Ila Arab Mehta
5 Books / Date of Birth:- 16-06-1938
ઇલા આરબ મહેતા ગુજરાતી નવલકથાકાર અને વાર્તા લેખક છે.તેમનો જન્મ મુંબઈમાં ગુજરાતી લેખક ગુણવંતરાય આચાર્યને ત્યાં થયો હતો. તેમનું મૂળ વતન જામનગર છે. તેમણે શાળાકીય અભ્યાસ જામનગર, રાજકોટ અને મુંબઇમાં કર્યો. ૧૯૫૮માં તેમણે ગુજરાતી વિષય સાથે રૂઇઆ કોલેજમાંથી બી. એ. અને ૧૯૬૦માં એમ.એ.ની પદવી મેળવી. ૧૯૬૦થી ૧૯૬૭ સુધી તેઓ રૂઇઆ કોલેજ અને ત્યારબાદ ૧૯૭૦થી ૨૦૦૦માં તેમની નિવૃત્તિ સુધી સેંટ ઝેવિયર્સ કોલેજ, મુંબઈમાં અધ્યાપક રહ્યા.તેમના શરૂઆતના દિવસોમાં તેમણે અખંડ આનંદ, નવનીત અને સ્ત્રી સામયિકોમાં લખ્યું હતું. તેમણે અનેક નવલકથાઓ લખી છે, જેમાં ત્રિકોણની ત્રણ રેખાઓ (૧૯૬૬), થીજેલો આકાર (૧૯૭૦), રાધા (૧૯૭૨), એક હતા દિવાન બહાદુર(૧૯૭૬), બત્રીસ લક્ષો (૧૯૭૬), વારસદાર (૧૯૭૮), આવતી કાલનો સૂરજ (૧૯૭૯), બત્રીસ પુતળીની વેદના (૧૯૮૨) અને મૃત્યુ (૧૯૮૨), દરિયાનો માણસ (૧૯૮૫), વસંત છલકે (૧૯૮૭), નાગ પરીક્ષા, પાંચ પગલા પૃથ્વી પર (૧૯૯૫), ધ ન્યૂ લાઇફ (૨૦૦૪), પરપોટાની પાંખ (૧૯૮૮), ઝીલી મેં કુંપળ હથેળીમા (૨૦૦૭) નો સમાવેશ થાય છે. જાહેરખબરનો માણસ (૧૯૮૫), શબને નામ હોતું નથી (૧૯૮૧) નવલકથાઓ અલગ પ્રકારના વિષયોની છે. તેમની નવલકથા વાડ (૨૦૧૧) અંગ્રેજીમાં રીટા કોઠારી દ્વારા ફેન્સ (૨૦૧૫) તરીકે અનુવાદિત થઇ છે. તેમની નવલકથા બત્રીસ પુતળીની વેદના મહિલાઓ સામે થતા અન્યાય સામનો સંઘર્ષ અને તેમની ઓળખ સ્થાપિત કરવા માટેના પ્રયત્નો વિશેની છે. આ નવલકથા અનુરાધાની આસપાસ ઘૂમે છે જે મુખ્ય પાત્ર છે અને કુન્દનિકા કાપડીઆની નવલકથા સાત પગલા આકાશમાં (૧૯૮૪‌) ની જેમ જે પુરુષો સામે આક્રોશ પ્રગટ કરે છે.એક સિગારેટ એક ધુપસળી (૧૯૮૧), વિએના-વુડ્સ (૧૯૮૯), ભાગ્યરેખા (૧૯૯૫), બાળવો બાળવી બાળવું (૧૯૯૮), યોમ કિપુર (૨૦૦૬), ઇલા આરબ મહેતાનો વાર્તા વૈભવ (૨૦૦૯) તેમના વાર્તા સંગ્રહો છે. તેમણે વર્ષા અડાલજાની વાર્તાઓનું સંપાદન વર્ષા અડાલજાની શ્રેષ્ઠ વાર્તાઓ (૧૯૯૧) માં કર્યું છે.મૃત્યુ નામ પરપોટા મરે (૧૯૮૪) તેમનું વિવિધ લેખકો દ્વારા મૃત્યુ પરના લેખોનું સાહિત્યિક સંકલન છે.તેમના લખાણોને નારીવાદી ગણવામાં આવે છે. તેમને ગુજરાત સાહિત્ય અકાદમી, મહારાષ્ટ્ર ગુજરાતી સાહિત્ય અકાદમી અને ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી વિવિધ પુરસ્કારો પ્રાપ્ત થયા છે