Kalpesh Patel
8 Books / Date of Birth:- 03-09-1972
લેખક કલ્પેશ પટેલ સરકારી શાળામાં આચાર્ય તરીકે કાર્યરત છે, ગાંધીનગરમાં વસે છે. અંગ્રેજી સાહિત્યમાં સ્નાતક થયા છે. શિક્ષણક્ષેત્રમાં તેમની તજ્જ્ઞ તરીકેની સેવાઓ સરકારની અનેક સંસ્થાઓને આપે છે. ગુજરાતી ભાષાનાં પાઠ્યપુસ્તકોના લેખનમાં તેમની નોંધપાત્ર ભૂમિકા રહી છે. એકાધિક સરકારી સામયિકોમાં પણ તેમની સંપાદકીય દૃષ્ટિનો લાભ મળે છે. તેઓ તેમની શ્રેષ્ઠ કામગીરી માટે સાંદીપનિ ગુરુ ગૌરવ ઍવૉર્ડથી સન્માનિત થઈ ચૂક્યા છે. તેમણે દૂરદર્શનના માધ્યમથી પણ શિક્ષણ અને સાહિત્યના અનેક કાર્યક્રમો આપ્યા છે. ગુજરાત સાહિત્ય અકાદમીના ચાર પુરસ્કારો તેમને પ્રાપ્ત થયા છે. તેમની કૃતિઓ પર અનેક વિદ્યાર્થીઓએ પીએચ.ડી. અને એમ.ફિલ.ની ડિગ્રીઓ પ્રાપ્ત કરી છે. તેમની વાર્તાઓ ગુ.સા.પ.નાં અનેક સંપાદનોમાં સ્થાન પામી છે. તેમની વાર્તાઓએ વિવિધ સ્પર્ધાઓમાં પુરસ્કૃત થઈને કીર્તિ રળી છે. વાર્તાકાર અને નવલકથાકાર તરીકે જાણીતા કલ્પેશ પટેલનાં 30 જેટલાં પુસ્તકો પ્રગટ થઈ ચૂક્યાં છે, તેમની 13 નવલકથાઓ પ્રકાશિત થઈ છે. આપણા ભારતીય જ્ઞાનભંડાર સમા ‘મહાભારત’ અને ‘રામાયણ’ પર તેઓ કલમ ચલાવતા રહે છે. ભારતીય જ્ઞાનપરંપરાના આદર્શોનું નિરૂપણ તેમની નવલકથાઓનો વિશેષ રહ્યો છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષના ચાર પુરુષાર્થો, ઋત, કર્તવ્ય, સમર્પણ અને જીવનનિષ્ઠા, બ્રહ્મચર્ય, ત્યાગ, સ્વાર્પણ આદિ ભારતીય ધારાના આદર્શોનું નિરૂપણ તેમની નવલકથાઓનો વિશેષ રહ્યો છે. ‘લંકેશ્વર’માં તેઓ ‘રામાયણ’ પાસે ગયા છે. આ નવલકથા વિભીષણના દૃષ્ટિકોણથી રજૂ થઈ છે. વિભીષણ રામાયણનું અતિ મહત્ત્વનું પાત્ર છે. એક તરફ ન્યાય – ધર્મ અને બીજી તરફ લોકવ્યવહાર... એ દ્વંદ્વ આ નવલકથાનો મહત્ત્વનો મુદ્દો છે. વિભીષણની ધર્મ પ્રતિની ગતિનું શ્રદ્ધેય નિરૂપણ આ નવલકથાનો વિશેષ છે.