અશોકપુરી ગોસ્વામી કવિ અને લેખક છે. તેમને તેમની નવલકથા ‘કૂવો’(1994) માટે 1997માં ‘દિલ્હી સાહિત્ય અકાદમી’ ઍવૉર્ડ મળ્યો હતો.
તેમનો જન્મ આણંદ જિલ્લાના બોરસદ ખાતે કૈલાસભારતી અને કમલાબહેનને ઘેર થયો હતો. તેમનો પરિવાર પેટલાદ નજીક અશી ગામનો વતની હતો. તેમણે વી.પી. કૉલેજ, સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી બી.એસ.સી.નો અભ્યાસ શરૂ કર્યો પરંતુ નબળી આર્થિક સ્થિતિને કારણે અભ્યાસ છોડી દીધો અને તેમણે પોતાના ગામમાં ખેતી શરૂ કરી.
તેમણે એસ.એસ.સી.નો અભ્યાસ કરતી વખતે તેમની પ્રથમ કવિતા લખી હતી. તેમની ગઝલો પ્રથમવાર ‘કવિલોક’માં પ્રકાશિત થઈ હતી, અને ત્યારબાદ ‘કુમાર’, ‘શબ્દસૃષ્ટિ’ અને ‘નવનીત સમર્પણ’ સહિત અન્ય ગુજરાતી સાહિત્યિક સામયિકોમાં તેમની રચનાઓ પ્રકાશિત થઈ હતી.
‘રાવરવાટ’(1994) એ તેમની આત્મકથા છે. બિન-નિવાસી ભારતીયો માટે પ્રકાશિત સાહિત્યિક સામયિક ‘સેતુ’(૨૦૦૩) અને ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા યોજાયેલા અધિવેશન પ્રસંગે ચરોતર વિદ્યા મંડળ દ્વારા પ્રકાશિત ‘રૂપલબ્ધી’(2005)નું પણ સંપાદન કર્યું. દિલીપ રમેશના હિન્દી નાટક, ‘ખંડ ખંડ અગ્નિનું’ ભાષાંતર પણ તેમણે કર્યું છે.