અરવિંદ કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી છે. પારદર્શિતા અને લોકોની સહભાગીદારી દ્વારા તેઓ રાજકીય પરિવર્તન લાવવા માટે મથી રહ્યા છે. 2011-12માં આમ આદમીને જગાવી દેનારા, અણ્ણા હઝારેની આગેવાનીમાં ચાલેલા દેશવ્યાપી ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન પાછળના મુખ્ય ચાલકબળ તરીકે તેમણે કામગીરી કરી હતી.
1989માં IIT ખડગપુરમાંથી મિકેનિકલ ઍન્જિનિયરિંગ કર્યા બાદ તેઓ તાતા સ્ટિલમાં જોડાયા હતા. 1992માં તેઓ ‘ઇન્ડિયન રેવેન્યૂ સર્વિસ’માં જોડાયા અને ઇન્કમટેક્સ વિભાગમાં જૉઇન્ટ કમિશનર બન્યા. 2000માં તેમણે લાંબી રજા લઈને પરિવર્તન નામના NGOની સ્થાપના કરી હતી. પરિવર્તન સંસ્થાના માધ્યમથી તેમણે દિલ્હીના સ્લમમાં રહેતા લોકોનું જીવન સુધારવા માટે ઘણાં વર્ષો કાર્ય કર્યું. આ ઉપરાંત ‘રાઇટ ટુ ઇન્ફર્મેશન’ RTI (માહિતી અધિકાર) કાયદા માટે ચળવળ ચલાવવામાં પણ તેઓ સક્રિય હતા. 2006માં તેમણે સરકારી નોકરીમાંથી રાજીનામું આપી દીધું. માહિતી અધિકાર RTIના કાયદા માટે તેમણે ચલાવેલી ઝુંબેશ બદલ 2006માં તેમને ‘રેમન મૅગ્સેસ ઍવૉર્ડ’ મળ્યો હતો.