
Ravi Kant
1 Book
રવિ કાંત પાસે અનેક ઉદ્યોગોનો છેલ્લા પાંચ દાયકાનો બહોળો અનુભવ છે. તે તાતા મોટર્સમાં પંદર વર્ષ સુધી CEO અને મૅનેજિંગ ડાયરેક્ટર તરીકે કાર્યરત હતા. ત્યારબાદ તે બોર્ડના વાઇસ ચૅરમૅન બન્યા. તેમણે ઇંગ્લૅન્ડની જગુઆર લૅન્ડ રોવર, દક્ષિણ કોરિયાની Tata Daewooને પ્રાપ્ત કરવામાં અગ્રગણ્ય ભૂમિકા ભજવેલી. તે ઉપરાંત તેમણે તાતા મોટર્સ, થાઇલૅન્ડ અને બીજી અનેક કંપનીની સ્થાપના કરી, જેને કારણે કંપનીની આવક 150 કરોડ ડૉલર્સથી વધીને 3900 કરોડ ડૉલર્સની થઈ ગઈ.
તાતા મોટર્સમાં જોડાયા પહેલાં તે ફીલીપ્સ કંપનીના કન્ઝ્યુમર ઇલેક્ટ્રૉનિક્સના ડાયરેક્ટર હતા અને બોર્ડના સભ્ય હતા. તેમણે LML લિમિટેડ, ટાઇટન વૉચીસ, કાઇનેટિક એન્જિનિયરિંગ, હોકિન્સ અને હિન્દુસ્તાન ઍલ્યુમિનિયમમાં વરિષ્ઠ સ્થાન પર કામ કર્યું છે. LML કંપનીમાં તેમના કાર્યકાળ દરમિયાન ખોટ કરતી કંપની નફો કરતી થઈ. ટાઇટન વૉચિસમાં તેમની દેખરેખ નીચે સેલ્સ, માર્કેટિંગ અને સર્વિસ વિભાગોની સ્થાપના થઈ.
અત્યારે રવિ ફિનલૅન્ડ દેશના પાટનગર હેલસિન્કી સ્થિત કોન લિમિટેડના બોર્ડ પર છે. આ કંપની વિશ્વના ઉત્તમ લિફ્ટ, એલીવેટરના ઉત્પાદક તરીકે જાણીતી છે. તે ઉપરાંત રવિ હોકિન્સ કૂકર્સ લિમિટેડના બોર્ડ મેમ્બર છે. તેમણે અનેક કંપનીઓ, જેવી કે વેદાન્તા, વોલ્ટાસ, તાતા ઇન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટર તરીકે જવાબદારી સંભાળી છે. તે Accenture કંપનીના સલાહકાર રહી ચૂક્યા છે અને અત્યારે EQUiTOR વૅલ્યૂ ઍડ્વાઇઝરી અને એન્જિનિયરિંગ કંપની Umeandusના સલાહકાર તરીકે કાર્યરત છે.
રવિને શિક્ષણ અને સ્વાસ્થ્ય ક્ષેત્રમાં ઊંડો રસ છે. તે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમેન્ટ રોહતક અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ફૉર્મેશન ટૅક્નૉલૉજીના ચૅરમૅન હતા. તે NID અમદાવાદ, યુનિવર્સિટી ઑફ કૉલમ્બિયાની Earth Instituteના બોર્ડમાં હતા અને નેશનલ યુનિવર્સિટી ઑફ સિંગાપોરની બિઝનેસ સ્કૂલના CGIO હતા. તે IIT મુંબઈ અને ખરગપુરની બિઝનેસ સ્કૂલ અને ચાઇના યુરોપ ઇન્ટરનેશનલ બિઝનેસ સ્કૂલ, શાંઘાઈ(CEIBS)ના સલાહકાર મંડળમાં હતા અને અત્યારે CEIBSમાં વિઝિટિંગ પ્રોફેસર છે. અમેરિકાની NGO, Enactus, જે સામાજિક કાર્યોને સહાય કરે છે, તેમાં તે બોર્ડના સભ્ય રહી ચૂક્યા છે.
