Bholabhai Patel
14 Books / Date of Birth:- 07-08-1934 / Date of Death:- 20-05-2012
ભોળાભાઈ પટેલ ગુજરાતી લેખક હતા. તેમનો જન્મ ગાંધીનગર નજીક આવેલા મહેસાણા જિલ્લાના સોજા ગામમાં થયો હતો.  ૧૯૭૭માં ગુજરાત યુનિ.માંથી ”અજ્ઞેય: એક અધ્યયન” એ વિષે ઉપર હિન્દી વિષયમાં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી હતી. તેમણે વિશ્વ ભારતી યુનિવર્સિટીમાંથી ભારતીય સાહિત્યના તુલનાત્મક અભ્યાસ પર ફેલોશીપ મેળવી હતી.તેઓએ ૧૯૬૯ થી ૧૯૮૦ સુધી ગુજરાત યુનિ.ના ભાષા સાહિત્ય ભવનમાં હિન્દીના વ્યાખ્યાતા તરીકે, ૧૯૮૦ થી ૧૯૮૬ સુધી હિન્દીના રીડર પદે તેમજ ૧૯૮૬ થી હિન્દી વિભાગના અધ્યક્ષ તરીકે અને ૧૯૮૭થી હિન્દી વિભાગમાં પ્રોફેસર પદેથી ૧૯૯૪માં વય નિવૃત્ત થયાં ત્યાં સુધી કામગીરી કરી. સાહિત્ય અકાદમીના પૂર્વપ્રમુખ. ૨૦૧૨-૨૦૧૩ના વર્ષો માટે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે વરણી થઈ. આ કાર્યકાળ દરમ્યાન જ ૨૦ મે ૨૦૧૨ના દિવસે અમદાવાદ ખાતે તેમનું અવસાન થયું.તેમણે ૫૨ કરતાં વધુ પુસ્તકો લખ્યા છે. તેઓ ગુજરાતી, હિંદી, બંગાળી, આસામી, ઑડિયા, જર્મન, ફ્રેંચ, મરાઠી, પુરિયા, અને સંસ્કૃત ભાષાઓના જાણકાર હતા. તેમણે આ ભાષાઓમાંથી ગુજરાતીમાં અને ગુજરાતીમાંથી આ ભાષાઓમાં ઘણાં પુસ્તકો અનુવાદિત કર્યા છે. તેમણે તેમના યુરોપ અને અમેરિકાના પ્રવાસવર્ણનો લખ્યા છે. તેઓ કવિ કાલિદાસ અને નૉબેલ પુરસ્કર્તા રવિન્દ્રનાથ ટાગોરના વિષયોમાં નિષ્ણાત ગણાતા હતા.એમના પ્રથમ પુસ્તક ‘સુરદાસની કવિતા’ (૧૯૭૨) પછી ‘અધુના’ (૧૯૭૩), ‘ભારતીય ટૂંકીવાર્તા’ (૧૯૭૩), ‘પૂર્વાપર’ (૧૯૭૬), ‘કાલપુરુષ’ (૧૯૭૯), ‘આધુનિકતા અને ગુજરાતી કવિતા’ (૧૯૮૭) ‘સાહિત્યિક પરંપરાનો વિસ્તાર’ (૧૯૯૬), ‘મળી માતૃભાષા મને ગુજરાતી’ (૧૯૯૭), ‘આવ ગિરા ગુજરાતી’ (૨૦૦૩) વગેરે વિવેચનગ્રંથો પ્રગટ થયા છે. ‘ભારતીય ટૂંકીવાર્તા’ એમનું વિશિષ્ટ વિવેચનાત્મક પુસ્તક છે. ભારતની ચૌદ વિવિધ ભાષાઓમાં લખાયેલી ટૂંકીવાર્તાઓનો અહીં એમણે રસાસ્વાદ કરાવ્યો છે. ‘મળી માતૃભાષા મને ગુજરાતી’ અને ‘આવ, ગિરા ગુજરાતી’માં ‘પરબ’ નિમિત્તે લખાયેલા સંપાદકીય-તંત્રીલેખોના ચયનો છે.એમણે કરેલાં સંપાદનોમાં મુખ્યત્વે ‘અસમિયા-ગુજરાતી કવિતા’ (૧૯૮૧) તથા ‘ગુજરાતી સાહિત્યનો આઠમો દાયકો’ (૧૯૮૨) ‘તુલનાત્મક કાવ્યશાસ્ત્ર કેટલાંક પરિમાણ’ (૧૯૯૪, સંયુ.), ‘રવીન્દ્રસંચય’ (સંયુ.), ‘વૃંદાવન મોરલી વાગે છે’ (૨૦૦૫, સંયુ.) ઉલ્લેખનીય છે.