Usha Shukla
1 Book / Date of Birth:-
07-11-1949
ડૉ. ઉષા શિલીન શુક્લનો જન્મ પંચમહાલ જિલ્લાના હલોલ ગામે થયો હતો. ગણિતવિજ્ઞાનનાં શિક્ષિકા અને શહેરી પછાત વિસ્તારમાં શાળા આચાર્યા (1981-2008) તરીકે કાર્યશીલ આ વિદ્યાસાહસિકે ગણિતવિજ્ઞાન શિક્ષણ માટે મૌલિક શૈક્ષણિક સાધનો, રમતો તથા મૉડેલ્સ વિકસાવ્યાં અને તેમને સંશોધનપદ્ધતિએ ચકાસ્યાં. શિક્ષણશાસ્ત્ર અંતર્ગત ગણિતવિષયમાં સ્વનિર્મિત મૌલિક શૈક્ષણિક સાધનો પર સંશોધન કરીને પીએચ.ડી.ની ઉપાધિ મેળવી. તેમણે સયાજીરાવ યુનિવર્સિટીમાં સંગીતશાસ્ત્રમાં ત્રણ વર્ષ અભ્યાસ કર્યો છે. તેઓ શ્રીમતી કમળાદેવી શુક્લ નવજીવન ટ્રસ્ટમાં માનાર્હ શૈક્ષણિક નિયામક છે. તેમને સન 1998માં ઇનોવેટર શિક્ષકનો એકલવ્ય અવૉર્ડ, 2005માં ગુજરાત રાજ્ય અને 2006માં ભારત સરકારના શ્રેષ્ઠ શિક્ષકનો ઍવોર્ડ પ્રાપ્ત થયો છે. તેઓ અમદાવાદ મેડિકલ એસોસિયેશનની લેડિઝક્લબના (1995-96) અને ગુજરાત વિદ્યાપીઠના ગાંધીશાંતિ છત્રસંઘના (2007-14) પ્રમુખપદે આગવી છાપ મૂકી ચૂક્યાં છે. તેમણે અખિલ હિન્દ મહિલા પરિષદની એલિસબ્રિજ શાખામાં મંત્રી તરીકે (2017-18) તથા ગુજરાત શાખામાં ઉપપ્રમુખ (2018-19) તરીકે સેવા આપી છે. 2016માં તેમને ગુજરાત સ્ત્રી કેળવણી મંડળ દ્વારા જાગ્રત શિક્ષકનો ઍવોર્ડ પૂજ્ય મોરારિ બાપુના હસ્તે પ્રાપ્ત થયો હતો. તેમના સામાજિક નાટ્યસંગ્રહ ‘ગૃહલક્ષ્મી ગૃહેગૃહ’ને ગુજરાત સાહિત્ય અકાદમીનું દ્વિતીય પારિતોષિક પ્રાપ્ત થયેલું છે.