ ઇબુક્સનું પ્રકાશન કરવામાં આવ્યું છે. ગુજરાતી ભાષામાં પ્રકાશિત થનારી ઇબુક્સમાં સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. એમેઝોન કંપનીના કિન્ડલ, ગૂગલ બુક્સ અને અન્ય માધ્યમો ઉપર ઉપલબ્ધ ગુજરાતી ઇબુક્સ 100 ઉપરાંત દેશોમાં પહોંચી રહી છે. એકત્ર ફાઉન્ડેશન દ્વારા અનેક ઇબુક્સને વિનામૂલ્યે વાચકો માટે ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
ગુજરાતી પ્રકાશકો દ્વારા વાંચકોને આકર્ષીને પુસ્તક વાંચનની ટેવ પાડવા માટે સમયાંતરે વિવિધ યોજનાઓ કરવામાં આવી. આગોતરા ગ્રાહક યોજના, બુક ક્લબ, ચાઘર, ડાયલ એ બુક જેવાં અનેક સફળ પ્રયોગો થયા છે. મહેન્દ્ર મેઘાણીના લોકમિલાપ, પન્નાલાલ પટેલના સાધના પ્રકાશન, આર. આર. શેઠની કંપની પ્રા. લિ., પ્રવીણ પ્રકાશન, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, નવભારત સાહિત્ય મંદિર, એન.એમ. ઠક્કરની કંપની જેવી નામી સંસ્થાઓ દ્વારા વિવિધ યોજનાઓને વાચકોએ પણ વધાવી લીધી.
પુસ્તકોનાં પ્રચાર, પ્રસાર અને વેચાણ માટે પ્રકાશકો દ્વારા આધુનિક પ્રયત્નો કરવામાં આવે છે. તેમાંની વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે રિવ્યૂ, લોકાર્પણ કાર્યક્રમ, રેડિયો ટૉક, સોશિયલ મીડિયા વગેરેનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા ‘વિદ્યા’ નામથી પુસ્તકમેળાનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. આ શ્રેણીમાં 20 પુસ્તકમેળાઓ યોજાઈ ચૂક્યા છે અને સોનેરી સફળતા પામ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા પણ આ જ રીતે 10 વર્ષથી સફળ પુસ્તકમેળાનું આયોજન કરવામાં આવે છે.
ભારતની આઝાદી બાદ વિકસેલા ગુજરાતી પ્રકાશન વ્યવસાયને સમયાંતરે અનેક પ્રકાશકોએ પોતાના વિરાટ અનુભવો અને નિસબત દ્વારા દિશા પૂરી પાડી છે. જિતેન્દ્ર દેસાઈ (નવજીવન ટ્રસ્ટ), ભાઈદાસ પરીખ (બાલગોવિંદ), ભગતભાઈ શેઠ (આર. આર. શેઠ), વનરાજ માલવી (ગ્રંથલોક), ઠાકોરભાઈ અને કાંતિભાઈ શાહ (ગુર્જર), નાનુભાઈ નાયક (સાહિત્ય સંગમ), કૃષ્ણકાંત મદ્રાસી (આદર્શ), ભરતભાઈ અનડા (અનડા), રશ્મિકાન્ત શાહ (સી. જમનાદાસ), સુધીર શાહ (બી.એસ. શાહ) જેવાં વ્યક્તિત્વોનો લાભ ગુજરાતી પ્રકાશકોને મળ્યો.
ભારતીય પ્રકાશકોની સર્વોચ્ચ સંસ્થા ફેડરેશન ઑફ ઇન્ડિયન પબ્લિશર્સ દ્વારા ગુજરાતી પ્રકાશન ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરવા માટે નવજીવન ટ્રસ્ટ, આર. આર. શેઠની કંપની પ્રા. લિ., ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, પ્રવીણ પ્રકાશન પ્રા. લિ.નું સમ્માન કરવામાં આવ્યું છે.
અંદાજે 55 યુનિવર્સિટી, 2000 કૉલેજો, 30,000 શાળાઓ, 2500 પુસ્તકાલયો ધરાવતાં ગુજરાત રાજ્યના પ્રકાશકો દ્વારા દર વર્ષ 5000 ઉપરાંત પુસ્તકોનું પ્રકાશન કરવામાં આવે છે. જોકે કમનસીબે ગુજરાત રાજ્યના પ્રકાશકો સારી વિતરણવ્યવસ્થા ગોઠવી શક્યા નથી અને તે કારણે ઉપસ્થિત થતાં રહેતાં પ્રશ્નોનો સતત સામનો કરવાની પરિસ્થિતિ આવતી રહે છે.
અનેક પ્રશ્નો, મૂંઝવણો હોવા છતાં ગુજરાત રાજ્યના પ્રકાશકો પુસ્તકના પ્રકાશનમાં પોતાનું ઉત્તમ આપવા માટે સદાય તત્પર રહે છે. પરંપરા અને આધુનિકતાનો ઉત્તમ સમન્વય સાધીને વાચકો માટે શ્રેષ્ઠ પુસ્તકોનું સર્જન કરતાં રહેવું એવી ભાવના સાથે સંસ્કૃતિના વિકાસમાં પોતાનું પ્રદાન આપ્યા કરતા હતા, આપ્યા કરે છે અને આપ્યા જ કરશે.