એક સર્જકનો ખરો પરિચય તો તેણે કરેલું ‘સર્જન’ જ હોય છે. આમ છતાં શ્રી સુરેશ પ્રજાપતિનો વિશેષ પરિચય તેમની ગરવાઈ અને સમજણનું અનેરું ઊંડાણ છે.
ઝાલાવાડી ભાતીગળ ભૂમિમાં (મુ. રાસકા, જિ. સુરેન્દ્રનગર) જન્મેલા શ્રી સુરેશ પ્રજાપતિનું પ્રથમ પુસ્તક (વીંછીના ડંખ – નવલકથા) 2007ની સાલમાં પ્રગટ થયું. ત્યાર પછીનું તેમનું આ પંદરમું પુસ્તક સાહિત્યજગતમાં પ્રવેશી રહ્યું છે એ ઘટના જ તેમના ઊજળા પરિચયનો પર્યાય છે.
તેમનામાં માનવીના મનનો તાગ મેળવવાની અદ્ભુત જન્મજાત શક્તિ છે. વળી, વેદના-સંવેદનાઓને શબ્દદેહ આપવાની તેમની કોઠાસૂઝ કાબીલેદાદ છે. ઘટના નિરૂપણની બાબતમાં શ્રી પ્રજાપતિ અવ્વલ છે. તેમના સર્જનમાં મૂંઝવણ અને મથામણની સંવેદનાત્મક અભિવ્યક્તિનું નિરૂપણ થયું છે. પાત્રાલેખન અને વશીકરણ જેવી ઊંડી અસર ઉપજાવે છે. આથી જ તેમની લેખનશૈલી એકદમ જીવંત બની છે.
સ્વભાવે શાંત, ધીર-ગંભીર અને માનવીય સંવેદનાઓને સમજી શકનાર એક સંવેદનશીલ સર્જક તરીકે તેમનું નામ સપાટી પર ઊપસી આવ્યું છે. તેમના જીવનના શબ્દકોશમાં ‘નિરાશા’ જેવો કોઈ શબ્દ અને અથાગ પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. સદૈવ અગ્ર હરોળના સારસ્વતોની વચ્ચે રહીને અતિ સંઘર્ષભરી પાત્રા કરી શ્રી સુરેશ પ્રજાપતિ એક ચોક્કસ મુકામે પહોંચ્યા છે.
વિજ્ઞાન સ્નાતક (B.Sc.) હોવા છતાં તેઓ ધર્મ અને અધ્યાત્મના ઊંડા અભ્યાસુ પણ છે. સાહિત્ય પ્રત્યેની ઊંડી સૂઝબૂઝને લીધે પચીસ વર્ષથી સાહિત્યજગત સાથે નીકટતાથી સંકળાયેલા રહ્યા છે. જીવનલક્ષી, વ્યવહારલક્ષી અને સમાજલક્ષી નિતનવા વિષયો સાથેનું ખેડાણ શ્રી સુરેશ પ્રજાપતિને સદૈવ મનગમતું રહ્યું છે.