Ramanbhai Nilkanth
4 Books / Date of Birth:- 13-03-1868 / Date of Death:- 06-03-1928
રમણભાઈ મહીપતરામ નીલકંઠ ગુજરાતી ભાષાની ‘ભદ્રંભદ્ર’ જેવી અમર હાસ્ય કૃતિના સર્જક અને અગ્રણી સમાજસેવક હતા. ‘રમણલાલ નીલકંઠ હાસ્ય પારિતોષિક’ તેમના સન્માનમાં હાસ્યલેખકોને આપવામાં આવે છે. તેમનો જન્મ અમદાવાદ ખાતે રૂપકુંવરબા અને મહીપતરામ નીલકંઠને ત્યાં થયો હતો. પ્રાથમિક તેમ જ માધ્યમિક શિક્ષણ અમદાવાદ ખાતે પૂર્ણ કર્યા બાદ, તેઓ પંદર વર્ષે મેટ્રિક પાસ કરી ગુજરાત કોલેજ, અમદાવાદ તથા એલ્ફિન્સ્ટન કોલેજ, મુંબઈમાં આગળ અભ્યાસ કર્યો હતો. 1887ના વર્ષમાં તેમણે બી.એ.ની પદવી મુંબઇ વિશ્વવિદ્યાલય ખાતે એલ.એલ.બી. સુધીની પદવી પણ પ્રાપ્ત કરી. તેમણે પ્રથમ હંસવદન સાથે લગ્ન કર્યા, પરંતુ નાની ઉંમરે મૃત્યુ થવાને કારણે તેમણે બીજાં લગ્ન જાણીતા સાહિત્યકાર વિદ્યાગૌરી સાથે 1887ના વર્ષમાં કર્યાં હતા. તેમની દિકરીઓ વિનોદિની નીલકંઠ અને સરોજિની નીલકંઠ પણ જાણીતાં સામાજિક કાર્યકર તેમ જ સાહિત્યકાર થયા હતા. બ્રિટિશ પ્રવાસ લેખક પિકો ઐયર તેમના પ્રપૌત્ર છે. લેખક હોવાની સાથે સાથે, શરુઆતના વર્ષોમાં તેઓ સરકારી નોકરીમાં કારકુન તરીકે જોડાયા અને ત્યારબાદ શિરસ્તેદાર અને આગળ વધતા ગોધરા ખાતે જજ તરીકે સેવા બજાવી હતી. બ્રિટિશ સરકાર દ્વારા તેમને પહેલા રાય બહાદુર અને પછી સરનો ખિતાબ આપવામાં આવ્યો હતો. તેમણે અમદાવાદના મેયર તરીકે પણ ફરજ બજાવી હતી. 1923માં અમદાવાદ રેડ ક્રોસની સ્થાપના થયા પછી તેઓ તેના પ્રથમ સેક્રેટરી બન્યા હતા. 1926માં તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદે રહ્યા હતા.તેમની પ્રધાન કૃતિઓમાં ભદ્રંભદ્ર, શોધમાં જેવી નવલકથાઓ, રાઈનો પર્વત નામે નાટક, સરસ્વતીચંદ્રનું અવલોકન, હ્રદયવીણાનું અવલોકન જેવા વિવેચનો, વાર્તાઓ, કાવ્યો, હાસ્ય નિબંધો, ધર્મ અને સમાજ જેવા ચિંતન ગ્રંથો ગુજરાતી ભાષાને આપ્યા છે.