એમણે વિનાયક આઠવલેકૃત ‘વિષ્ણુ દિગમ્બર’ (૧૯૬૭), ગોપાલસિંગકૃત ‘ગુરુનાનક’ (૧૯૬૯), મહેશ્વર નેઓગકૃત ‘શંકરદેવ’ (૧૯૭૦), જીવનાનંદકૃત કાવ્યસંગ્રહ ‘વનલતાસેન’ (૧૯૭૬) અને ‘નગ્ન નિર્જન હાથ’ (૨૦૦૫), સુનીલ ગંગોપાધ્યાયકૃત નવલકથા ‘સ્વર્ગની નીચે મનુષ્ય’ (૧૯૭૭), બુદ્ધદેવ બસુકૃત નાટક ‘તપસ્વી અને તરંગિણી’ (૧૯૮૨), સુકુમાર સેન લિખિત ‘બંગાળી સાહિત્યના ઇતિહાસની રૂપરેખા’ (૧૯૮૨) રવીન્દ્રનાથા ઠાકુર કૃત નવલકથા ‘ચાર અધ્યાય’ (૧૯૮૮), સૈયદ અબ્દુલ મલિકની નવલકથા ‘સૂરજમુખીનું સ્વપ્ન’ (૧૯૯૪), ‘આધુનિક બંગાળી કવિતા’ (૨૦૦૪) વગેરે અનુવાદો આપ્યાં છે. આ ઉપરાંત એમણે રઘુવીર ચૌધરીના સહયોગમાં ઉમાશંકર જોષીના કાવ્યસંગ્રહો ‘પ્રાચીના’ (૧૯૬૮) અને ‘નિશીથ’ (૧૯૬૮) ના હિન્દી અનુવાદો કર્યાં છે; તો હિંદી કવિ સુમિત્રાનંદન પંતના કાવ્યસંગ્રહ ‘ચિદમ્બરા’ (૧૯૬૯) નો ગુજરાતીમાં અનુવાદ આપ્યો છે. નગીનદાસ પારેખ તથા અન્ય અનુવાદકોના સહયોગથી એમણે રવીન્દ્રનાથ ઠાકુરકૃત ‘ગીત પંચશતી’ (૧૯૭૮) ને ગુજરાતીમાં ઉતારી છે. એમના મોટા ભાગના અનુવાદો એકંદરે પ્રવાહી, સુરેખ અને આસ્વાદ્ય છે.ભોળાભાઈને ઇ.સ. ૨૦૦૮માં ભારત સરકાર તરફથી દેશનો ચોથો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મશ્રી એનાયત થયો હતો. તેમને કે. કે. બિરલા ફાઉન્ડેશન ફેલોશીપ મળી હતી. ૧૯૯૫માં તેમને ગુજરાત સાહિત્યસભા તરફથી ગુજરાતી સાહિત્યનો સર્વોચ્ચ પુરસ્કાર રણજિતરામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો હતો. ૧૯૯૨માં તેમના પુસ્તક દેવોની ઘાટી ને સાહિત્ય અકાદમી, દિલ્હી તરફથી પારિતોષિક મળ્યું હતું. ગુજરાત યુનિવર્સિટી રોડ પરના એક ચાર રસ્તાને તેમનું નામ આપવામાં આવ્યું છે. તેમને તેમની રચના વિદિશા માટે ગુજરાત સરકાર તરફથી બે, ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી ત્રણ પારિતોષિકો અને દિલ્હી સાહિત્ય અકાદમી તરફથી એક પારિતોષિક પ્રાપ્ત થયાં હતાં. ઉત્તરપ્રદેશ હિન્દી સંસ્થાન લખનઉ દ્વારા સૌહાર્દ પુરસ્કાર (૧૯૮૮), હિન્દી સાહિત્યસેવી સન્માન, ગાંધીનગર ૨૦૦૦; શ્રી સ્વામી સચ્ચિદાનંદ સન્માન, ગુજરાતી સાહિત્ય પરિષદ, ૨૦૦૫; સાહિત્ય ગૌરવ પુરસ્કાર ૨૦૦૫ અને સાહિત્ય અકાદેમી દિલ્હી તરફથી તેનું સર્વોચ્ચ સન્માન ‘મહત્તર સદસ્યતા’ ‘Fellowship’ થી ૨૦૧૦માં બહુમાન કરવામાં આવ્યું છે. તેમ જ શ્રી અનંતરાય રાવળ વિવેચન એવોર્ડ, ૧૯૯૬; ‘ભારતીય ઉપન્યાસ પરંપરા ઔર ગ્રામ કેન્દ્રી ઉપન્યાસ’, હિન્દી ગ્રંથને રાષ્ટ્રીય પુરસ્કાર, કેન્દ્રીય હિન્દી નિદેશાલય, દિલ્હી ૨૦૦૨-૨૦૦૩; સારસ્વત ગૌરવ એવોર્ડ અમદાવાદ, ૨૦૦૩. મનુભાઈ પંચોળી દર્શક ફાઉન્ડેશનનો સાહિત્ય એવોર્ડ ૨૦૦૭ વગેરે એવોર્ડ અર્પણ કરવામાં આવ્યા છે

Showing all 14 results