Ekta Nirav Doshi
5 Books
કેતન મુનશી વાર્તા સ્પર્ધા-13નાં પ્રથમ વિજેતા, સ્વ. હરનિશ જાની હાસ્ય સ્પર્ધામાં તૃતીય વિજેતા, આપણું આંગણું એકોક્તિ સ્પર્ધાના તૃતીય વિજેતા. અભિયાન લઘુનવલકથા દ્વિતીય વિજેતા. અમદાવાદમાં રહેતી ગૃહિણી જેણે 2017થી લેખન ક્ષેત્રમાં કદમ માંડ્યા છે અને અનેક વાર્તાઓએ વિવિધ મૅગેઝિન, પેપર અને સોશિયલ મીડિયામાં સ્થાન મેળવ્યું છે. ચાર નવલકથા, ત્રણ નવલિકાસંપુટ, એક નવલકથા `હમિન અસ્ત ઓ' બ્રેઇલ લિપિમાં, ત્રણ સંપાદન અને અનેક સહિયારાં પુસ્તકો પ્રકાશિત થયાં છે.દાદાજીના વિશાળ વાંચન દ્વારા નાનપણથી જ સાહિત્ય સાથેની દુનિયાથી જોડાયેલાં છે. કાલિદાસથી ચંદ્રકાંત બક્ષી, શેક્સપિયરથી માંડી કાલ માર્ક્સ સુધીનું વાંચન ધરાવતા એમના દાદાજી, એ સાંભળતાં શીખ્યાં ત્યારથી જ એમને વાર્તાઓનું પાન કરાવતા. એમના કહેવા મુજબ, `જન્મી ત્યારથી લગભગ બાર વર્ષની ઉંમર સુધી હું વાર્તાઓ દ્વારા જ શ્વસતી એમ કહું તો જરાય અતિશયોક્તિ નથી.' છ વર્ષની ઉંમરે એમને અનેક વાર્તાઓ કંઠસ્થ હતી. એ પછી ભણતરના વાંચન વચ્ચે પણ એમનું નવલકથા અને મૅગેઝિન્સનું વાંચન ચાલુ જ રહેતું પણ ધીરે ધીરે બીજી જવાબદારીઓ વધતાં વાંચન ઘટતું ગયું. છતાં પણ નવું જાણવાની તાલાવેલી હંમેશાં રહેતી.એમને પપ્પા તરફથી પ્રવાસનો શોખ વારસામાં મળ્યો. અલગ અલગ રાજ્યોનો પ્રવાસ ત્યાંના સ્થાનિકની જેમ કરવાથી વિવિધ સંસ્કૃતિ સાથે પરિચય થઈ શક્યો છે. લગ્ન પછી એમના પતિના કામાર્થે ત્રણ વર્ષ કલકત્તા અને બે વર્ષ બેંગલોર રહેવાનું થયું. ભારતની વિવિધતાનો આનુભવ એમનાં લેખનમાં એમને ખૂબ મદદરૂપ થાય છે.કહે છે ને `લાઇફ બીગીન્સ ઍટ ફોર્ટી' એમના માટે એમનો ચાળીસીપ્રવેશ વળાંક લઈને આવ્યો. ફક્ત ડાયરીમાં લખાતાં લખાણે વાર્તા તરફ ડગ માંડ્યાં અને એક સખીની પ્રેરણાથી 2017માં એમણે પ્રથમ વાર્તા લખી. એક ઑનલાઇન સ્પર્ધામાં પ્રોત્સાહન ઇનામ મેળવ્યું અને ઉત્સાહ વધ્યો. હવે એમણે નક્કી કર્યું કે વાર્તાક્ષેત્ર એમના માટે છે તો ક્ષેત્રને લાયક બનવા માટે એમણે વ્યવસ્થિત પ્રયત્ન આદર્યા. વિવિધ લેખનસંસ્થાઓ સાથે સંલગ્ન થઈ ભાષા પ્રત્યે જાગરુક બની અને લખાણને ધાર આપવાનો પ્રયત્ન શરૂ કર્યો, એ માટે તેઓ હજુ પણ સતત પ્રયત્નશીલ છે. સતત વાંચન કરે છે અને એમનું શબ્દભંડોળ વિસ્તૃત કરે છે.2017થી આજ સુધી ડિજિટલ માધ્યમ તેમજ પ્રિન્ટ માધ્યમ બંનેમાં નાની-મોટી સફળતા મેળવી રહ્યાં છે. ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે યોગદાન આપવા પ્રયત્નશીલ છે. તેઓ માને છે કે એમના વિકાસમાં અનેક મિત્રો, સંસ્થાનો અને પરિવારજનોનો ખૂબ સહકાર મળ્યો છે.

Showing all 5 results