Paulo Coelho
8 Books / Date of Birth:- 24-08-1947
પૉલો કોએલોના પુસ્તકો માટેની મૂળ પ્રેરણા એના પોતાના જીવનમાંથી આવી છે. એણે મોત સાથે સંતાકૂકડી રમી લીધી, ગાંડપણની હદ સુધી પહોંચીને પાછા ફર્યા, જાતજાતનાં ડ્રગ્સ અજમાવી લીધા, ભીષણ યાતનાઓ સહન કરી, જાદુ ટોણા અને પિત્તળમાંથી સોનુ બનાવવાના કીમિયા પણ અજમાવી જોયા, ફિલોસોફી અને ધર્મનો ઊંડો અભ્યાસ કર્યો, અગણિત થોથાં ઉથલાવી નાખ્યા, આસ્થા ગુમાવીને પાછી મેળવી, પ્રેમનું સુખ અને પછી કારમી પીડા પણ ભોગવી લીધાં. દુનિયામાં પોતાનું સ્થાન શોધવા માટે આદરેલી યાત્રા દરમ્યાન એણે બીજાં બધાય લોકોને સતાવતા પડકાર અને પ્રશ્નોના જવાબ મેળવી લીધા. એ માને છે કે આપણી નિયતિ શું છે, એ જાણવાની, નક્કી કરવાની શક્તિ આપણી અંદર જ વસે છે.એમની નવલકથાઓ વિશ્વના બેસ્ટસેલિંગ પુસ્તકોની યાદીમાં સ્થાન મેળવી ચૂકી છે. વર્ષ 1988માં પ્રગટ થયેલી The Alchemistની અત્યાર સુધીમાં સાડા છ કરોડ નકલ વેચાઈ ગઈ છે. મલાલા યુસફઝાઈ અને ફરેલ વિલિયમ્સ જેવા લોકોએ એ પુસ્તકમાંથી પ્રેરણા મળી હોવાનું કબુલ્યું છે.કોએલોએ લખેલા પુસ્તકોની અત્યાર સુધીમાં વીસ કરોડથી વધુ નકલ વેચાઈ છે. દુનિયાની 81 ભાષામાં એનું પ્રકાશન થયું છે અને અત્યારે વિશ્વના જીવંત લેખકોમાં સહુથી વધુ અનુવાદ, એમના પુસ્તકોનાં થયાં છે.