આનંદધારા
એક વાર અચાનક હોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી મેરીલીન મનરોની આત્મકથા હાથમાં આવી. આખી સાંજ ઘરમાં એકલી હતી. કુતૂહલ ખાતર થોડાં પાનાં ઉથલાવ્યાં. થોડાં વાંચ્યાં. અને પુસ્તકે મારણવિદ્યાનો મંત્ર ભણ્યો હોય એમ મારે આખું પુસ્તક ફરી ફરીને વાંચવું પડ્યું. મેરીલિન એટલે સેક્સ બૉમ્બ… મેરીલિન એટલે પુરુષોની ભૂખી… ફણ આ એક બીજી મેરીલિનની વાત હતી જે રોશનીથી ઝગમગતી ફિલ્મી દુનિયાની અંધારી પછીતે જીવતી હતી.
મેરીલિનમાંથી થોડો પિંડ લઈ મેં રાણીના પાત્રને ઘડ્યું છે. એ સદાય સુખની મૃગયા ખેલતી આવી છે. વનવન ભટકે છે પણ મોહ પમાડતું કાંચનમૃગ હાથ નથી આવતું. આમ તો આ કોઈની પણ કથા હોઈ શકે… સુખની શોધમાં ભટકતી રાણીને આખરે ભાન થાય છે કે સુખ તો બાહ્ય ઉપકરણો પર આધારિત છે, એથી જ તો એ મનુષ્ય સાથે સતત લૂપાછૂપીની રમત રમે છે. રાણી જે બહાર શોધે છે તે એની અંદર જ છે. પાતાળઝરણાંની જેમ સતત વહે છે આનંદધારા. ન એમાં ભરતી ન ઓટ. જેનું મૂળ નહીં તેનો વિલય પણ નહીં.
આજે મનુષ્ય પર બાહ્યજીવનની ભીંસ વધી છે. ચમકદમકની દુનિયામાં ઘણાં ફટકિયા નવા રંગો ઉમેરાય છે. સમયના બદલાવ સાથે સમીકરણો બદલાતા નથી.
– વર્ષા અડાલજા
Be the first to review “Ananddhara”
You must be logged in to post a review.