રાજેન્દ્ર પટેલ કવિ, લઘુકથા લેખક અને વિવેચક છે. ગુજરાતી સાહિત્ય અકાદમીએ તેમને કવિતા, ટૂંકી વાર્તા અને વિવચન બદલ ત્રણ વખત સન્માનિત કર્યા છે. તેમનું પુસ્તક ‘જુઈની સુગંધ’નું નવનીત ઠક્કરે હિંદીમાં ‘જૂહી કી મહક’ નામે ભાષાંતર કર્યું હતું. તેમણે ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત માસિક સામાયિક ‘શબ્દસૃષ્ટિ’ના સંપાદકીય મંડળમાં પણ સેવા આપી હતી. 2006 થી 2009 સુધી તેમણે ગુજરાતી સાહિત્ય પરિષદના ખજાનચી તરીકે સેવા આપી હતી, તે સિવાય સાહિત્ય અકાદમી, નવી દિલ્હી ખાતે 2009 થી 2012 દરમિયાન ગુજરાતી ભાષાના સલાહકાર બોર્ડના સભ્ય તરીકે, 2010થી 2011સુધી ‘વાંચે ગુજરાત’ અભિયાનના સંયુક્ત સચિવ તરીકે, 2010 થી 2013 સુધી ગુજરાતી સાહિત્ય પરિષદના સચિવ તરીકે, અને 2014થી ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપપ્રમુખ તરીકે ફરજ બજાવી છે. તેઓ ‘માતૃભાષા અભિયાન’, ‘અનુવાદ પ્રતિષ્ઠાન’ના ડાયરેક્ટર અને અમદાવાદમાં ‘ગુજરાતી લિટરેચર ફેસ્ટિવલ’ કેન્દ્રીય સમિતિના સભ્ય છે. તેઓ એક ફાર્માસ્યુટિકલ કંપની પણ ચલાવી રહ્યા છે.1974માં તેમણે લખવાનું શરૂ કર્યું અને ‘વિશ્વમાનવ’ નામના ગુજરાતી સામયિકમાં પ્રથમ વખત તેમનું લેખન પ્રકાશિત થયું. ત્યારબાદ, તેમની કવિતાઓ ‘પરબ’, ‘કુમાર’, ‘કવિલોક’, ‘કવિતા’, ‘એતદ્દ’ અને ‘નવનીત સમર્પણ’ સહિત અન્ય સાહિત્યિક સામયિકોમાં પ્રકાશિત થઈ.