Ajit Popat
5 Books
ઉમાશંકર જોશી પછી બોમ્બે યુનિવર્સિટીમાં એમ.એ.માં ગુજરાતી અને સંસ્કૃત વિષય સાથે ફર્સ્ટ ક્લાસ આવનાર અજીત પોપટ પ્રથમ વિદ્યાર્થી. સાથોસાથ અજિત પોપટે હિન્દીમાં રાષ્ટ્રભાષા રત્ન, વિશ્વભારતી યુનિવર્સિટી, કલકત્તાથી બંગાળી ભાષામાં કોવિદ અને મુંબઈમાં મરાઠી ભાષામાં કોવિદ સુધીનો અભ્યાસ કર્યો.અખિલ ભારતીય ગાંધર્વ મહાવિદ્યાલયની સંગીત વિશારદની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા પછી લંડનની ટ્રિનિટી કૉલેજ ઑફ મ્યુઝિકની ગ્રેડ થ્રી સુધીની પિયાનો વાદનની પરીક્ષા પાસ કરી. હાલ કી-બોર્ડ, પિયાનો, હાર્મોનિયમ, તબલાં અને મેંડોલીન વાદન પર પ્રભુત્વ ધરાવે છેમુંબઈના સાંધ્ય દૈનિક ‘જન્મભૂમિ’માં પત્રકાર તરીકે કામ કરતાં-કરતાં એમ.એ. ભણ્યા. ગાંધીવાદી કવિ કરસનદાસ માણેકના ભાણેજ થાય. ‘જન્મભૂમિ’માં બાર વરસ કામ કરતાં-કરતાં સેંકડો માહિતીલેખ લખ્યા. ગુજરાતી પત્રકારત્વમાં શાસ્ત્રીય સંગીત વિશે સરળ ભાષામાં માહિતી લેખો અને સમીક્ષા લખવાનો આરંભ અજિત પોપટથી થયો.ત્યારબાદ સત્તર વરસ સુધી ગુજરાતી ભાષાના પ્રતિષ્ઠિત સાપ્તાહિક ‘ચિત્રલેખા’માં કામ કર્યું. માનવરસના અનેક વિષયો પર કલમ ચલાવી. છેલ્લાં 35 વરસમાં 8500થી વધુ માહિતી લેખો લખ્યા જેને જે.આર.ડી. તાતા અને બીજા મહાનુભાવોએ બિરદાવ્યા છે.મુંબઈ આકાશવાણી પર બાળકો માટે પચાસથી વધુ સંગીત નાટકો લખ્યાં અને ભજવ્યાં. એ બધાંનાં ગીત-સંગીત અને સંવાદલેખનની જવાબદારી અદા કરી.વિવિધ વિષયનાં દસેક પુસ્તકો લખ્યાં. એમાં સંગીતકાર નૌશાદ (ફિલ્મ બૈજુ બાવરા, મધર ઇન્ડિયા, મુગલ-એ-આઝમ, ગંગા જમના, મેરે મહેબુબ વગેરે)નાં સંભારણાંના પુસ્તક ‘આજ ગાવત મન મેરો’ને સાહિત્ય એકેડેમીનો ઍવૉર્ડ મળ્યો.હાલ ‘ગુજરાત સમાચાર’માં સિનિયર પત્રકાર તરીકે ફરજ બજાવે છે. આ દૈનિકમાં વર્તમાન પરિસ્થિતિ વિશે ‘ટુ ધ પોઇન્ટ’ ફિલ્મ સંગીત વિશે ‘સિનેમેજિક’ અને દર બુધવારની શતદલ પૂર્તિમાં નિયમિત માહિતી લેખ લખે છે. ગુજરાત રાજ્ય સરકારે પીઢ પત્રકાર તરીકે એમને એક્રેડિટેશન આપ્યું છે.નવી નવી ભાષા શીખવાની ઉત્કંઠાને કારણે આવરદાનાં પચાસ વર્ષ પૂરા કર્યા પછી જર્મન અને ઉર્દૂ ભાષા શીખ્યા અને બંને ભાષા શીખવા વિશે ગુજરાતીમાં પુસ્તકો લખ્યાં.