Jawahar Baxi
1 Book
ગઝલકાર શ્રી જવાહર બક્ષીનો જન્મ જૂનાગઢમાં, તા. ૧૯-૨-૧૯૪૭ના રોજ થયો હતો. માતાનું નામ નિલાવતી અને પિતાનું નામ રવિરાય. આર્થિક અને સામાજિક રીતે સમૃદ્ધ કહી શકાય એવા કુટુંબમાં જન્મેલા જવાહરભાઈએ શાલેય શિક્ષણ જૂનાગઢમાં લીધું. પછી, મુંબઈની સિડનહામ કૉલેજ ઑફ કૉમર્સ ઍન્ડ ઇકૉનૉમિક્સમાંથી સ્નાતક થયા. ૧૯૬૪માં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયા. નરસિંહ મહેતાની વીસમી પેઢીએ વારસ, એટલે એમની મૂળ અટક તો મહેતા હતી, પરંતુ એમના વડવાઓને વ્યવસાયિક રીતે બક્ષીપદ મળેલું એટલે બક્ષી થયા. આ કવિ મુખ્યત્વે ગઝલસર્જનમાં જ વ્યસ્ત રહ્યા છે. સહજ રીતે જ ઝૂલણા છંદનું એમને આકર્ષણ રહ્યું છે. સાહિત્યવ્યાસંગને કારણે એમને આદ્યકવિ નરસિંહ મહેતા સંદર્ભે અભ્યાસ કરવાનું મન થયું અને એમણે ‘નરસિંહ મહેતાની કવિતામાં આધ્યાત્મિકતા’ વિષય પર સંશોધન કરીને 2014માં, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. નરસિંહનાં અનેક પદોનું શાસ્ત્રીય ઢબે અર્થઘટન કર્યું. જવાહરભાઈના બે ગઝલસંગ્રહો પ્રકાશિત થયા છે. ‘તારાપણાના શહેરમાં’ (1999) અને ‘પરપોટાના કિલ્લા’ (૨૦૧૨). ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા એમને વિવિધ પારિતોષિકો ઉપરાંત નર્મદ સુવર્ણચંદ્રક, કલાપી ઍવૉર્ડ, દલપતરામ ઍવૉર્ડ તથા નરસિંહ મહેતા ઍવૉર્ડથી સન્માનવામાં આવ્યા છે. 

Showing the single result