વર્ષો પહેલાં ગમતાં કવિએ કહેલી વાત આ પુસ્તકનું કારણ છે. કવિતાઓમાં ઝાઝાભાગે દુઃખ-દર્દ-ઉદાસી-દગો અને પારાવાર યાતનાઓ જ મોસ્ટલી હોય છે. આઇ એમ પોતે પણ આવા પાંચ કાવ્યસંગ્રહો લખ્યા છે. પરંતુ `51 Smileys’ સાવ હળવીફૂલ હાસ્યકવિતાઓનો બગીચો છે. તેમ છતાં અમુક વાચકોને કવિ અને કવિતા સાથે કારણ વગરની જન્મજાત દુશ્મનાવટ હોય છે. એવા કવિતાશત્રુઓએ આ પુસ્તક માત્ર ડાબા પડખે જ વાંચવું, અર્થાત્ આ પુસ્તકમાં ડાબી બાજુ તમારું ભેજું ફ્રાય કરે એવા `નૂરા અને પીરા’ના કેટલાક નવા નક્કોર વન લાઇનર જોક્સ ટાંકેલા છે.
જોક અને કવિતાઓને આમ જુઓ તો સ્નાનસૂતકનો પણ સંબંધ નથી. મોટાભાગે સ્ટેજ પ્રોગ્રામોમાં કાર્યક્રમની શરૂઆત કરવા માટે જ કવિતા બોલાતી હોય છે. (જેથી લોકો ગોઠવાઈ જાય.) અથવા તો જોક્સનો વિષય બદલવા શેર-શાયરીઓ બફરઝોન તરીકે કામ આપતી હોય છે. પ્રસ્તુત પુસ્તકમાં મેં કેટલાંક શબ્દચિત્રો ખડાં કરી હાસ્યને કાવ્યસ્વરૂપ આપવાનો પ્રયત્ન કરેલ છે. અલગ અલગ લયમાં અને કાવ્યપ્રકારોમાં નવી રીતે જોક લખવાની મને તો મજા પડી છે. ટૂંકમાં કહું તો ઘન સ્વરૂપનો જોક જ્યારે કવિતામાં લખાય છે ત્યારે પ્રવાહી સ્વરૂપ ધારણ કરે છે. (આ આપણું હાથે બનાવેલું વિજ્ઞાન છે). પૉલિટિકલ સેટાયર હાસ્યકવિતાઓમાં ખૂબ જ જૂજ લખાયેલો છે. મારા વ્યંગની ધાર પેલી ‘સ્પિરિટવાળી છરી’ની જેમ ધ્યાનથી કે દિલથી વાંચશો તો જ અનુભવાશે.
તમને કોઈપણ ભોગે, કોઈપણ પરિસ્થિતિમાં, કોઈપણ રીતે હસાવવા એ મારા જીવનનું લક્ષ્ય છે. મહિલાઓ ચાંદલો કપાળે લગાવે છે અને પુરુષો ચાંદલો ટેબલ પર લખાવે છે. હું પણ મારી આ 51 હાસ્યકૃતિઓનો ચાંદલો તમારા ભાલે કુમકુમ ચોખા સાથે ચોડું છું.
-સાંઈરામ દવે
Be the first to review “51 Smileys”