Khyati Shah
2 Books
નાજુક, મધુર, હળવી જીવનછબિઓને પદ્યમાં સર્જનાત્મક સ્તરે આકારબદ્ધ કરતાં અને સમસામયિક ઘટનાપ્રવાહને સહજતયા ગદ્યરૂપ આપતાં ખ્યાતિ શાહ નવોદિત શબ્દસાધકોમાં આશાસ્પદ નામ છે. રાજકોટમાં રહી કૉમર્સના વિષય સાથે સ્નાતક થયેલાં તેમજ ફાઇનાન્સ અને કૉમર્સક્ષેત્રે વિશેષ દીક્ષિત થયેલાં ખ્યાતિ શાહને શબ્દપ્રેમ અનાયાસ પ્રાપ્ત થયો. કહો કે શબ્દ સહજ રીતે આવી મળ્યો. વાચનપ્રિય, લેખનમાં અનુરાગી ખ્યાતિ શાહે ઘણા લાંબા સમયથી ગુજરાતી અને હિન્દીમાં કાવ્યસર્જન કર્યું છે. ‘ગુજરાત મિરર’, ‘ફૂલછાબ’ તથા ‘રાજકોટ મિરર’ સમાચારપત્રોમાં કૉલમ રાઇટર તરીકે પ્રદાન કર્યું છે. ‘દીલુની ડાયરી’ કૉલમ સારી પ્રશંસા પામી હતી. એમાં એમણે સાંપ્રત ઘટનાઓ, સમસ્યાઓ, જીવનરીતિ, ભાવસ્થિતિઓ, સમયની તાસીર ઇત્યાદિને વિષય બનાવીને નિજી રીતિએ આગવી છણાવટ કરી છે. કવિતા સંદર્ભે એમ કહી શકાય કે એમની હિન્દી કવિતાઓ ગુજરાતી કવિતાની તુલનાએ વિશેષ બળકટ છે. ગઝલ અને અછાંદસ કવિતાઓમાં પ્રેમના વિવિધ વિવર્ત, કુદરતી રમણીયતા, જીવનની સારી-નરસી ભાવસ્થિતિઓ, મનુષ્યગત અનેકવિધ પડાવો ઇત્યાદિના સર્જનપરક રમ્ય ઉદ્ગારો છે. નજાકત સાથે પ્રવાહી રીતે વહેતી અને અંતે મનભાવન વળાંક પામતી કવિતાઓમાં સારલ્ય સાથેની ચમત્કૃતિ હોય છે. સંવેદનાનાં કોમળ શિલ્પ કે લાગણીનાં તુષારબુંદના રૂપે એમની કવિતાને ઓળખાવી શકાય. ખ્યાતિ શાહ સતત સર્જનરત રહે છે એટલે એમની પાસેથી વિશેષ સર્જનની અપેક્ષા રહે છે.

Showing all 2 results