Pratibha Dave (Dr.)
4 Books / Date of Birth:- 14-02-1944
ડૉ. પ્રતિભા મહિપતરામ દવે નિવૃત્ત પ્રાધ્યાપિકા. એલફિન્સ્ટન કૉલેજ, સેન્ટ ઝેવિયર્સ કૉલેજ અને તે પછી શ્રીમતી મણિબહેન એમ. પી. શાહ મહિલા કૉલેજ ઑફ આર્ટ્સ/કૉમર્સ કૉલેજમાં રીડર - ગુજરાતી વિભાગના અધ્યક્ષા રહી ચૂક્યાં છે. કુલ 36 વર્ષનો અધ્યયન ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે. કૉલેજકાળ દરમિયાન નરસિંહ મહેતાની 500મી જન્મશતાબ્દિ પ્રસંગે જ્ઞાનસત્ર, મધ્યકાળની ગુજરાતી, હિંદી, મરાઠી તેમજ કશ્મીરની સંત કવયિત્રીઓનાં જીવન-કવન પર આધારિત જ્ઞાનસત્ર, દરેક જ્ઞાનસત્ર પર તે તે વિષયલક્ષી સંગીતના કાર્યક્રમનું આયોજન, ‘નરસિંહ મહેતા : આસ્વાદ અને સ્વાધ્યાય' ગ્રંથના સંપાદક રઘુવીર ચૌધરી સાથે સહ-સંપાદક, ‘રામ રતન ધન પાયો’ ગ્રંથ તથા ‘રેલ્યો કસુંબીનો રંગ’ ઝવેરચંદ મેઘાણી શતાબ્દિ ગ્રંથના સંપાદક ઇત્યાદિ અનેક સાહિત્યિક પ્રવૃત્તિઓ કરી. એ દરમિયાન ‘મૃત્યુંજય’, ‘ઝાડાઝડતી’, ‘પાનીપત’, ‘મહાનાયક’, ‘સયાજીરાવ ગાયકવાડ’ જેવી અનેક મરાઠી નવલકથાઓ, ‘માનસ કા હંસ’ હિંદી નવલકથા, ‘ગુણાજી’ કોંકણી કૃતિઓનાં ગુજરાતીમાં અનુવાદ કર્યાં અને દિલ્લી સાહિત્ય અકાદમી, ગુજરાત સાહિત્ય પરિષદ, એચ. આર. ડી. વિભાગ (કેન્દ્ર સરકાર), મહારાષ્ટ્ર શાસન તરફથી શ્રેષ્ઠ અનુવાદના પુરસ્કાર પ્રાપ્ત થયા છે. ‘ભોગદંડ’ કોંકણી નવલકથાનો ગુજરાતીમાં અનુવાદ સાહિત્ય અકાદમી દિલ્લી દ્વારા અને ‘નિષ્કુળાનંદ : એક અધ્યયન’ મહાનિબંધ હવે ‘સંત કવિ નિષ્કુળાનંદનું જીવનદર્શન’ શીર્ષક હેઠળ પ્રકાશિત થયો છે. ઉપરાંત અનેક સાહિત્ય જ્ઞાનસત્રોનું આયોજન અને એ જ્ઞાનસત્રોમાં એક વક્તા તરીકે સહભાગી થયા છે. આકાશવાણી, મુંબઈ પરથી અનેક વિષયો પર વાર્તાલાપ, ટીવી પર મુલાકાત, જન્મભૂમિ, મુંબઈ સમાચાર જેવાં નામી અખબારો તથા ‘નવનીત-સમર્પણ’ પાક્ષિકમાં અંગ્રેજીમાંથી તથા મરાઠીમાંથી અનુવાદિત બાળવાર્તાઓ, અનુવાદિત નવલકથાના કેટલાક અંશો તથા કેટલીક સત્યઘટના પર આધારિત કથાઓ પ્રકાશિત થઈ છે. ઉપરાંત મહારાષ્ટ્ર ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત પુસ્તકોનું અવલોકન (ગ્રાન્ટ યોજના હેઠળ), ગુજરાતી સાહિત્ય પરિષદની કેન્દ્રિય સમિતિમાં નિર્વાચિત સભ્ય, નવેમ્બર, 2001, ગુજરાતી બૉર્ડ ઑફ સ્ટડીઝના ચૅરપર્સન તરીકેની નિમણૂક, એસ. એન. ડી. ટી. યુનિવર્સિટી, મુંબઈ, એકૅડેમિક કાઉન્સિલના સભ્ય, મહારાષ્ટ્ર એચ. એસ. સી. બૉર્ડ, ધોરણ : 12 ગુજરાતી પાઠ્યપુસ્તકના સંપાદકમંડળમાં મુખ્ય સંપાદક, 2007 તથા બૉર્ડ ઑફ સ્ટડીઝ ગુજરાતીના સભ્ય તરીકે નિમણૂક 2012, કે. જે. સોમૈયા કૉલેજ, ઘાટકોપર, મુંબઈમાં આજે પણ સભ્ય તરીકે સેવા આપી રહ્યાં છે. હાલમાં જ સંશોધન ગ્રંથ ‘વચનામૃત : ગુજરાતી ગદ્યસિદ્ધિનો ગૌરવ ગ્રંથ’ ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત થયો છે.