સાંઈરામ દવે એક બહુર્મુખી પ્રતિભા ધરાવનાર કલાકાર છે. લોકસાહિત્યકાર, હાસ્ય કલાકાર, કવિ, લેખક, લોકગાયક તેમજ શિક્ષણવિદ્ તરીકે સમગ્ર ગુજરાત તેમને ઓળખે છે. 41 વર્ષની ઉંમરમાં તેમણે 51 જેટલા જુદા જુદા વિષયો ઉપર હાસ્ય-લોકસાહિત્યનાં ઑડિયો-વીડિયો આલ્બમ આપ્યાં છે અને તેના દ્વારા સમગ્ર વિશ્વનાં ગુજરાતીઓનાં હૃદયમાં આગવું સ્થાન મેળવ્યું છે. ગુજરાત સરકારે 2007માં સૌથી નાની ઉંમરે ‘ગુજરાત ગૌરવ પુરસ્કાર’થી સન્માનિત કરેલ છે. મહારાષ્ટ્ર પાઠ્યપુસ્તક મંડળ, પુણે દ્વારા ધોરણ બીજામાં ‘છે સ્વર્ગથીય વહાલી અમને અમારી શાળા’ તથા ધોરણ-છઠ્ઠામાં ‘જલ શક્તિ ગીત’ પાઠ્યપુસ્તકમાં 2005થી ભણાવાય છે જે સાંઈરામ દવેનું સર્જન છે. ગુજરાત પાઠ્યપુસ્તક મંડળ, ગાંધીનગર દ્વારા ધોરણ દસમાં સાંઈરામ દવે લિખિત પાઠ ‘બહેન સૌની લાડલી’ ગુજરાતી વિષયમાં 2017ની આવૃત્તિમાં સ્થાન પામ્યો છે. 14 વર્ષ સરકારી શાળા નં. 5 ગોંડલ ખાતે ફરજ બજાવી 2015થી તેઓ રાજકોટ ખાતે ‘નચિકેતા સ્કૂલિંગ સિસ્ટમ’ના ફાઉન્ડર પ્રૅસિડન્ટ તરીકે શિક્ષણસેવામાં કાર્યરત છે. તેમના સાંઈલક્ષ્મી ફાઉન્ડેશન દ્વારા તેઓએ કેળવણી અને બાળસાહિત્યને વાચા આપતા અનેક કાર્યક્રમો કર્યા છે, જેમાં ઓપન સૌરાષ્ટ્ર હાલરડાં સ્પર્ધા, પરફેક્ટ પૅરન્ટિંગ સેમિનાર, ભાષાનું ભાવિ સેમિનાર, ઓપન સૌરાષ્ટ્ર બાલગીત-બાલવાર્તા સ્પર્ધા, બાળપણ બચાવો સેમિનાર વગેરેનો સમાવેશ થાય છે.