65 Books / Date of Birth:-
28-08-1896 / Date of Death:-
09-03-1947
ઝવેરચંદ મેઘાણી એ એક કવિ, નવલકથાકાર, વાર્તાકાર, લોકસાહિત્યના સંશોધક-સંપાદક, વિવેચક, અનુવાદક હતા. તેમનો જન્મ ચોટીલામાં થયો હતો. ઈ.સ. 1917માં તેઓ કોલકાતા સ્થિત જીવનલાલ લીમીટેડ નામની એક ઍલ્યુમિનીયમની કંપનીમાં કામે લાગ્યા. નાનપણથી જ તેમને ગુજરાતી સાહિત્યનું ઘણું ચિંતન રહ્યું હતું અને તેમના કલકત્તા નિવાસ દરમ્યાન તેઓ બંગાળી સાહિત્યનાં પરિચયમાં આવ્યા હતાં. બગસરામાં સ્થાયી થયા બાદ તેમણે રાણપુરથી પ્રકાશિત થતાં 'સૌરાષ્ટ્ર' નામનાં છાપામાં લખવાની શરુઆત કરી હતી. 1922-35 સુધી તેઓ 'સૌરાષ્ટ્ર'માં તંત્રી તરીકે રહ્યા હતા. આ સમય દરમ્યાન તેઓએ પોતાના સાહિત્યિક લખાણને ગંભીરતાપુર્વક લઈ 'કુરબાનીની કથાઓ'ની રચના કરી કે જે તેમની પહેલી પ્રકાશિત પુસ્તક હતી. ત્યારબાદ તેઓએ 'સૌરાષ્ટ્રની રસધાર'નું સંકલન કર્યુ તથા બંગાળી સાહિત્યમાંથી ભાષાંતર કરવાની શરુઆત કરી.
તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ 'વેણીનાં ફુલ' 1926માં પ્રકાશિત થયો હતો. ઈ.સ. 1928માં તેમને લોકસાહિત્યમાં યોગદાન બદલ ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’ આપવામાં આવ્યો હતો. તેમના સંગ્રામ ગીતોના સંગ્રહ 'સિંધુડો' એ ભારતના યુવાનોને પ્રેરીત કર્યા હતાં, જેને કારણે ઈ સ. 1930માં તેમને બે વર્ષ માટે જેલમાં રહેવું પડ્યું હતું. આ સમય દરમિયાન તેમણે ગાંધીજીની ગોળમેજી પરિષદ માટેની લંડન મુલાકાત ઉપર 'ઝેરનો કટોરો' કાવ્યની રચના કરી હતી. ગાંધીજીએ તેમને ‘રાષ્ટ્રીય શાયર’ના બિરુદથી નવાજ્યા હતાં. ઈ.સ. 1936-45 સુધી તેઓએ ફુલછાબના સંપાદકની ભુમિકા ભજવી. 1946માં તેમના પુસ્તક 'માણસાઈનાં દીવા'ને ‘મહીડાં પારિતોષિક’થી સન્માનવામાં આવ્યું હતું અને તે જ વર્ષે તેમને ગુજરાતી સાહિત્ય પરિષદનાં સાહિત્ય વિભાગનાં વડા તરીકે નીમવામાં આવેલાં. ભારતીય ટપાલ વિભાગ દ્વારા 14 સપ્ટેમ્બર 1999ના રોજ તેમના માનમાં ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.