4 Books / Date of Birth:-
21-07-1911 / Date of Death:-
19-12-1988
ઉમાશંકર જોશી કવિ અને લેખક હતા. તેઓને 1967માં ગુજરાતી સાહિત્યમાં તેમના ઉમદા પ્રદાન માટે ‘જ્ઞાનપીઠ પુરસ્કાર’થી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમના જીવન ઉપર રવિન્દ્રનાથ ટાગોર અને મહાત્મા ગાંધીની અસર હતી. તેઓ ગાંધી યુગના પ્રધાન સાહિત્યકાર હતા. તેઓએ સાહિત્યનાં અનેક ક્ષેત્રોમાં ખેડાણ કર્યું હતું. તેઓ કવિ, વાર્તાકાર, નવકથાકાર, નાટ્યકાર, નિબંધકાર, વિવેચક, સંશોધક, સંપાદક અને અનુવાદક હતા. તેમનો જન્મ ઈડરના બામણા ગામમાં થયો હતો. 1947માં તેમણે ‘સંસ્કૃતિ’ માસિક શરૂ કર્યું. 1954માં ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્યભવનમાં ગુજરાતીના પ્રોફેસર અને ભવનના અધ્યક્ષ. 1966થી બે સત્ર માટે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ. 1979-81 દરમિયાન કલકત્તાની ‘વિશ્વભારતી’ના પણ કુલપતિ. 1970-76 દરમિયાન રાજ્યસભામાં રાષ્ટપતિ દ્વારા નિયુક્તિ.1957માં કલકત્તાની અખિલ ભારતીય લેખક પરિષદના વિભાગીય પ્રમુખ. 1968માં ગુજરાત સાહિત્ય પરિષદના દિલ્હીના અધિવેશનના પ્રમુખ. 1978માં સાહિત્ય અકાદમી દિલ્હીના પ્રમુખ. 1939માં રણજિતરામ સુવર્ણચંદ્રક, 1965માં ઉમાસ્નેહરશ્મિ પારિતોષિક, 1973માં સાહિત્ય અકાદમી પારિતોષિક, 1979માં સોવિયેટ લેન્ડ પુરસ્કાર જેવા અનેક પુરસ્કારોથી સન્માનિત થયા છે.