રવિ અમેરિકા સ્થિત NGO, Smile Train સંસ્થા સાથે પણ જોડાયેલા છે. આ સંસ્થા ખામીયુક્ત તાળવાને સુધારવાની શસ્ત્રક્રિયામાં સહાય કરે છે. તે ઉપરાંત અમેરિકાની એક NGO, જે અંધત્વ, દાઝવાથી થતા ઝખમ અને હાથીપગાની શસ્ત્રક્રિયા માટે સમગ્ર વિશ્વમાં સહાય કરે છે, તેના રવિ બોર્ડ મેમ્બર હતા. ભારતમાં નેત્રરોગોની ચિકત્સા માટેની સૌથી વિશાળ હૉસ્પિટલમાંથી એક ‘અખંડ જ્યોતિ હૉસ્પિટલ’ના સલાહકાર મંડળના તે ચૅરમૅન છે. વિઝન ફાઉન્ડેશન ઑફ ઇન્ડિયાના સલાહકાર મંડળમાં પણ છે.
તાજેતરમાં રવિ બે સ્ટાર્ટ-અપ કંપનીઓ સાથે જોડાયા છે, જે કૅન્સરના નિદાન અને ઉપચાર ક્ષેત્રમાં કાર્યરત છે. તે અમેરિકાના બૉસ્ટન શહેર સ્થિત MedTherapy (જીન થૅરાપીમાં સક્રિય) કંપનીના સલાહકાર મંડળમાં છે અને તે કંપનીના ભારતીય એકમના સલાહકાર મંડળના પ્રમુખ છે. તે ઉપરાંત રવિ કાર્કીનોસ કંપનીના ચૅરમૅન છે. આ સ્ટાર્ટ-અપ કંપની અમેરિકા સ્થિત મેયો ક્લિનિક સાથે સહયોગમાં કૅન્સરની પરખ, નિદાન, સારવાર અને સંશોધનમાં વિશિષ્ટ કાર્ય કરે છે.
રવિ કૉર્પોરેટ સંકુલોમાં સક્રિય રીતે સહભાગી રહ્યા છે. તે ઑડિટ બ્યૂરો ઑફ સર્ક્યુલેશન, ઍડ્વરટાઇઝિંગ સ્ટાન્ડર્ડ કાઉન્સિલ ઑફ ઇન્ડિયા, સોસાયટી ઑફ ઑટોમોબાઇલ ઍસોસિએશન ઑફ ઇન્ડિયાના ચૅરમૅન રહી ચૂક્યા છે અને કાઉન્સિલ ઑફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીના ઍક્ઝિક્યુટિવ મેમ્બર હતા.
રવિએ અજમેરની મેયો કૉલેજમાં અભ્યાસ કર્યો. ત્યારબાદ તેમણે IIT ખરગપુરથી બી.ટૅક. હોનર્સ અને ઇંગ્લૅન્ડની એસ્ટોન યુનિવર્સિટીમાંથી ‘મૅનેજમેન્ટ ટૅક્નિક ઇન ઇન્ડસ્ટ્રી’ની માસ્ટર્સ ડિગ્રી પ્રાપ્ત કરી. તેમણે આ સંસ્થાઓ તરફથી ‘વિશિષ્ટ ભૂતપૂર્વ વિદ્યાર્થી’ તરીકેનું સન્માન મેળવ્યું છે. તે ઉપરાંત એસ્ટોન યુનિવર્સિટીએ તેમને D.Sc.(Hon)ની ડિગ્રી એનાયત કરેલ છે. તે ઇંગ્લૅન્ડની વૉરવિક યુનિવર્સિટીમાં ઇન્ડસ્ટ્રિયલ પ્રોફેસર અને IIT ખરગપુરમાં વિશિષ્ટ પ્રોફેસર તરીકે કાર્યરત હતા.










