Madhuray
1 Book / Date of Birth:- 16-07-1942
મધુસૂદન ઠાકર, જેઓ મધુ રાય તરીકે વધુ જાણીતા છે, ગુજરાતી વાર્તાકાર, નવલકથાકાર અને નાટ્યકાર છે.તેમનો જન્મ જામખંભાળિયામાં થયો હતો. તેમનું પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ દ્વારકામાં થયું. કલકત્તાની રેસિડન્ટ કૉલેજ, કલકત્તા યુનિવર્સિટીમાંથી જનરલ વિષયો સાથે બી.એ. પૂર્ણ કરીને ૧૯૬૭માં તેઓ અમદાવાદમાં સ્થાયી થયા હતા. નવનીતલાલ ઍન્ડ કંપનીમાં જાહેરખબર-લેખનના કાર્ય સાથે સંલગ્ન. ‘આકંઠ સાબરમતી’ નાટ્યસંસ્થાની સ્થાપના. ૧૯૭૦માં ઈસ્ટ વેસ્ટ સેન્ટર તરફથી સાંસ્કૃતિક આદાનપ્રદાન યોજવામાં રંગમંચ અને દિગ્દર્શનની તાલીમાર્થે અમેરિકા. ૧૯૭૨માં ભારત પરત. ૧૯૭૪માં ફરી અમેરિકા. ત્યાં સર્જનાત્મક સાહિત્યલેખન વિષયમાં એમ.એ. ૧૯૭૮માં અમેરિકામાં ‘ગુજરાતી’ નામક સાપ્તાહિકનો પ્રારંભ. હાલ તેઓ અમેરિકામાં નિવાસ કરી રહ્યા છે.પ્રથમ વાર્તાસંગ્રહ ‘બાંશી નામની એક છોકરી’ (૧૯૬૪) માં આધુનિક વાર્તાનાં સશકત મંડાણ જોઈ શકાય છે. ‘રૂપકથા’ (૧૯૭૨)માં પારંપરિક શૈલીની વાર્તાઓ ઉપરાંત આઠેક જેટલા હાર્મોનિકાના પ્રયોગો વાર્તાનું આગવું સ્વરૂપ બતાવે છે.  ‘કાલસર્પ’ (૧૯૭૨)માં હરિયાજૂથની વાર્તાઓ સર્જક-આવિષ્કારનું એક સંપન્ન પાસું ઊભું કરે છે.ચહેરા (૧૯૬૬) નવી નવલકથાની વિભાવના ચરિતાર્થ કરતી પ્રયોગશીલ નવલકથા છે; અને નાયકના વિષાદની ત્રૂટક સ્મૃતિકથા રૂપે કહેવાયેલી છે કિમ્બલ રેવન્સવુડ (૧૯૮૧) માં અમેરિકાની ધરતી પર જ્યોતિષવિદ્યાના સહારે હળવી માવજતથી ક્પોલલ્પિતનાં તત્વો ગૂંથીને કરેલી રજૂઆત છે. ‘કલ્પતરુ’ (૧૯૮૭) એમની કૉમ્પ્યુટર નવલકથા છે. એમણે પોતાનાં જ નાટકો પરથી કરેલાં નવલકથા-રૂપાન્તરો રૂપે ત્રણ કૃતિઓ આપી છે. ‘કામિની’ (૧૯૭૦) એ ‘કોઈ એક ફૂલનું નામ બોલો તો’ (૧૯૬૮)નું, ‘સભા’ (૧૯૭૨) એ ‘કુમારની અગાશી’ (૧૯૭૫) નું અને ‘સાપબાજી’ (૧૯૭૩) એ ‘આપણે કલબમાં મળ્યાં હતાં’ નું રૂપાન્તર છે. ખૂન અને રહસ્ય જેવા વિષયવસ્તુની આસપાસ ગૂંથાયેલી આ કૃતિઓમાં સંવાદો આકર્ષક છે. બોલચાલની નજીક પહોંચી જતી પાત્રોની ભાષાનું પોત જીવંત છે. ‘અશ્વત્થામા’ (૧૯૭૩) એમનો તખ્તાલાયક એકાંકીઓનો સંગ્રહ છે.આકંઠ (૧૯૭૪) માં ‘આકંઠ સાબરમતી’ નાટ્યસંસ્થાની પ્રવૃત્તિના ફાલ રૂપ ઊતરેલાં, વિવિધ લેખકોનાં પચાસેક નાટકોમાંથી અભિનવ અખતરા હોય એવાં તેવીસ નાટકોનું ચયન-સંપાદન છે. શૉના ‘પિગ્મેલિયન’નું ‘સંતુ રંગીલી’ અને ફ્રેડરિક ડુરેન માત્તના ‘ધ વિઝિટ’ નું ‘શરત’ તેમ જ સ્લુથની કૃતિનું ‘ખેલંદો’ એ એમનાં અત્યંત સફળ નીવડેલાં નાટ્યરૂપાન્તરો છે. આ ઉપરાંત યુસિસ સંસ્થા માટે એમણે ત્રણેક સાહિત્યકૃતિઓના અનુવાદ પણ કર્યા છે. ૧૯૯૯ - રણજિતરામ સુવર્ણચંદ્રક

Showing the single result